° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


આવા ટાકોઝ બહુ ઓછા મળશે

09 June, 2022 01:28 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

બાંદરાની બિઝી ફૂડ-સ્ટ્રીટ પર આવેલી વીસ-બાવીસ જણ બેસી શકે એવી ટચૂકડી કૅફે ડ્યુકોમાં અમે એક બપોરે મજાનો સમય પસાર કર્યો. અહીંના ઑથેન્ટિક ટાકોઝ ઉપરાંત ટિપિકલ ગુજરાતી ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનેલી મેક્સિકન વાનગીનો લુત્ફ પણ ઉઠાવવા જેવો છે

સ્વીટ પટેટાે ઍન્ડ સ્વીટ કૉર્ન ટાકો ફૂડ રિવ્યુ

સ્વીટ પટેટાે ઍન્ડ સ્વીટ કૉર્ન ટાકો


બાંદરા-વેસ્ટની ૧૬મી ગલી એટલે થોડીક સૉફિસ્ટિકેટેડ ખાઉગલી કહેવાય. કૉર્નર પર મિની પંજાબ આવે. સહેજ આગળ જાઓ એટલે મિડલ ઈસ્ટર્ન ડ‌િઝર્ટ કુનાફા વર્લ્ડ આવે અને એથીયે આગળ જાઓ એટલે બૉમ્બે સૅલડ કંપની. પચાસ ‌મીટરના અંતરમાં નહીં-નહીં તો સાતેક રેસ્ટોરાં અને કૅફે અહીં છે. એમાં જ હવાઇન શેકની સામે એક જ ગાળાની નાનકડી કૅફે છે. કૅફે ડ્યુકો. એની સાઇઝ પર જવા જેવું નથી. ઑથેન્ટિક લેટિન અમેરિકન ફ્લેવર્સ માટે મુંબઈમાં બહુ આંગળીના વેઢે ગણી શકાય એટલી જગ્યાઓ છે ને કૅફે ડ્યુકો એમાંની જ એક છે. અહીંના ટાકોઝ બહુ જ સારા છે એવું સાંભળીને ગયા અઠવાડિયે બળબળતી બપોરે અમે અહીં ટાકોઝ ટ્રાય કરવા પહોંચી ગયા. જોકે અહીં ટાકોઝ ઉપરાંત પણ અમે જે ટ્રાય કર્યું એ મજાનું હતું.

અમારી ઇચ્છા તો પહેલેથી જ ટાકોઝ પર તૂટી પડવાની હતી, પણ કૅફેમાં જાઓ એટલે કંઈક તો પીણું ટેસ્ટ કરવું જ જોઈએ. અમે ત્રણેક જણ હતા એટલે ત્રણ અલગ-અલગ ફ્લેવરવાળાં ડ્રિન્ક્સ ટ્રાય કર્યાં. ગરમી હોવાથી વિયેટનામીઝ કોલ્ડ કૉફી, હેય શનસાઇન સ્મૂધી અને મેનુમાં હમણાં જ ઉમેરાયેલું કૅફે મૅન્ગો ટ્રાય કર્યું. બહાર ગરમી હતી એટલે કોલ્ડ કૉફીની સિપ ગળાને ટાઢક આપે એવી હતી. જોકે એમાં શુગર સહેજ ઓછી હોત તો ચાલી જાત. જેના વિશે વાત કરવા જેવી છે એ છે કૅફે મૅન્ગો. જેમને એસ્પ્રેસો કૉફી ભાવતી હોય તેમના માટે જ આ છે. બ્લૅક કૉફીની અંદર રિયલ મૅન્ગો જૂસ ઉમેરેલો હતો. વાંચતાં જ નાકનું ટીચકું ચડી જાય છેને? યસ, પહેલી સિપ લીધી ત્યાં સુધી અમારા પણ એવા જ હાલ હતા. કૉફી અને પાકી કેરીનો સ્વાદ શરૂઆતમાં જીભને જાણે સમજાયો જ નહીં. ઘડીક માટે થયું પણ ખરું કે આ શું મગાવી લીધું. જોકે વાતો કરતાં-કરતાં ધીમે-ધીમે બીજા બે-ત્રણ ઘૂંટડા ભર્યા એટલે મજા આવી. શરૂઆતમાં કેરીનો સ્વાદ અને ઘૂંટડો ઊતર્યા પછી કૉફીની બ‌િટરનેસ જીભ પર રહી જાય. અમે બીજી‌ બધી જ ડિશ ટ્રાય કરી એની વચ્ચે-વચ્ચે છેક સુધી આ ડ્રિન્કનો સિપ બાય સિપ લુત્ફ ઉઠાવ્યો.  

