ડ્રેસ જો રિપીટ ન કરવો હોય અને પહેલાં પહેરેલા આઉટફિટને નવો લુક આપવો હોય તો સ્ટિક કરીને આસાનીથી લગાવી કે કાઢી શકાય એવી લેસ અને પૅચિસનો ઑપ્શન અપનાવી શકાય
સિમ્પલ કપડાંને ક્લાસિક બનાવી શકે છે આ પૅચિસ
આપણે કોઈ પ્રસંગમાં કે પાર્ટીમાં જવાનું થાય ત્યારે પહેલી ચિંતા એ થાય કે શું પહેરવું? કબાટમાં ડ્રેસના ઢગલા પડ્યા હોય એટલે નવા લેવાનું મન ન થાય અને રિપીટ ડ્રેસ પહેરવાનું પણ નથી ગમતું ત્યારે શું કરવું? મિક્સ-મૅચ કરવાનો, એ આઉટફિટને જુદા જૅકેટ કે બ્લેઝર સાથે પેર કરવાનો અથવા અલગ દુપટ્ટા સાથે કૅરી કરવાનો ઑપ્શન તો છે જ; પરંતુ ઘણી વખત એ ઑપ્શન બહુ કારગત નીવડતો નથી. માર્કેટમાં મિરર કે જરીવર્કવાળા પૅચ ઘણા વખતથી મળે છે. લોકો એ ખરીદીને ડ્રેસ પર સ્ટિચ કરાવી લેતા હોય છે. લેસ લગાવીને પણ આઉટફિટનો લુક બદલી શકાય, પણ એ માટે ટેલરને સ્ટિચ કરવા આપવું પડે. એ ત્યાં ફિક્સ થઈ જાય. કાઢવાનો પ્રયત્ન કરીએ તો કપડું ખરાબ થઈ જવાનો ડર રહે છે. જોકે હવે માર્કેટમાં એવા પૅચિસ આવી ગયા છે જે સરળતાથી સ્ટિક કરી શકાય છે. સ્ટિકર સ્ટાઇલના આ પૅચિસ પાછળથી કાગળ કાઢીને કપડા પર સરળતાથી ચોંટાડી શકાય છે. સિમ્પલ આઉટફિટને આ પૅચિસ વડે ક્લાસિકમાં બદલી શકાય છે. આ પૅચિસ કપડા પર કેવી રીતે લગાડવા અને કેવા કૉમ્બિનેશનમાં લગાડવા એ જાણવા અમે એક્સપર્ટ સાથે વાત કરી.
કાંદિવલીનાં ફૅશન-ડિઝાઇનર પૂર્વી ત્રિવેદી આવા પૅચિસ વિશે વાત કરતાં કહે છે, ‘મોંઘાં કપડાં ખરીદીએ, પણ પછી આપણને રિપીટ કરવાં ગમતાં નથી. આ માટે આ પ્રકારના પૅચિસ બેસ્ટ ઑપ્શન છે. સિલ્ક અથવા થોડી ચમકવાળો કૉટન કે સૅટિનનો ડ્રેસ હોય તો મોતી વર્કવાળો કે જરીવાળો પૅચ બરાબર મૅચ થશે. સિલ્ક, કૉટન કે સૅટિન પ્રકારની સાડીઓના બ્લાઉઝમાં બૅકમાં આવો પૅચ લગાડી દઈએ તો અદ્દલ વર્ક કરાવ્યું હોય એવો જ લુક આપે. નાની-નાની બુટ્ટી ગળા અને સ્લીવમાં લગાડીને પણ હેવી લુક આપી શકાય. એટલું ધ્યાન રાખવું કે ઓવર ન થઈ જાય. સાદા ટૉપ પર આવો મિરરવર્કવાળો કે બીડવાળો પૅચ લગાવવાથી નિખાર આવી જશે. નેકલાઇન, સ્લીવ્સના કૉર્નર અથવા કમર પર જ્યાં કટ આવતો હોય એ જગ્યાએ ડિઝાઇન બનાવી શકાય. પૅચની પસંદગી કરતી વખતે તમારે કયા મટીરિયલ પર લગાવવો છે એ ધ્યાન રાખવું જરૂરી છે. જો પાતળું જ્યૉર્જેટ મટીરિયલ હોય અને તમે ખૂબ જ વજનવાળો પૅચ લગાડો તો કપડું નમી જશે. બીજું, એ ખ્યાલ રાખવો પડે કે કઈ જગ્યાએ લગાડવો છે? પૅચની લંબાઈ-પહોળાઈ ધ્યાનમાં રાખીને સમજવું જરૂરી છે. જગ્યા ઓછી હોય અને ત્યાં મોટો પૅચ લગાડી દઈએ એ ન ચાલે. ગમે એ રીતે ચોંટાડી દેવાથી ડ્રેસનો લુક એન્હૅન્સ થવાને બદલે ડાઉન થઈ જશે. એક ટિપ આપું છું. યુટ્યુબ પર આના સેંકડો વિડિયો અપલોડ થયા છે. જો તમારે આવા પૅચિસ લગાવવા હોય અને કોઈ ફૅશન-ડિઝાઇનર કે એક્સપર્ટનો સંપર્ક ન કરવો હોય તો આ વિડિયો જોઈ લેવા. આ પૅચિસ સરળતાથી રીમૂવ અને રીયુઝ કરી શકાય છે.’ -ફૅશન-ડિઝાઇનર પૂર્વી ત્રિવેદી