આવી વિશ પૂરી કરવા એક સમયે આર્ટિફિશ્યલ ડિમ્પલ બનાવતી પ્લાસ્ટિક સર્જરી બહુ ફેમસ હતી. જોકે હવે લોકો ટેમ્પરરી ખંજન પાડતા ડિવાઇસથી ફોટોમાં ખંજન પાડવા દોરાય છે. ઇન્ટરનેટ પર ધૂમ વેચાતું આ ક્લિપ જેવું ડિવાઇસ બહુ લાંબો સમય તમારા ચહેરા પર ડિમ્પલ નહીં રાખી શકે
આર્ટિફિશ્યલ અને ટેમ્પરરી ખંજન પાડી શકે એવું ડિવાઇસ
એ વાતમાં બેમત નથી કે ખંજન સ્મિતને વધુ મનમોહક બનાવે છે. પ્રીતિ ઝિન્ટાથી લઈને દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ સુધી અસંખ્ય સેલિબ્રિટીઓના ગાલમાં પડતાં ખંજનના કરોડો ચાહકો છે. જોકે જેમને નૅચરલી ખંજન ન પડતાં હોય તેમને આવાં ખંજનનું જબરદસ્ત આકર્ષણ હોય છે. આજકાલ આર્ટિફિશ્યલ અને ટેમ્પરરી ખંજન પાડી શકે એવું ડિવાઇસ ઇન્ટરનેટ પર ધૂમ વેચાઈ રહ્યું છે. ફૉરેનથી શરૂ થયેલો આ ટ્રેન્ડ વાયા સોશ્યલ મીડિયા આપણે ત્યાં પણ વાઇરલ થઈ ગયો છે. આ ડિવાઇસની કિંમત પણ મામૂલી છે એટલે કોઈ પણ એકાદ વાર તો એનો અખતરો કરવા પ્રેરાય. આ ડિવાઇસ શું છે, કેવી રીતે કામ કરે છે કે એની કોઈ આડઅસર પણ છે કે નહીં એ વિશે જાણીએ બ્યુટિશ્યન પાસેથી. ઇન્ટરનેટ પર આ ડિવાઇસ ખૂબ ટ્રેન્ડિંગ વેચાણ ધરાવે છે, પણ સામાન્ય લોકોમાં હજી એ એટલું લોકપ્રિય નથી થયું એની વાત કરતાં ઘાટકોપરનાં બ્યુટિશિયન દિવ્યા ઘોઘારી કહે છે, ‘સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર, પૅશનના ફીલ્ડમાં હોય કે પછી પાર્ટી પીપલ લોકોમાં; આ ડિવાઇસ છૂટથી વપરાતું થયું છે. ગાલ પર જે જગ્યાએ ખંજન જોઈતું હોય ત્યાં ગાલની ઉપરથી અને અંદરથી એને ટક-ઇન કરવાનું હોય. સામાન્ય રીતે ચહેરાના આ ભાગની સ્કિન સૉફ્ટ હોય. ત્યાં કમ્પ્રેસિંગ થાય એટલે કે સ્કિન અને ગાલની ફૅટમાં ખાડો પડી જાય. પછી જ્યારે તમે સ્મિત કરો ત્યારે એ જગ્યાએ ખંજનની કામચલાઉ ઇફેક્ટ ઊભી થાય. આ નકલી ખંજન કેટલો સમય રહેશે એનો આધાર તમે કેટલો સમય ડિવાઇસ ગાલમાં દબાવીને રાખ્યું છે એના પર છે. વળી તમારી ત્વચામાં પણ કેટલી ફૅટ છે અને ઇલૅસ્ટિસિટી કેવી છે એ પણ ખંજન કેટલું ચાલશે, સ્ટે કરશે એનો આધાર તમારી સ્કિનમાં કેટલી ફૅટ છે એના પર પણ ડિપેન્ડ કરે છે. એટલે જ આ ડિવાઇસની અસરકારકતા વ્યક્તિએ-વ્યક્તિએ જુદી હશે.’
ખંજન તો મેકઅપથી પણ થાય
ADVERTISEMENT
આ ડિવાઇસ હજી હમણાં જ આવ્યું છે એટલે એની લૉન્ગ ટર્મ અસર કેવીક હશે એ ક્લિયર નથી એમ જણાવતાં દિવ્યાબહેન કહે છે, ‘આજે નહીં તો કાલે સ્કિન પર એની આડઅસર થઈ જ શકે છે. કદાચ થોડા વખત પછી ઇરિટેશન થાય કે પછી વારંવાર કમ્પ્રેશન થવાને કારણે સ્કિનના સૉફ્ટ ટિશ્યુ પર અવળી અસર થાય એવું બને. એટલે જ્યાં સુધી એ સંપૂર્ણપણે સેફ છે કે નહીં એની ખબર ન પડે ત્યાં સુધી કૅરફુલ રહેવું. જો ક્યારેક ખંજનની કામચલાઉ ઇફેક્ટ ઊભી કરવી હોય તો એ મેકઅપથી પણ શક્ય છે. કોઈ પણ સારો મેકઅપ આર્ટિસ્ટ મેકઅપ દ્વારા સફળતાપૂર્વક એવું ખંજન ઊભું કરી શકે છે જે એકદમ સાચુકલું લાગે. સાચાં ખંજન તો જન્મજાત હોય છે, કોઈક ડિવાઇસ વાપરવું હોય તો પછી એમાં પ્રમાણભાન આપણે જાતે જ રાખવું પડે.’ આ ડિવાઇસનો આગળનો ભાગ, જે સ્કિનને કમ્પ્રેસ કરે એ મોટા ભાગે હાર્ડ પ્લાસ્ટિકનો હોય છે. યુઝ કરતી વખતે એનો એક ભાગ મોઢાની અંદર પણ જાય છે. આ ભાગમાંથી અસંખ્ય માઇક્રોપાર્ટિકલ્સ છૂટા પડતા હશે જે પેટની અંદર જતા હશે, એ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. એ વિશે પણ વિચારવું રહ્યું.