ટકાટક ટાકોઝ
લેટિન અમેરિકન ક્વિઝીનમાં આપણે માત્ર મેક્સિકનથી વધુ વાકેફ છીએ ને એમાં ટાકોઝ તો હવે આપણે ઘરે પણ બનાવવા લાગ્યા છીએ. અહીંના બે ટાકોઝમાં બે વેજિટેરિયન ટાકોઝ ટ્રાય કરવા જેવા છે. એક છે વાઇલ્ડ મશરૂમ ટાકો અને બીજા છે સ્વીટ પટેટો ઍન્ડ સ્વીટ કૉર્ન ટાકો. ટાકોઝમાં અંદરના ફ‌િલિંગ ઉપરાંત એની પર ભભરાવેલાં સૅલડની ક્રન્ચીનેસ પણ બહુ મહત્ત્વની હોય છે. મશરૂમ ટાકોમાં કોલસ્લો એટલે કે વિવિધ પ્રકારની કૅબેજના છીણની સાથે ખાસ પ્રકારના મેક્સિકન સાલ્સાની સાથે ચિલી બટરનો ચટકારો છે. બીજા ટાકોમાં શક્કરિયાંની ફ્રાઇસ છે. એક સેન્ટિમીટરના ટચૂકડા ટુડકાવાળી સ્વીટ પટેટો ફ્રાઇસ અને સ્વીટકૉર્નનું કૉમ્બિનેશન બહુ જ સરસ છે. એમાં ગ્રીન રંગનો સ્પૅનિશ સૉસ રંગ રાખે છે જે જોવામાં તો કોથમીરની ચટણી જેવો જ લાગે છે, પણ એમાં કોથમીર નથી વપરાયેલી. હા, પાર્સલીનો સ્વાદ જરૂર વર્તાય છે. ટાકોના એક સર્વિંગમાં બે ટાકોઝ હોય છે, પણ એની અંદરનું ફિલિંગ એટલું છે કે બે ટાકોઝમાં જ તમારું પેટ ભરાઈ જાય. એક્સ્ટ્રા ગ્રીન સૉસ અને સાવર ક્રીમ તમે જરૂરિયાત મુજબ  ટાકોઝમાં ઉમેરી શકો છો. 

ભાવનગરી ભભકો
આ જગ્યાએ માત્ર ટાકોઝ જ ટ્રાય કરવાની ઇચ્છા હતી, પણ મેનુમાં કેટલીક એવી આઇટમો જોઈ કે એના વિશે જાણવાની ઇચ્છા થઈ જ જાય. ચિલી રોલેનો એમાંની એક હતી. લેટિન અમેરિકન ક્વિઝીનમાં ભાવનગરી મરચાંમાંથી બનેલી કોઈ વાનગી પિરસાય એ નવાઈ તો ખરી જને? અને ખરેખર સ્વાદમાં પણ એ ટ્વિસ્ટ વર્તાય છે. અને હા, આ ડિશ જૈન પણ બની શકે છે. આ ડિશ ટેબલ પર આવી એટલે એમાં મેક્સિકન ગ્રેવીની ઉપર ભરેલાં તળેલાં મરચાં મૂક્યાં હોય એવું લાગ્યું. આ મરચાં ભરવાની સ્ટાઇલ આપણને રાજસ્થાનનાં મિરચી વડાંની યાદ અપાવે એવી છે. જોકે રાજસ્થાન જેવી સ્પાઇસીનેસ એમાં નથી. દેખાવ દેશી છે, પણ સ્વાદ આંતરદેશી છે. મરચાંની અંદર ચીઝ, હર્બ્સ અને આલાપીનોનું પૂરણ ભરેલું છે અને એને મેંદો કે કૉર્ન ફ્લોર જેવા બૅટરમાં બોળીને તળવામાં આવ્યાં છે. ઉપરનું પડ એકદમ ક્રિસ્પી છે અને અંદર મરચાંની સાથે ચીઝની ક્રીમીનેસમાં મેક્સિકન સૉસનો ઉમેરો જીભને જલસો કરાવી દે એવો છે. 

બેબે ઇલોટે 
મેક્સિન ક્વિઝીનમાં સ્વીટ કૉર્નનો ઉપયોગ બહુ છૂટથી થાય. એમાં કૉર્નને ગ્રિલ કરીને બનાવાતી વાનગીઓની એક આખી રેન્જ છે જે ઇલોટે તરીકે ઓળખાય છે. વરસાદી સીઝન આવી રહી છે ત્યારે થયું કે ચાલો આ એક નવી વાનગી પણ ટ્રાય કરીએ. કુમળી કૉર્નને ભૂંજીને બનાવેલી આ વાનગીમાં સ્ટાર ઇન્ગ્રીડિયન્ટ છે કૉર્નબટર. ભૂંજેલા ભુટ્ટા પર બટર લગાવીને તો બધાએ ખાધું હશે, પણ અહીં ભુટ્ટા પર કૉર્નનું જ બટર છે. એમ છતાં મકાઈના સ્વાદનો ઓવરડોઝ જરાય થતો હોય એવું નથી લાગતું. ભુટ્ટાને ચાર કટકામાં કાપીને જે રીતે ‌સર્વ કરવામાં આવ્યો છે એનાથી ખાવાનું સહેલું બની જાય છે. પહેલી વાર ભુટ્ટા પરના મકાઈના દાણાને બદલે એની પરનું બટર ખાવાની મજા આવી. કૉર્નનું થ‌િક બટર ડિપની જેમ વિનેગર્ડ આલાપીનોના પીસ સાથે ખાઈને દિલ તરબતર થઈ ગયું. ફરીથી વરસાદી સીઝનમાં અહીંની આ ડિશ ખાવા ચોક્કસ આવીશું એવું પણ નક્કી કરી લીધું. 

બિગ ફૅટ ડ્યુકો 
ધારો કે અહીં તમે જમવા માટે નહીં પણ માત્ર બ્રેકફાસ્ટ કે સ્નૅક્સ માટે જ આવો તો અહીં સૅન્ડવિચ અને પાનીનીઝના પણ ઘણા ઑપ્શન છે. અમે ડ્યુકોની સિગ્નેચર ડિશ કહેવાય એવી બિગ ફૅટ ડ્યુકો ટ્રાય કરી. બ્રેડની સાઇઝ જોઈને જ થાય કે આટલી જાડી! કેમ ચવાશે? પણ ત્યાં જ તમે ખોટા પડો. લગભગ આંગળીના એક વેઢા કરતાં પણ જાડી એવી બ્રેડની વચ્ચે લગભગ એટલી જ સાઇઝનાં વેજિટેબલ્સનું ફિલિંગ હતું. બ્રેડ અહીં ઇનહાઉસ બને છે અને એનો સ્વાદ, ક્રન્ચ અને સૉફ્ટનેસ ત્રણેય માટે કંઈ કહેવું ન પડે. ચટણી, સૉસ કે ક્રીમ ચીઝથી બ્રેડ મોટા ભાગે સૉગી થઈ જાય પણ આ બ્રેડનું ટેક્સ્ચર ખાસ્સો સમય જળવાયેલું રહે છે. અંદર વેજિટેબલ્સ રોસ્ટ કરેલાં છે એટલે તમે કાચીપાકી ભાજી ખાતાં હો એવું નથી લાગતું. ખૂબબધાં ગ્રીન લીફી વેજિટેબલ્સની સાથે હર્બ્સ અને ક્રીમ ચીઝ જીભ અને પેટ બન્નેને ખુશ રાખશે. 

ડિઝર્ટમાં પણ અત્યારે મૅન્ગો સીઝનની મજા કરવા અહીં મળશે. જોકે અમે ટ્રાય કરી કીટો બ્રાઉની. જો તમે ડાયટ પર હો અને સ્વીટ ખાવાનું કન્ટ્રોલમાં રાખવાનું હોય તો પણ માઇક્રોવેવમાંથી ગરમ થઈને તાજી જ આવેલી આ બ્રાઉનીની સુગંધ તમને લલચાવશે જરૂર. અને આમન્ડ ફ્લોરમાંથી બનેલી હોવાથી હેલ્થની ચિંતા કરવાની જરૂર નથી.

એક વાત કહેવાની તો રહી જ ગઈ. અહીંના અફલાતૂન મેનુ અને નાનકડી કૅફે પાછળનું દિલ, દિમાગ અને પૈસા કલકત્તાનાં શેફ ઉર્વશી કનોઈનાં છે. લેટિન અમેરિકન ક્વિઝીન કૅફે અને અહીં મળતી વિશાળ રેન્જની આઇટમો જોઈએ તો આ બહુ જ નાનો આઉટલેટ કહેવાય, પણ કદાચ નાનું છે એટલે જ ફૂડની ક્વૉલિટીમાં કહેવું પડે એમ નથી.

 ક્યાં?
કલ્પિતમ અપાર્ટમેન્ટ, ૧૬મો રોડ, પાલી વિલેજ, બાંદરા વેસ્ટ

09 June, 2022 01:28 PM IST | Mumbai | Sejal Patel

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

કંઈક જમ્યાનો અનુભવ કરાવે છે ટાકો બેલ

અમેરિકામાં તમે મૅક્ડોનલ્ડ્સ કે બર્ગર કિંગમાં ખાઈ ન શકો, કારણ કે એ લોકો વેજ બર્ગરમાં પૅટીસ મૂકતા જ નથી. નકરાં ટમેટાં અને કાંદા નાખીને બર્ગર આપી દે, એ લુખ્ખું બર્ગર કેવી રીતે ગળે ઊતરે?

11 August, 2022 03:31 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

Sunday Snacks: ગુરુકૃપાના છોલે સમોસાં જ નહીં આ આઇટમ પણ છે મસ્ટ ટ્રાય

આજે ટ્રાય કરો સાયનના ટેસ્ટી ભજિયાં છોલે સાથે

06 August, 2022 11:00 IST | Mumbai | Karan Negandhi
ફૂડ એન્ડ રેસિપીઝ

ઇન્ડિયા છોડતાં પહેલાંનો છેલ્લો સ્વાદ

ભવન્સ પાસે ઊભા રહેતા ભૈયાની ભેળ અને સેવપૂરીના સ્વાદ સાથે ઇન્ડિયા છોડ્યું હોય તો તમને એ સ્વાદ ઇન્ડિયાની સતત યાદ અપાવ્યા કરે

04 August, 2022 01:25 IST | Mumbai | Sanjay Goradia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK