° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


બિનહરીફ રિયલ અર્થમાં બિન હરીફ છે

30 June, 2022 02:23 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

દાબેલી જેવી એક જ વરાઇટીમાં અલગ-અલગ જાતના એક્સપરિમેન્ટ કર્યા પછી પણ દાબેલીની ઓરિજિનલ મજા જરા પણ ખોવાય નહીં અને ઑથેન્ટિસિટી અકબંધ રહે એનું ધ્યાન બિનહરીફમાં રાખવામાં આવ્યું છે

સંજય ગોરડિયા ફૂડ ડ્રાઇવ

સંજય ગોરડિયા

મિત્રો, આ વખતેની આપણી ફૂડ-ડ્રાઇવ દાબેલી વિશે છે અને દાબેલી વિશે આ અગાઉ હું ઘણુંબધું લખી ચૂક્યો છું અને એમ છતાં પણ આ ફૂડ ડ્રાઇવ માટે હું મારી જાતને રોકી શક્યો નહીં. એનું કારણ પણ કહું.

બન્યું એવું કે મારી નવી ફિલ્મ ‘ચાર ફેરાનું ચકડોળ’ જેમાં હું લીડ રોલ કરું છે એનું શૂટિંગ અમદાવાદમાં લગભગ બાવીસ દિવસ ચાલ્યું. દરરોજ અલગ-અલગ જગ્યાએ શૂટિંગ હોય. એક દિવસ સવારના સાડાનવ વાગ્યાની શિફ્ટ હતી પણ આગલી રાતના ઉજાગરાના કારણે હું મોડા ઊઠ્યો. સમયસર શૂટિંગ પર પહોંચવા માટે મારી પાસે નાસ્તો સ્કિપ કરવા સિવાય કોઈ રસ્તો નહોતો. મનમાં વિચાર્યું કે રસ્તામાંથી કંઈક નાસ્તો લઈ હું ગાડીમાં જ બ્રેકફાસ્ટ પતાવી લઈશ. 

હોટેલથી રવાના થયો અને મારી ગાડી જજિસ બંગલો પાસે આવેલી પકવાન રેસ્ટોરન્ટ અને અતિથિ હોટેલ આવે એની સહેજ પહેલાં જમણી બાજુએ મેં એક બોર્ડ વાંચ્યું, બિનહરીફ દાબેલી. મિત્રો, આ દાબેલી એવી વરાઇટી છે કે જે આપણે સામાન્ય રીતે ખુમચા કે નાનકડી રેંકડી પર ખાતા હોઈએ પણ આ તો આખેઆખી દુકાન અને એ પણ બાકાયદા ઇન્ટીરિયર સાથેની. બિનહરીફનું ઇન્ટીરિયર અને એમાં વાપરવામાં આવેલા યલો કલરના કારણે મને યાદ આવ્યું કે આવી જ દુકાન મેં ભુજમાં પણ એક વાર જોઈ છે, એ જ પૅટર્ન અને લોગો સાથેની. મને થયું કે હવે અંદર જવું તો પડે જ.

હું તો ગયો અને મારી આંખો ચાર. જાતજાતના કૉમ્બો. વડાપાંઉ અને બર્ગર સાથેના કૉમ્બો તો દાબેલી સાથેના કૉમ્બો પણ. સાથે કૉક પણ અને ફ્રેન્ચ ફ્રાઇઝ પણ. એ બધું તો ઠીક. મને રસ હતો મૂળ દાબેલીમાં તો મિત્રો, દાબેલીમાં પણ ઘણી વરાઇટીઓ હતી. નૉર્મલ દાબેલી, તેલમાં શેકીને આપે એવી દાબેલી અને બટરમાં શેકેલી હોય એવી દાબેલી પણ. રેગ્યુલર દાબેલી પણ અને જમ્બો દાબેલી પણ. મેં તો ઑર્ડર કર્યો જમ્બો દાબેલીનો અને સાહેબ શું દાબેલી!

ટિપિકલ કચ્છનો ટેસ્ટ. પહેલાં તીખી-મીઠી ચટણી પછી પૂરણ નાખે, પછી મસાલા સિંગ અને એની ઉપર દાડમના દાણા નાખે. ફરી પાછી એ જ પ્રોસેસ. બે ચટણી, પૂરણ, ફરી સિંગ અને ઉપર દાડમના દાણા. ઍક્ચ્યુઅલી, આ જ દાબેલીની ઑથેન્ટિક સ્ટાઇલ છે. મેં એ ખાધી, બહુ મજા આવી. મને થયું કે આ દાબેલી ખરેખર બિનહરીફ છે. થોડી પૂછપરછ પછી મને ખબર પડી કે આ બિનહરીફ દાબેલીની શરૂઆત ગાંધીધામમાં એક લોહાણા ભાઈએ કરી અને પછી ગાંધીધામથી ભુજ અને કચ્છના બીજા વિસ્તારમાં પહોંચી અને હવે તો રાજકોટ, અમદાવાદ, સુરત સહિત મુંબઈમાં પણ ત્રણ ફ્રૅન્ચાઇઝી શરૂ થઈ ગઈ છે. 

દાબેલીમાં અઢળક વરાઇટી હતી. ચીઝ દાબેલી, જૅમ દાબેલી, ડ્રાયફ્રૂટ દાબેલી, જૈન દાબેલી, સ્પેશ્યલ વીઆઇપી દાબેલી ને એવી બીજી અનેક વરાઇટી તો સાથોસાથ નવીન લાગે એવી પણ વરાઇટી. તમને એકનું નામ આપું, ભેળ દાબેલી. આ ભેળ દાબેલીમાં દાબેલીનું જે પૂરણ હોય એ, એમાં સિંગ અને ચટણી ઉપરાંત ભૂસું અને સેવ-ગાંઠિયા નાખ્યા હોય. ભેળ દાબેલી અદ્ભુત વરાઇટી હતી. પૂરણ રીતસર એમાં નાખેલા ફરસાણની સાથે એકરસ થઈ ગયું હતું. આ ભેળ દાબેલી મને ટેસ્ટ કરવા કેવી રીતે મળી એની પણ નાનકડી સ્ટોરી છે.

બિનહરીફમાં જે ભાઈ હતા એ ભાઈ મને ઓળખી ગયા કે આ એ જ ભાઈ જેનાં નાટકો હું જોઉં છું. ઓળખાણ થઈ એટલે તેમણે ત્યારે બનતી ભેળ દાબેલીમાં મારા માટે પણ થોડી બનાવીને મને એનો ટેસ્ટ કરાવ્યો. આ ઉપરાંત જે એક વરાઇટી હતી એ વરાઇટી પણ અદ્ભુત હતી. કોન દાબેલી. હા, ગુજરાતમાં ભાજીકોન બહુ ચાલે છે. આપણા આઇસક્રીમના જે જૂનાજમાનાના કોન હોય એ જ કોનમાં ભાજી ભરી, વચ્ચે-વચ્ચે સહેજ ચટણી નાખતા જવાની અને એ કોન ખાવાનો. મેં એ ભાજીકોન ખાધો છે, ખાવામાં મજા આવે. ભાજીની સૉફ્ટનેસ અને કોનની ક્રન્ચીનેસનો આસ્વાદ અનોખો છે તો સાથોસાથ ખાવામાં સરળ પણ રહે છે. બિનહરીફમાં કોન દાબેલી બનાવવામાં આવે છે. આ કોન દાબેલીના કોનની ખાસિયત એ છે કે એ આઇસક્રીમના પેલા ટિપિકલ કોન જેવો કોન નથી હોતો. આ કોન તેમણે જ ડેવલપ કર્યો છે અને એ ઘઉંના લોટમાંથી બનાવ્યો છે. એની જે ક્રિસ્પીનેસ છે એ પૂરણ અને ચટણીની ભીનાશ પછી જરા સરખી પણ ઓછી નથી થતી અને એને લીધે એ ખાવાની પણ બહુ મજા આવે છે.

આ વરાઇટી પછી મને થયું કે હું તમને જલદી કહું કે જો તમે ટ્રેડિશનલ ફૂડ ખાવાના શોખીન હો અને એમાં પણ તમને ફ્યુઝન ગમતું હોય તો આ બિનહરીફ તમારા માટે બેસ્ટ જગ્યા છે. આજે જ જાઓ અને એક વાર ટ્રાય કરો.

30 June, 2022 02:23 PM IST | Mumbai | Sanjay Goradia

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

Sunday Snacks: ગુરુકૃપાના છોલે સમોસાં જ નહીં આ આઇટમ પણ છે મસ્ટ ટ્રાય

આજે ટ્રાય કરો સાયનના ટેસ્ટી ભજિયાં છોલે સાથે

06 August, 2022 11:00 IST | Mumbai | Karan Negandhi
ફૂડ એન્ડ રેસિપીઝ

ઇન્ડિયા છોડતાં પહેલાંનો છેલ્લો સ્વાદ

ભવન્સ પાસે ઊભા રહેતા ભૈયાની ભેળ અને સેવપૂરીના સ્વાદ સાથે ઇન્ડિયા છોડ્યું હોય તો તમને એ સ્વાદ ઇન્ડિયાની સતત યાદ અપાવ્યા કરે

04 August, 2022 01:25 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

શ્રાવણમાં ફરાળનું ફીસ્ટિંગ

જિગીષા જૈન લઈ આવ્યાં છે ટેસ્ટ બડ્સને પૂરો ન્યાય આપતી અને પોષણ પણ પૂરું પાડતી આ વાનગીઓ જે છે શ્રાવણના મસ્ત ટ્રાયના લિસ્ટમાં

04 August, 2022 12:46 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK