ગનુબાપ્પાને કંઈક નવું પીરસવું હોય તો અવનવા લાડુ-મોદકની રેસિપી લઈને આવ્યા છે માસ્ટર શેફ નેહા ઠક્કર
શેફ નેહા ઠક્કર
આવતી કાલે ગણેશચતુર્થી છે અને તમે ઘરે ગણેશ બેસાડ્યા હોય કે ન હોય, ઘરમંદિરના લંબોદરની પૂજા-અર્ચના પછી તેમને ભાવતા લાડુ કે મોદકનો પ્રસાદ તો દરેક ઘરમાં બનશે. દર વખતે ચૂરમાના લાડુ કે ઉકડી ચે મોદક બનાવવાને બદલે આ વખતે ગનુબાપ્પાને કંઈક નવું પીરસવું હોય તો અવનવા લાડુ-મોદકની રેસિપી લઈને આવ્યા છે માસ્ટર શેફ નેહા ઠક્કર.
પંચામૃત ચૉકલેટ મોદક
ADVERTISEMENT
પંચામૃત હિન્દુ ધર્મમાં પૂજામાં વપરાતું એક મિશ્રણ છે. ભારતમાં બધી જગ્યાએ પૂજામાં પંચામૃતનો ઉપયોગ થતો હોય છે. પંચામૃત દૂધ, દહીં, ઘી, ખાંડ, મધ, મિસરીમાંથી બનાવવામાં આવે છે. આજે આપણે આ વસ્તુનો ઉપયોગ કરી મોદક બનાવીશું.
સામગ્રી : એક કપ દૂધ, એક કપ મિલ્ક પાઉડર, ૩/૪ કપ ખાંડ, ૪ ચમચી દહીં, ૧૫-૧૬ તુલસીનાં પાન, ૧ ચમચી મધ, ૧ ચમચી ઘી.
રીત : સૌપ્રથમ એક નૉન-સ્ટિક પૅનમાં દૂધ, દૂધ પાઉડર, ખાંડ પાઉડર, મધ, ઘી નાખીને બરાબર મિક્સ કરી લો. હવે પૅનને ગેસ પર મૂકીને ગરમ કરો.
જ્યારે પૅનની સાઇડમાંથી ઘી છૂટવાનું શરૂ કરે ત્યારે કોકો પાઉડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તૈયાર મિશ્રણને ઠંડું થવા માટે બાજુ પર રાખો. પછી એમાં દહીં નાખીને બરાબર મિક્સ કરી લો.
હવે મોદકના મોલ્ડમાં તુલસીનું એક પાન મૂકી તૈયાર મિશ્રણ મૂકો અને મોદકને આકાર આપો. પછી મોલ્ડમાંથી કાઢી લો. તૈયાર છે પંચામૃત ચૉકલેટ મોદક.
વૃન્દાવન મોદક
સામગ્રી : એક વાટકી કોપરાનું છીણ, એક વાટકી મિલ્ક પાઉડર, ૧/૨ વાટકી પીસેલી ખાંડ, ૩-૪ ચમચા ઘી, ૧/૩ કપ દૂધ, ૨ અંજીર, ૩ ખજૂર, ૪ બદામ.
રીત : સૌપ્રથમ એક પૅનમાં મિલ્ક પાઉડર જરાક શેકી લેવો. પછી એક બાઉલમાં કાઢી લેવો. હવે એ જ પૅનમાં કોપરાનું છીણ શેકી લેવું. હવે પૅનમાં કોપરાનું છીણ, મિલ્ક પાઉડર,
દૂધ, ઘી, પીસેલી ખાંડ, ઇલાયચી પાઉડર બધું સરખી રીતે મિક્સ કરી એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી શેકી લેવું. વધારે કોરું ન પડે એનું ધ્યાન રાખવું, કેમ કે ઠંડું થાય પછી આ મિશ્રણ થોડું ઘાટું થતું હોય છે. હવે સ્ટફિંગ માટે અંજીર, ખજૂર, બદામ મિક્સરમાં પીસીને બરાબર મિક્સ કરી લેવાં. હવે સ્ટફિંગના મિશ્રણમાંથી નાનો લૂઓ હાથ પર લઈ આંગળી વડે તુલસી ક્યારા જેવો શેપ આપી દો. હવે એ ક્યારામાં અંજીરનું ફિલિંગ ભરવું. હવે એમાં દૂર્વા ભરાવી દેવી અને ઉપર કંકુથી સાથિયાનો ચાંદલો કરવો. તો તૈયાર છે ગણપતિબાપ્પાના પ્રસાદ માટે વૃન્દાવન મોદક.
સાબુદાણા મખાના લડ્ડુ (ફરાળી)
સામગ્રી : ૧ બાઉલ સાબુદાણા, અડધો બાઉલ મખાના, અડધો બાઉલ કોપરાનું છીણ, અડધો બાઉલ પીસેલી ખાંડ, ૫૦ ગ્રામ માવો , ૪ ચમચી ઘી, ૫ ચમચી કાજુ-બદામની કતરણ.
બે ચમચી કિસમિસ, અડધી ચમચી એલચી પાઉડર, અડધી ચમચી જાયફળ પાઉડર, અડધી ચમચી કેસરવાળું દૂધ.
રીત : સૌપ્રથમ સાબુદાણા અને મખાનાને પૅનમાં શેકી લેવાં. થોડું ઠંડું થાય એટલે મિક્સરમાં પીસી લેવું. હવે એક પૅનમાં માવાને સૉફ્ટ થાય ત્યાં સુધી શેકી લેવો. હવે એમાં કોપરાનું છીણ નાખી બેથી ત્રણ મિનિટ શેકી લેવું.
હવે એક બાઉલમાં પીસેલા સાબુદાણાનો પાઉડર કાઢી એમાં મખાનાનો પાઉડર, માવો-કોપરાનું છીણ, પીસેલી ખાંડ બધું મિક્સ કરવું. હવે પૅનમાં બે ચમચી ઘી લઈ એમાં કાજુબદામની કતરણ અને કિસમિસને ફ્રાય કરી ઉપરવાળા મિશ્રણમાં મિક્સ કરવું. સરખું હાથેથી જ મિક્સ કરી લેવું. હવે એમાં એલચી પાઉડર, જાયફળ પાઉડર અને કેસર મિક્સ કરવું. હવે લાડુના મોલ્ડને ઘીથી ગ્રીસ કરી એમાં મિશ્રણ ભરવું અને પછી અનમોલ્ડ કરી લેવું. ઉપર ચેરીથી ગાર્નિશ કરવું. તો તૈયાર છે બાપ્પાના ભોગ માટે સાબુદાણા મખાના લાડુ.
બીટરૂટ લાડુ
સામગ્રી : બીટ ૩-૪ નંગ, માવો ૪-૬ ચમચી, ગોળ અડધી વાટકી, મધ ૩ ચમચી, સૂંઠ પાઉડર ૧ ચમચી, ખસખસ ૩ ચમચી, ઘી ૧ વાટકી, ઇલાયચી પાઉડર ૩ ચમચી, કાજું ૮-૧૦ નંગ.
રીત : બીટને છાલ સાથે જ કુકરમાં દસ મિનિટ બાફવાં. ઠંડાં થયા બાદ છાલ દૂર કરી મિક્સીમાં ક્રશ કરી માવો બનાવવો. કડાઈ ગરમ કરી એમાં બીટનો માવો બે મિનિટ સાંતળવો. ત્યાર બાદ માવો ઉમેરી બે મિનિટ હલાવો. ત્યાર બાદ એમાં છીણેલો ગોળ, મધ, સૂંઠ, ડ્રાયફ્રૂટ ભૂકો, ઇલાયચી પાઉડર નાખી હલાવી લચકા પડતું મિશ્રણ બનાવો. મિશ્રણ ઠંડું પડ્યા બાદ એના લાડુ બનાવી ઉપર કાજુ મૂકવું. તો તૈયાર છે એકદમ પ્રોટીનથી ભરપૂર ગણપતિબાપ્પા માટે બીટના લાડુ.
ચણાના લોટની સેવના લાડુ
સામગ્રી : સેવ માટે : ૧ કપ બેસન, ૧/૪ ટી-સ્પૂન ઇલાયચી પાઉડર, ચપટી ખાવાનો પીળો રંગ, હૂંફાળું ગરમ દૂધ જરૂર મુજબ.
લાડુ બનાવવા માટે : ૧/૨ કપ બૂરું ખાંડ, ૧/૪ ટીસ્પૂન ઇલાયચી પાઉડર, ૧ ટેબલસ્પૂન અધકચરા ક્રશ કરેલા કાજુ, ૧ ટેબલસ્પૂન અધકચરી ક્રશ કરેલી બદામ, ઘી જરૂર મુજબ.
રીત : સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, ઇલાયચી પાઉડર અને પીળો કલર મિક્સ કરી દૂધથી સેવ પાડી શકાય એવો નરમ લોટ બાંધી લો. સેવના સંચામાં જાડી સેવ પાડી હાથથી તોડી લો. મિક્સરમાં ક્રશ કરી લો. મિક્સર ચાલુ-બંધ કરીને ક્રશ કરવું. હવે ચોખા કે બાજરીના ચાળણાથી ચાળી લેવું. આ મિશ્રણમાં કાજુ-બદામનો ભૂકો, ઇલાયચી પાઉડર, બૂરું ખાંડ નાખી મિક્સ કરી લો. લાડવા વળે એટલું ઘી નાખી લાડવા વાળી લો. તો તૈયાર છે બાપ્પા માટે સેવના લાડુ.