Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ઘરેબેઠાં તમારા ચહેરાની ચમક વધારવી છે? ચાલો વાત કરીએ ફેસયોગની

ઘરેબેઠાં તમારા ચહેરાની ચમક વધારવી છે? ચાલો વાત કરીએ ફેસયોગની

16 April, 2020 05:13 PM IST | Mumbai Desk
Ruchita Shah | ruchita@mid-day.com

ઘરેબેઠાં તમારા ચહેરાની ચમક વધારવી છે? ચાલો વાત કરીએ ફેસયોગની

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માંડ-માંડ વૉકિંગની આદત પડી હતી જે હવે છૂટી ગઈ. યોગના ક્લાસ બંધ થઈ ગયા છે ને ઘરમાં કામ વધી ગયું છે. રોજ નવી આઇટમો બને છે અને બસ ખાઓ, પીઓ અને જલસા કરોવાળી જિંદગી થઈ ગઈ છે. બીજી બાજુ ઘરમાં જ પડ્યાપાથર્યા રહેવાને કારણે કંટાળો પણ આવી રહ્યો છે. પાર્લરો પણ બંધ છે. ચહેરાનું તેજ જાણે ઘટી ગયું છે. આવામાં કરવું તો શું કરવું? જવાબ છે યોગ. યોગમાં તમે કોઈ પણ ક્રિયા કે આસનો કરો તોય એની ઓવરઑલ અસર તો તમારી આખી બૉડી પર જ પડે, જેમાં ચહેરો પણ આવી જાય. જોકે ફેસનો ગ્લો વધારવા માટે, ચહેરાનું સૌંદર્ય બહેતર કરવા માટે યોગમાં શું વિશેષ કરવાથી વધુ લાભ થશે એના પર થોડી ચર્ચા કરીએ.

શું કામ?



ચહેરો તમારા શરીરની ઓવરઑલ હેલ્થનો અરીસો છે. શરીરની અંદર ગરબડ હશે, મેન્ટલી ડિસ્ટર્બ હશો તો એની અસર તમને ચહેરા પર દેખાશે એમ જણાવીને ‘ફેશ્યલ યોગની ઇફેક્ટ’ વિષય પર પોતાના માસ્ટર્સના પ્રોજેક્ટ માટે રિસર્ચ કરનારાં અલ્પા વીરા કહે છે, ‘રોજ લગભગ ૪૫ મિનિટ યોગ કરવાથી ફેસલિફ્ટ અને ફેસ ગ્લોની ઇફેક્ટ મેં જોઈ છે. જોકે એમાં તમે નિયમિતતા સાથે અને જાગૃતિ સાથે યોગ કરો એ જરૂરી છે. જેમ- જેમ યોગક્રિયામાં તમે પારંગત થતા જાઓ એમ તમારા સ્નાયુઓની હોલ્ડિંગ કૅપેસિટી વધે અને રેગ્યુલર બ્રીધિંગ સાથે પણ તમારા મસલ્સને વધુ ઑક્સિજનટેડ બ્લડ મળે જે તમારા ફેસના ગ્લોને વધારવામાં પણ કારણભૂત હોય છે. બીજી એક ખાસ મહત્ત્વની વાત કહીશ કે આપણા શરીરની અને ચહેરાની તંદુરસ્તી માટે ત્રણ મહત્ત્વની બાબત છે આહાર, વિહાર અને વિશ્રાંતિ. આહાર એટલે તમે શું ખાઓ છો. જો તમે વેજિટેબલ્સ, ફ્રૂટ્સ જેવો ઍન્ટિઑક્ડિન્ટ્સથી ભરપૂર ખોરાક ખાઈ રહ્યા છો તો કુદરતી રીતે જ તમારી એજિંગ પ્રોસેસ ધીમી પડી જશે. વિહાર એટલે કે કસરત, યોગાસનો અને અન્ય કોઈ પણ ફિઝિકલ ઍક્ટિવિટી. શરીરમાં રક્ત પરિભ્રમણ વધારવાથી લઈને ડિટૉક્સિફિકેશન માટે પણ આ જરૂરી છે. ત્રીજું આવે છે વિશ્રાંતિ એટલે કે રિલૅક્સેશન. તમે કેટલો આરામ શરીરને આપો છે. રિલૅક્સેશન અને આળસમાં ફરક છે. તમારી સાઉન્ડ સ્લીપ, તમારી ઊંઘનો સમય પણ બહુ જ મહત્ત્વપૂર્ણ બાબત છે. આપણા શરીરમાં સતત હૉર્મોનલ ચેન્જિસ ચાલી રહ્યા છે. આપણને ભૂખ લાગવાથી લઈને ઊંઘ આવવા સુધીની તમામ ક્રિયાઓમાં હૉર્મોન્સ જવાબદાર હોય છે. જેમ અંધારું થાય એમ શરીરમાં મેલાટોનિન નામના હૉર્મોન્સનો સ્રાવ વધતો હોય છે. બૉડી-ક્લૉક મુજબ સૂર્યાસ્તના બેથી ત્રણ કલાક પછી સાઉન્ડ સ્લીપ આપનારા આ હૉર્મોન્સનું સિક્રેશન વધે છે. આપણે ત્યાં સવારે ચાર વાગ્યે ઊઠવાનું જે ચલણ છે એ આ બૉડી સાઇકલને અનુરૂપ જ છે. જોકે આપણે આઠ કલાક ઊંઘવું એ જ વાતને પકડી રાખી છે. છથી આઠ કલાક સૂવું જોઈએ, પણ એ રાઇટ સમયે હોય તો જ લાભકારી છે. ટૂંકમાં ફિઝિકલ અને ફેશ્યલ બન્ને હેલ્થ માટે આ ત્રણ બાબતોને બારીકાઈથી જોવી જરૂરી છે.’


ડિટૉક્સિફિકેશન જરૂરી

ચહેરાના સૌંદર્યને વધારવા માટે શરીરનાં ટૉક્સિન્સ બહાર જતાં રહે એ જરૂરી છે. આગળ આપણે વાત કરી એ પ્રમાણે શરીર માટે ઉચિત આહાર, ઉચિત શારીરિક કસરતો અને ઉચિત વિશ્રામ આ ત્રણેય બાબતો ડિટૉક્સિફિકેશનનું કામ કરે છે. અલ્પા કહે છે, ‘માઇન્ડનું પણ ડિટૉક્સિફિકેશન જરૂરી છે. પરંતુ માઇન્ડનું ડિટૉક્સિફિકેશન થાય કેવી રીતે? એના માટે પ્રાણાયામ કરો. મગજમાં ચાલતી તમામ નકારાત્મકતાને હરવાનો, માઇન્ડને શાંત પાડવાનો અને મગજની વિહવળતાઓ ઘટાડવાનો એક જ રામબાણ ઇલાજ છે પ્રાણાયામ. ઇમોશનલી પણ ટૉક્સિન-ફ્રી થવું જરૂરી છે અને એના માટે ભક્તિયોગ અને પ્રાણાયામ હેલ્પ કરશે. મારા રિસર્ચમાં આ બાબતો અને યોગની કેટલીક પ્રૅક્ટિસ સાથે વીસ લોકોમાં ત્રણ મહિના પછીનાં પરિણામો નોંધ્યાં હતાં જેમાં ફેસયોગ અને આહાર-વિહાર-વિશ્રાંતિ પર ફોકસ કરનારાઓના ચહેરાનો ગ્લો વધ્યો હતો, આંખ નીચેનાં કાળાં કૂંડાળાંમાં ઘટાડો થયો હતો, માસિક સ્રાવ રેગ્યુલર થયો હતો. ઈવન સાયનસિસ અને હૉર્મોનલ અસંતુલનમાં પણ સુધારો થયો હતો. ’


ફેસયોગ લચી પડેલી ચહેરાની ચામડીમાં ફર્મનેસનું કામ કરે છે. અલ્પા કહે છે, ‘શરીરના બીજા હિસ્સાના મસલ્સ અને ચહેરાના મસલ્સમાં કોઈ ભેદ નથી. શરીરના કોઈ પણ હિસ્સાના મસલ્સને કસરત ન આપો તો એ નબળા અને ઢીલા પડી જતા હોય છે. એ જ બાબત ચહેરાના સ્નાયુઓ સાથે પણ બને છે. જેમ-જેમ ઉંમર વધે તેમ શરીરના કોષોમાં ડીજનરેશનનું પ્રમાણ વધે છે. એની વચ્ચે ચહેરાના મસલ્સને ફોકસ કરીને જો કસરતો અને યોગની વિવિધ ક્રિયાઓ કરવામાં આવે તો નિષ્ક્રિય રહેલા ચહેરાના મસલ્સ ઉત્તેજિત થાય છે, એની ક્ષમતા વધે છે અને એનાથી ફેસની સ્કિન પર ફાયદો થાય, થાય અને થાય જ છે.’ 

તમને ખબર છે?

હસવું એ પણ ચહેરાની સુંદરતા માટે શ્રેષ્ઠ એક્સરસાઇઝ મનાય છે. હસવાથી પણ તમારા ચહેરાના સ્નાયુઓને સરસ મજાની કસરત મળી જાય છે એટલે કાયમ હસતા રહેશો તો પણ તમારા ચહેરાનું સૌંદર્ય ખીલી ઊઠશે.

તમારા ચહેરાને સુંદર બનાવવા યોગમાં શું-શું કરી શકાય?

પ્રેયર અને ઓમકાર: મન ચંગા તો કથરોટ મેં ભી ગંગા. એ રીતે સૌથી પહેલાં તો મનને હળવાશ આપવા માટે ચિંતાનાં વાદળો ચહેરા પરથી હટાવવાં જરૂરી છે. એના માટે ઓમકાર, પ્રાર્થના કરીએ. ઓમકાર ચૅન્ટિંગ તમારા સ્ટ્રેસને દૂર કરવાથી લઈને રિજુવિનેટિંગ, સ્પાઇનલ કૉર્ડને સ્ટ્રેંગ્થ આપવા, શરીરને ડિટૉક્સિફાય કરવા, હાર્ટ અને ડાઇજેસ્ટિવ સિસ્ટમના ફંક્શનને બહેતર કરવામાં પણ એ મદદ કરે છે.

ત્રાટક: આ ક્રિયા તમારી આંખની આસપાસના મસલ્સને ઉત્તેજિત કરીને ડાર્ક સર્કલ ઘટાડવામાં ખૂબ મદદ કરે છે.

યોગમુદ્રા: તમારા ચહેરા પર બ્લડ ફ્લો વધારે છે અને પેટના સ્નાયુઓમાં કૉન્ટ્રૅક્શન કરે છે, જેથી પેટના સ્નાયુઓની સ્ટ્રેંગ્થ વધે.

બ્રહ્મ મુદ્રા: થાઇરૉઇડ અને પૅરાથાઇરૉઇડ ગ્રંથિઓને રિજુવિનેટ કરીને ગળા અને ચહેરાના ભાગમાં બ્લડ-સર્ક્યુલેશન વધારે છે.

સિંહ મુદ્રા: તમારા ગળાની ગ્રંથિઓ પણ કામ કરે છે અને સલાઇવરી ગ્રંથિઓની કાર્યક્ષમતા વધારીને ચયાપચયને બહેતર કરે છે. ચહેરાના સ્નાયુઓને સ્ટ્રેંગ્થ આપવા અને ફેસલિફ્ટ માટેની આ નૅચરલ ક્રિયા ખૂબ જ ઉપયોગી છે.

વિપરીત કરણી: ચહેરા તરફના બ્લડ ફ્લોને વધારે છે. જીવન ઊર્જાને વધારે છે અને સ્કિનને બ્યુટિફુલ બનાવે છે.

આસન: વજ્રાસન, માર્જરાસન, પવનમુક્તાસન, હલાસન, સર્વાંગાસન, મત્સ્યાસન વગેરે લાભકારી છે.

પ્રાણાયામ: અનુલોમ-વિલોમ જે સંતુલનનું કામ કરે છે અને શરીરમાં ઑક્સિજનેટેડ બ્લડ ફ્લો વધારે છે. શીતલી પ્રાણાયામ ઍસિડિટી ઘટાડીને શરીરને આલ્કલાઇન કરે છે. શીતકારી પ્રાણાયામ પણ યંગ દેખાવા માટે ઉપયોગી પ્રાણાયામ મનાય છે. કપાલભાતિ ક્રિયા અને શવાસન પણ બ્યુટિફુલ ફેસ માટે જરૂરી છે. જોકે બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ કે હૃદયરોગ ધરાવતા લોકોએ કોઈ પણ કસરત ધીમેથી અને અનુભવી શિક્ષકની નિગરાણીમાં જ કરવી. - અલ્પા વીરા          

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2020 05:13 PM IST | Mumbai Desk | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK