થોડી ક્રીએટિવિટી વાપરીને આ સીડીને ઘરના લિવિંગરૂમનો કે બેડરૂમનો સૌથી આકર્ષક ભાગ બનાવી શકાય છે
ઘરમાં રાખેલી જૂની અને નકામી વસ્તુઓને ક્રીએટિવ રીતે વાપરીને ઘરનો આખો લુક બદલી શકાય છે
હોમ ડેકોરેશનમાં મિનિમલિઝમ અને અપસાઇક્લિંગનો ટ્રેન્ડ પૉપ્યુલર થઈ રહ્યો છે. ઘરમાં રાખેલી જૂની અને નકામી વસ્તુઓને ક્રીએટિવ રીતે વાપરીને ઘરનો આખો લુક બદલી શકાય છે. લાકડાની જૂની સીડી એમ જ ધૂળ ખાતી પડી હોય છે. મોટા ભાગે આપણે એને નકામી ગણીને નજરઅંદાજ કરીએ છીએ, પરંતુ થોડી ક્રીએટિવિટી વાપરીને આ સીડીને ઘરના લિવિંગરૂમનો કે બેડરૂમનો સૌથી આકર્ષક ભાગ બનાવી શકાય છે.
બુકશેલ્ફ
ADVERTISEMENT
પુસ્તકોના શોખીનો માટે આ એક અનોખો આઇડિયા છે. લાકડાની સીડીનાં સ્ટેપ્સનો ઉપયોગ બુકશેલ્ફ તરીકે આરામથી થઈ શકે છે. સીડી જો થોડી પહોળી હોય તો એના પર પુસ્તકો લાઇનમાં ગોઠવી શકાય અને જો એ ટ્રેડિશનલ સીડી હોય તો પુસ્તકોને અધવચ્ચેથી ખોલીને પગથિયાં પર લટકાવી પણ શકાય છે. આ સિવાય લેટેસ્ટ મૅગેઝિન્સને ડિસ્પ્લે કરવા માટે પણ આ સ્માર્ટ રીત છે.
બ્લેન્કેટ અને ક્લોથ-હોલ્ડર
બેડરૂમ કે લિવિંગરૂમમાં વધારાના બ્લેન્કેટ, શાલ કે સ્કાફને વ્યવસ્થિત રાખવા માટે લાકડાની સીડી પર્ફેક્ટ ઑપ્શન છે. સીડીને દીવાલના સપોર્ટ સાથે સહેજ ત્રાંસી ગોઠવી દો. એના દરેક સ્ટેપ પર તમે કલરફુલ બ્લેન્કેટ્સ કે ક્લોથ્સ ફોલ્ડ કરીને હૅન્ગ કરી શકો છો. આ રીત માત્ર સ્પેસ જ નથી બચાવતી, રૂમને એક હૂંફાળો અને એસ્થેટિક લુક પણ આપે છે.
હોમમેડ ગાર્ડન
જો તમને ઘરમાં ગ્રીનરી ગમતી હોય તો લાકડાની સીડી ઇન્ડોર પ્લાન્ટ્સ ગોઠવવા માટે બેસ્ટ સ્ટૅન્ડ બની શકે છે. સીડીનાં અલગ-અલગ પગથિયાં પર નાનાં-મોટાં કૂંડાં અથવા મનીપ્લાન્ટ જેવા વેલા ગોઠવી શકાય. લિવિંગરૂમના કોઈ ખાલી ખૂણામાં આ રીતે સીડી મૂકીને એના પર છોડ રાખવાથી ઘરની અંદર જ એક નાનકડું અને સુંદર વર્ટિકલ ગાર્ડન તૈયાર થઈ જશે.
કઈ રીતે આપશો ફાઇનલ ટચ?
જૂની સીડીને ડાયરેક્ટ વાપરવાને બદલે એને થોડો નવો ટચ આપવો જરૂરી છે. જો તમને નૅચરલ કે રૉ લુક ગમતો હોય તો એના પર માત્ર લાકડાનું પૉલિશ કે વાર્નિશ લગાવી શકો છો. જો રૂમ વાઇબ્રન્ટ જોઈતો હોય તો પેસ્ટલ કલર્સ જેમ કે સૉફ્ટ વાઇટ, મિન્ટ ગ્રીન કે સ્કાય બ્લુથી એને પેઇન્ટ કરી શકાય. આ સિવાય સીડીની આસપાસ ફેરી લાઇટ્સ વીંટાળી દેવાથી સાંજના સમયે ઘરનો માહોલ એકદમ મૅજિકલ લાગશે.
