Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઇન્ડિયા છોડતાં પહેલાંનો છેલ્લો સ્વાદ

ઇન્ડિયા છોડતાં પહેલાંનો છેલ્લો સ્વાદ

04 August, 2022 01:25 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

ભવન્સ પાસે ઊભા રહેતા ભૈયાની ભેળ અને સેવપૂરીના સ્વાદ સાથે ઇન્ડિયા છોડ્યું હોય તો તમને એ સ્વાદ ઇન્ડિયાની સતત યાદ અપાવ્યા કરે

સંજય ગોરડિયા

ફૂડ ડ્રાઇ

સંજય ગોરડિયા


મિત્રો, અત્યારે તો હું અમેરિકા છું પણ આજે આપણે વાત કરવી છે ઇન્ડિયા છોડતાં પહેલાં મેં કરેલી છેલ્લી ફૂડ ડ્રાઇવની એટલે કે ચોપાટી પાસે આવેલા ભવન્સ ઑડિટોરિયમની બાજુમાં મળતી ભેળ અને સેવપૂરીના આસ્વાદની.

ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા લોકો વર્ષોથી ભવન્સ પાસે ભેળ અને સેવપૂરી ખાતા, જે અદ્ભુત હતી. પહેલાં અમે જ્યાં ખાતા હતા એનું લોકેશન સમજાવું. તમે ભવન્સ ઑડિટોરિયમથી ગામદેવી તરફ જરા આગળ જાઓ એટલે બે ફાંટા પડે. જમણી બાજુનો ફાંટો છે એ તરફ વળવાનું અને ત્યાંથી આગળ જતાં ડાબી બાજુએ આ ભેળવાળો બેસતો, પણ સમય જતાં કૉર્પોરેશનવાળાઓએ ત્યાંથી બધા ખૂમચાવાળાને ભગાડ્યા એટલે હું જેની વાત કરું છું એ ભેળવાળો, ફાંટો પડે છે એની પહેલાં એટલે કે ફાંટો પડતાં ડાબી બાજુએ એક ગલી આવે છે એ ગલીમાં અંદર વીસેક ડગલાં આગળ આવો એટલે મોટી રંગીન છત્રી લગાડીને બેસે છે. આ યુપીનો ભૈયો છે.



હું ભવન્સ ગયો અને ત્યાં જઈને મેં ભવન્સના નવા મૅનેજર એવા અજિંક્ય સંપટને પૂછ્યું કે પહેલાં જે ભેળવાળો અહીં બેસતો એ ક્યાં બેસે છે. અજિંકયે મને તરત જ કહ્યું કે તમે બેસો, આપણે અહીં ભેળ મગાવીએ, પણ મેં ના પાડતાં કહ્યું કે મારે ત્યાં રૂબરૂ જવું છે. અમારી વાત ચાલતી હતી ત્યારે સેટ-ડિઝાઇનર સુભાષ આશર પણ ઑલરેડી બેઠો હતો. સુભાષે મને તરત જ કહ્યું કે ચાલ, હું તને ત્યાં લઈ જાઉં.


સુભાષ મને પોતાના ઍક્ટિવામાં ત્યાં લઈ ગયો. મારો ઑર્ડર તો પહેલેથી નક્કી જ હતો, ભેળ અને સાહેબ, ભેળનો શું અદ્ભુત સ્વાદ. હું ખરેખર કહું છું કે ભેળ જેવી સામાન્ય વરાઇટી બનાવવામાં પણ હાથનું કૌવત બહુ મહત્ત્વનું પુરવાર થાય છે. માપસરના અને પ્રમાણસરના ચટણી અને એને મિક્સ કરવાની જે રીત છે એ રીત જ આની કમાલ હોતી હશે. આખેઆખી ભેળમાં એકદમ સમરસ ચટણી; ક્યાંય સહેજ પણ વધારે નહીં, ક્યાંય સહેજ પણ મસાલો ઓછો નહીં.

ભેળથી મારું પેટ ભરાયું નહીં એટલે મેં તો સેવપૂરી પણ મગાવી. સેવપૂરી ખાવાની મારી રીત જરા અલગ છે. તમને સમજાવું.


સેવપૂરીમાં પૂરી ઉપર જે તીખી ચટણી નાખે એ તીખી ચટણી પહેલાં ઘટ્ટ હોય, પછી એમાં જરૂર પડે એ રીતે ભૈયાઓ પાણી ઉમેરીને એને સેમી-લિક્વિડ નરમ કરતા જાય. એવું જ લસણની ચટણીનું પણ હોય. ઘટ્ટ ચટણી લઈ આવે અને જરૂર પડે એમ એમાં પાણી ઉમેરતા જાય. હવે હું મારી સેવપૂરી ખાવાની સ્ટાઇલની વાત કરું. હું પૂરીમાં પેલી લીલી તીખી અને લસણની એમ બન્ને ચટણી પેલી હાર્ડવાળી જ ઉમેરાવું અને પછી એની ઉપર બટાટા, કાંદા અને ટમેટા નખાવી એના પર ખજૂર-આમલીની સેમી-લિક્વિડ ચટણી નખાવું અને એ પછી એની ઉપર સેવ. આ રીતે ખાવાની સૌથી મોટી મજા કઈ એ પણ કહું તમને.

તમે સેવની ક્રન્ચીનેસ સાથે આગળ વધો, ત્યાં તમારા મોઢામાં ખજૂર-આમલીની ચટણીની ટૅન્ગીનેસનો સ્પર્શ થાય અને જેવો એ સ્પર્શ હજી તો ગળાની નીચે ઊતર્યો હોય કે ત્યાં જ પેલી તીખી અને લસણની ચટણીનો બૉમ્બ ફૂટે. સાહેબ, મજા જ મજા. તીખી અને લસણની ચટણીના બૉમ્બને કારણે તરત જ તમને મન થાય કે ચાલો, જલદી મીઠી ચટણીવાળી સેવપૂરી મોઢામાં મૂકીએ, પણ જેવી એ મોઢામાં મૂકો કે તરત જ આગળની વાતનું પુનરાવર્તન થાય.

એક વખત આ રીતે સેવપૂરી ખાવાની ટ્રાય કરજો. જલસો પડશે એની જવાબદારી મારી.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2022 01:25 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK