° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


ઇનરવેઅરની પસંદગીમાં તમે કેટલાં સભાન છો?

05 July, 2022 03:53 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

સર્વેક્ષણો કહે છે કે ખોટી સાઇઝ અને ખોટા મટીરિયલનાં આંતરવસ્ત્રો અનેક પ્રકારના હેલ્થ પ્રૉબ્લેમ્સને આમંત્રણ આપે છે

પ્રતીકાત્મક તસવીર વર્લ્ડ બિકિની ડે

પ્રતીકાત્મક તસવીર

સર્વેક્ષણો કહે છે કે ખોટી સાઇઝ અને ખોટા મટીરિયલનાં આંતરવસ્ત્રો અનેક પ્રકારના હેલ્થ પ્રૉબ્લેમ્સને આમંત્રણ આપે છે. ભાગ્યે જ આ વિષય પર મહિલાઓ ખુલ્લા મને વાત કરી શકતી હોય છે ત્યારે જાણી લો કે સ્કિન પ્રૉબ્લેમથી લઈને ફંગલ ઇન્ફેક્શન, બૅક પેઇન, નેક પેઇન જેવી ઘણી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે

૧૯૪૬ની પાંચમી જુલાઈએ બિકિનીની શોધ ફ્રેન્ચ ઑટોમોબાઇલ એન્જિનિયર લુઈ રેર્ડે કરી હોવાનું મનાય છે. કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાએ હાઇડ્રોજન બૉમ્બનું ટેસ્ટિંગ બિકિની એટોલ નામના વિસ્તારમાં કર્યું હતું. એનાથી ઇન્સ્પાયર્ડ થઈને પોતાની મમ્મીની લૉન્જરીની શોપમાં મદદ કરવા માટે જોડાયેલા આ ફ્રેન્ચ ડિઝાઇનરે ટૂ-પીસ સ્વિમ સૂટ તરીકે એ સમયે ઓળખાતા મહિલાઓના આ પોષાકને બિકિની નામ આપ્યું હતું. મોટા ભાગે બોલ્ડનેસ સાથે જોડાયેલા આ બીચવેઅરને કારણે દુનિયાભરમાં ભરપૂર કન્ટ્રોવર્સી પણ જોડાયેલી છે. અનેક પશ્ચિમી દેશોમાં એને લાંબા સમય માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી અને એને લગતા ઘણા ફતવાઓ પણ બહાર પડ્યા હતા અને ઘણુંબધું. ઑફિશ્યલી બિકિનીના લૉન્ચને આજે ૭૬ વર્ષ પૂરાં થયાં છે ત્યારે મહિલાઓના જીવનમાં ખૂબ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવતાં આંતરવસ્ત્રો વિશે આજે વાત કરવી છે. કદાચ વિષય તમને બોલ્ડ લાગી શકે, પરંતુ વાસ્તવિક જીવનમાં એનું મૂલ્ય મહિલાઓની હેલ્થ સાથે બહુ ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. મહિલાઓ જે આંતરવસ્ત્રો પહેરે છે એ તેમને બૅક પેઇન, સ્કિન-ઇન્ફેક્શન, પૉસ્ચરલ ડિફેક્ટ્સ, મસલ પેઇન જેવી અઢળક સમસ્યાઓ નોતરી શકે છે. સર્વેક્ષણો કહે છે કે ૮૦ ટકા મહિલાઓ ખોટી સાઇઝનાં આંતરવસ્ત્રો પહેરે છે જે તેમને અનેક પ્રકારની હેલ્થની સમસ્યાનો ભોગ બનાવે છે. આ વિષય પર તેઓ ભાગ્યે જ કોઈની સાથે ચર્ચા પણ કરી શકતી હોય છે અને પરિણામે તેમની સમસ્યાનું સાચું કારણ પણ મોટા ભાગે બહાર નથી આવતું. આ સંદર્ભમાં અમે જાણીતાં સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. ધૃપ્તિ દેઢિયા સાથે વાત કરી ત્યારે જાણવા મળેલી કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો અહીં પ્રસ્તુત છે. 
શું તકલીફો થાય?
ખાસ કરીને ચાલીસ વર્ષ પછી આ પ્રકારની સમસ્યાઓ વધુ જોવા મળતી હોય છે એમ જણાવીને ડૉ. ધૃપ્તિ કહે છે, ‘મારી પાસે આવતી અત્યારે પણ દર દસમાંથી ચાર સ્ત્રીઓને રૅશિસ, સ્કિન ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન, બ્રેસ્ટમાં પેઇન જેવી સમસ્યાઓ હોય છે. ઘણી વાર સપોર્ટિવ ન હોય એવી બ્રા પહેરવાથી બ્રેસ્ટ પેઇન થતું હોય અને તેઓ એના વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરીને બ્રેસ્ટ-કૅન્સરના ભય સુધી પહોંચી જતી હોય છે. પછી માત્ર થોડાક દિવસ રાઇટ સાઇઝની બ્રા પહેરવાથી તેમનો દુખાવો દૂર થયો હોય એવા કિસ્સાઓ છે મારી પાસે. ખાસ કરીને જેમની બ્રેસ્ટની સાઇઝ મોટી હોય તેમને માટે આપણે ત્યાં પ્રૉપર ફિટિંગની બ્રા અવેલેબલ પણ નથી હોતી. પરિણામે સપોર્ટ ન મળતો હોય એ પ્રકારનું આંતરવસ્ત્ર એની ટાઇટનેસને કારણે સ્નાયુઓને બિનજરૂરી ખેંચવાનું કામ કરે છે અને દુખાવો આપે છે એટલું જ નહીં, આપણે ત્યાં પસીનો વધુ થાય એવું ભેજવાળું વાતાવરણ છે. એ પણ ખોટી સાઇઝની બ્રા અને પૅન્ટીઝ અને સિન્થેટિક મટીરિયલને કારણે તરત જ ઇન્ફેક્શન લાગી જતું હોય છે. ડાયાબિટીઝના દરદીઓમાં આ સમસ્યા બહુ કૉમન છે. મોટા ભાગે ઍન્ટિ-બેક્ટેરિયલ દવાઓનો કોર્સ અધૂરો છોડી દેનારા લોકોને પણ વારંવાર આ પ્રકારનું ઇન્ફેક્શન લાગતું હોય છે.’
દુખાવો પણ થાય
કોઈ પણ સ્નાયુને લાંબા સમય સુધી અન્કમ્ફર્ટેબલ સ્ટેટમાં રાખો તો એ ડૅમેજ થવાને કારણે દુખાવો થઈ શકે. બ્રેસ્ટ ટિશ્યુઝમાં પણ આવું જ થતું હોય છે. બૅક પેઇન, નેક પેઇન થાય. વ્યક્તિનું પૉસ્ચર બદલાઈ જાય જે લાંબા ગાળે બીજા અનેક પ્રકારના દુખાવાને નિમંત્રણ આપે. મહિલાના સેલ્ફ-એસ્ટીમ અને કૉન્ફિડન્સ પર પણ એની અસર થાય. ડૉ. ધૃપ્તિ કહે છે, ‘ઘણી વાર બ્રાની પટ્ટી એટલી ટાઇટ હોય કે પેટની ફરતે ડાર્ક લાઇન બની ગઈ હોય. બ્રેસ્ટ અને નિપલ્સમાં એને કારણે ઘણી સ્ત્રીઓને અસહ્ય દુખાવો પણ રહેતો હોય છે. બીજી એક સમસ્યા એ હોય છે કે વિવિધ હૉર્મોનલ સાઇકલ વખતે બ્રેસ્ટની સાઇઝમાં બદલાવ આવતો હોય છે. મોટા ભાગે એક બ્રેસ્ટની સાઇઝ સ્ત્રીઓની તુલનાત્મક રીતે વધારે હોય. ત્યારે બહુ જ ટાઇટ બ્રા હોય તો એક બ્રેસ્ટના ભાગમાં એની આડઅસરો વધુ દેખાઈ શકે છે. ઘણા લોકો કહે છે કે ખોટી સાઇઝની બ્રા પહેરવાથી બ્રેસ્ટ-કૅન્સર થઈ શકે એ ખોટી માન્યતા છે પરંતુ એનાથી લાંબા ગાળાનો દુખાવો થઈ શકે એ એકદમ સાચી વાત છે. ફીડિંગ મધર્સ માટે બહુ જ ડિફિકલ્ટ હોય છે પ્રૉપર ફિટિંગવાળાં આંતરવસ્ત્રો શોધવાનું. મેનોપૉઝ નજીક હોય ત્યારે સ્કિનનું લચીલાપણું ઓછું થતું હોય છે અને સ્કિન પણ ડ્રાય હોય છે. તેમને પણ બહુ જ ફ્રીક્વન્ટ્લી રૉન્ગ ઇનરવેઅરને કારણે ઇન્ફૅક્શનન થતું હોય છે.’
શું  ધ્યાન રાખવું?
તમે જે પણ કપડાં પહેરતા હો એની સાઇઝ અને મટીરિયલ બન્ને મહત્ત્વનાં છે. ડૉ. ધૃપ્તિ કહે છે, ‘રાઇટ ફિટિંગની કોઈ ગાઇડ નથી. તમારા ચેસ્ટના સ્નાયુઓને પૂરતો સપોર્ટ મળી રહ્યો છે કે નહીં એ તમે જાતે જ ચેક કરી શકો. સપોર્ટ અને કમ્ફર્ટ બન્ને મહત્ત્વનાં છે. સાથે જ આજકાલ અમુક મહિલાઓ સંપૂર્ણ બ્રા નહીં પહેરવાની બાબતને પણ હવા આપતી હોય છે. જોકે એ બાબત લાંબા ગાળે બ્રેસ્ટની સાઇઝ અને શેપને ખરાબ કરે છે. સપોર્ટ અને કમ્ફર્ટની સાથે તમારાં આંતરવસ્ત્રોનું મટીરિયલ મહત્ત્વનું છે. ફૅન્સી પૅન્ટીઝમાં ‍સિન્થેટિક કપડાંને પ્રિફર કરો અને એમાં તમને જો વજાઇનલ ડિસ્ચાર્જ વગેરે થતો હોય તો ફંગલ ઇન્ફેક્શનની સંભાવના વધી જાય છે. કૉટન અને ઍબ્સૉર્બન્ટ તરીકે કામ કરે એવું કૉટનનું મટીરિયલ આંતરવસ્ત્રોમાં પ્રિફર કરો એ મહત્ત્વનું છે. સાફ ધોયેલાં કપડાં જ પહેરો અને બીજું, તમારા પ્રાઇવેટ પાર્ટને વારંવાર સાબુથી સાફ કરવાનું અવૉઇડ કરો. તમારા શરીર દ્વારા જે નૅચરલ તૈલીય પદાર્થ ઉત્સર્જિત કરવામાં આવે છે એ સ્કિનને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. એમાં જો તમે ઓવર-ક્લીનિંગ દ્વારા બૉડીના નૅચરલ ઑઇલને ડૅમેજ કરો તો નૅચરલી ડ્રાય સ્કિનમાં ઇન્ફેક્શન તરત પકડાશે. આ બહુ નાની પણ જરૂરી બાબતો છે.’

05 July, 2022 03:53 PM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો

ફેશન ટિપ્સ

અમિતાભ બચ્ચને પોતાને ક્યૂરેટર જણાવેલી પોસ્ટનો જવાબ છે આજની તેમની પોસ્ટમાં

કુદરતી સુગંધના ક્યૂરેટર બન્યા છે અમિતાભ બચ્ચન, જાણો શા કારણે

26 September, 2022 05:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફેશન ટિપ્સ

ઘેરદાર ઘૂમતાં રૂમઝૂમ ઝૂમતાં

આ વખતે મિનિમમ ૮થી ૩૦ મીટરનો ઘેર ધરાવતા ઘાઘરાઓ તેમ જ અજરખ, બ્લૉક પ્રિન્ટ, બાંધણી, લહેરિયા પ્રિન્ટ તેમ જ મલ, મશરૂ કૉટન, મોડાલ સિલ્ક મટીરિયલની બોલબાલા છે

20 September, 2022 02:47 IST | Mumbai | Alpa Nirmal
ફેશન ટિપ્સ

તૈયાર છો ગરબે ઘૂમવા?

ઑફિસથી સીધા ગરબાના ગ્રાઉન્ડ પર જવાનો પ્લાન હોય તો ઓછા સમયમાં તૈયાર થવા માટે કેવા ટાઇપના કુરતા ટ્રેન્ડમાં છે જાણી લો

19 September, 2022 04:50 IST | Mumbai | Aparna Shirish

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK