Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > પ્લસ સાઇઝની બ્યુટી પેજન્ટે આમની દુનિયા બદલી નાખી

પ્લસ સાઇઝની બ્યુટી પેજન્ટે આમની દુનિયા બદલી નાખી

12 October, 2021 11:50 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

પાર્લામાં રહેતાં દીપિકા શાહના આત્મવિશ્વાસે ગજબનો વળાંક લીધો છે. દેશભરમાંથી ૫૦૦ લોકોએ ઑડિશન આપેલું જેમાંથી સિલેક્ટ થયેલી સો મહિલામાં દીપિકા શાહ હતાં એટલું જ નહીં, તેમણે મોસ્ટ સ્પેક્ટેક્યુલર આઇઝનો ખિતાબ જીત્યો હતો

વર્ષો સુધી કોરિયોગ્રાફર તરીકે કામ કરનારાં દીપિકાબહેન છેલ્લાં અઢાર વર્ષથી હાઉસવાઇફ તરીકે સક્રિય છે

વર્ષો સુધી કોરિયોગ્રાફર તરીકે કામ કરનારાં દીપિકાબહેન છેલ્લાં અઢાર વર્ષથી હાઉસવાઇફ તરીકે સક્રિય છે


જીવનની કઈ ક્ષણ ટર્નિંગ પૉઇન્ટ બની જાય એ કહેવાય નહીં. અનાયાસ ન્યુઝપેપર વાંચતી વખતે પ્લસ સાઇઝની મહિલાઓ માટે બ્યુટી પેજન્ટની જાહેરખબર જોયા પછી માત્ર ટાઇમપાસ ખાતર અે ફૉર્મ ભરનારાં દીપિકા શાહને એ સમયે અંદાજ પણ નહોતો કે જીવનને જોવાનો નવો દૃષ્ટિકોણ આ અેક પગલાથી તેમના જીવનમાં ઉમેરાવાનો છે. જ્યારે તમારું વજન વધારે હોય ત્યારે સમાજનો અભિગમ બહુ જ વિચિત્ર સ્તરનો હોય છે જેનો અનુભવ દીપિકા લઈ ચૂક્યાં છે.



તેઓ કહે છે, ‘તમારા માટેનાં કપડાં બહુ લિમિટેડ હોય અને ડગલે ને પગલે તમને ડિમોટિવેટ કરનારા, તમારા પર હસનારા અને તમને હાસ્યાસ્પદ દૃષ્ટિથી નિહાળનારા લોકો મળી જતા હોય છે. પરંતુ આ બ્યુટી પેજન્ટ માટે ચાર દિવસ દિલ્હીમાં રહ્યાના અનુભવે આત્મવિશ્વાસ એવો વધ્યો છે કે જીવનના ગમે તેવા સંકટ સામે લડી શકવાની ક્ષમતા જાણે કેળવાઈ ગઈ. હું માત્ર અનુભવ માટે આ સ્પર્ધામાં જોડાઈ હતી અને ખરેખર અહીંના અનુભવે મારામાં એક નવા જ પ્રકારની ઊર્જા આવી છે.’


શું હતું ખાસ?

વર્ષો સુધી કોરિયોગ્રાફર તરીકે કામ કરનારાં દીપિકાબહેન છેલ્લાં અઢાર વર્ષથી હાઉસવાઇફ તરીકે સક્રિય છે. તેઓ કહે છે, ‘મારી ફૅમિલી ખૂબ જ સપાેર્ટિવ છે. મારા સાસુ તો મને વર્ષોથી કહે છે કે તારે જે કામ કરવું હોય એ કર, હું ઘરમાં ધ્યાન રાખીશ. જોકે મારો દીકરો થયા પછી ઘર જ મારા માટે સર્વસ્વ બની ગયું હતું. આ બધી જ જવાબદારીઓ વચ્ચે વજન પણ વધતું ગયું જેના તરફ બહુ ધ્યાન નહીં આપી શકાયું. લગ્ન પછી પણ ઘણાં વર્ષ સુધી મેં ડાન્સ ક્લાસ ચલાવ્યા છે. એ સમયે બધું જ વેલ મેઇન્ટેઇન્ડ હતું.


જોકે હેવી વેઇટ પછી પણ હેલ્થની બાબતમાં કોઈ જ પ્રૉબ્લેમ નહોતા. ફિઝિકલ સ્ટ્રેંગ્થ સારી છે. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, થાઇરૉઇડ, ની પેઇન જેવી કોઈ સમસ્યા નહોતી. હા, જ્યારે મનગમતાં કપડાં ન મળે અને પ્લસ સાઇઝ હોવાને નાતે લોકોના નજરિયાનો સામનો કરવો પડે એ વાતથી ક્યારેક તકલીફ થતી, પરંતુ ધીમે-ધીમે એ બધી બાબતો ઇગ્નૉર પણ થઈ જતી હોય છે.’

બ્યુટી પેજન્ટે બદલ્યો નજરિયો

જોકે તેમણે જ્યારે માવેન પ્લસ સાઇઝ ઇન્ડિયન પેજન્ટ, ૨૦૨૧માં નામ રજિસ્ટર્ડ કર્યું અને ટૉપ હન્ડ્રેડમાં સિલેક્શન થયું ત્યારે તેમના એક્સાઇટમેન્ટનો પાર નહોતો. દીપિકાબહેન કહે છે, ‘વેસ્ટ ઝોનમાંથી મારું સિલેક્શન થયું હતું અને પહેલી વાર આવી કોઈ બાબતમાં હું ભાગ લેવા જઈ રહી હતી. જનરલી, બ્યુટી પેજન્ટ, ફૅશન શો જેવી બાબતો આપણા જેવા ગુજરાતી કલ્ચરમાં બહુ સારી નથી ગણાતી. અેટલે મને સંકોચ હતો પરંતુ ઍઝ યુઝ્અલ ફૅમિલી સપોર્ટ ગજબનો હતો. ટ્રેઇનિંગ અને પર્ફોર્મન્સ માટે મારે ચાર દિવસ માટે દિલ્હી જવાનું હતું. તો મારા હસબન્ડ મારી સાથે આવ્યા હતા. ત્યાં પ્લસ સાઇઝ હોવા છતાં ટૉપ પર પહોંચેલી મહિલાઓનાં લેક્ચર્સ હતાં. બહુ જ ડીસન્ટ અને સૉફિસ્ટિકેટેડ ક્રાઉડ હતું. અમારા માટે ડિઝાઇનર કપડાં વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યાં હતાં. મેકઅપની અમને વિશેષ ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. વેસ્ટર્ન ડ્રેસ, સાડી અને ગાઉન એમ ત્રણેય દિવસ ત્રણ અલગ-અલગ પ્રકારના આઉટફિટ સાથે પર્ફોર્મન્સ, ઇન્ટ્રોડોક્શન, ટૅલન્ટ શો વગેરે પણ હતા. દરેક વખતે કોઈ મોટા ગજાના લેક્ચરર આવતા જેમની વાતો અને જીવન બન્ને દાખલારૂપ હતાં. જેમ કે હેવી બૉડીને કારણે હસબન્ડે છોડી દીધાં હોય, પરિવારમાં હાંસીપાત્ર બન્યાં હોય, કોઈ મહત્ત્વની પોઝિશન પરથી બરતરફ કરાયાં હોય અને એ પછી પણ આજે તેઓ સમાજમાં માનવંતું સ્થાન કહેવાય એવી જગ્યાએ પહોંચ્યાં હોય એવા ઘણા કેસ-સ્ટડી મારી સામે હતા. કોઈ મોટિવેશનલ સ્પીકર બની ગયું હતું, કોઈ પ્લસ સાઇઝ ફૅશનમાં મોટું નામ બની ગયું હતું. આ બધી વાતોએ સંકુચિત થઈ ગયેલી અમારી દુનિયાને ઉઘાડ આપવાનું કામ કર્યું હતું. મને તો કલ્પના પણ નહોતી કે મને કોઈ પ્રાઇઝ મળશે પરંતુ મોસ્ટ સ્પેક્ટેક્યુલર આઇઝ, ૨૦૨૧નું ટાઇટલ મને મળ્યું. ઓવરઑલ આખું ઇવેન્ટ પૉઝિટિવિટીથી ભરપૂર અને ફુલ ઑફ લાઇફ હતી. જોકે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવાનો પાર્ટ મારા માટે સહુથી અઘરો હતો.’

પોતાને પ્રેમ કરો

જીવનના અમુક તબક્કે પહોંચ્યા પછી મહિલાઓની સાઇઝ નૅચરલી પણ વધી જતી હોય છે. તેના જીવનમાં આવતા હૉર્મોનલ ફેરફારો ઘણી વાર અેમાં નિમિત્ત બનતા હોય છે અને આ બધામાં સૌથી મોટું નુકસાન એ થાય છે કે મહિલાઓ પોતાને પ્રેમ કરવાનું ભૂલી જાય છે. આ ન જ થવું જોઈએ. દીપિકા કહે છે, ‘તો શું થઈ ગયું તમારી સાઇઝનાં કપડાં બધે નથી મળતાં? તો શું થઈ ગયું કે અમુક પ્રકારના ડ્રેસિસ તમને નથી મળતા? તો શું થઈ ગયું કે અમુક ડ્રેસિસ તમારા પર નથી સૂટ કરતા? આ બધી વસ્તુઓ ગૌણ છે અને એને કારણે તમે તમારી જાતને પ્રેમ કરવાનું બંધ કરી દો અે ખોટું છે. હું જનરલી બહુ જ સિમ્પલ રહેવાવાળી વ્યક્તિ છું. જોકે આ પેજન્ટ થકી મેકઅપની દુનિયા કેટલી મોટી છે અેની મને ખબર પડી. આ પેજન્ટમાં બહુ જ બધી અલગ-અલગ ફીલ્ડમાં ઍક્ટિવ મહિલાઓ પણ

હતી. ડૉક્ટર, એન્જિનિયર, બિઝનેસ પર્સન બધા પાસેથી કંઈક ને કંઈક શીખવા મળ્યું. ઘરથી બહાર નીકળીને પરિવારથી દૂર રહેવાનું, અમારા જેવી હેવી બૉડીવાળાને હીલ્સની આદત ન હોય, તેમણે કૅટવૉક કરવાનું એ બધું જ ચૅલેન્જિંગ હતું. આપણી ક્ષમતાઓની અહીં આપણને ખબર પડે. જોકે એ પછી પણ પોતાને પ્રેમ કરતાં તમને આવડતું હોય એ બહુ જ જરૂરી છે. આવા પ્લૅટફૉર્મ આપણને આપણી કૅપેસિટી કેટલી વધારે છે અે સમજાવવા માટે પૂરતાં છે.’

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2021 11:50 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK