ઇટ્સ પાર્ટી ટાઇમ
પાર્ટીની સીઝન આવી ગઈ છે ત્યારે સેફ્ટી અને અસામાજિક તત્વોથી બચવા માટે જો ઘરે જ રહીને ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે પોતાની રીતે મસ્તી કરીને એન્જૉય કરવું હોય તો એક પાર્ટીનો પ્લાન કરી જ લો. તમારા જેવા જ બીજા ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે મળીને પાર્ટી કરશો તો એની સામે કોઈ પબ કે ડિસ્કની પાર્ટી પણ ફિક્કી લાગશે. જો પાર્ટી પ્લાન કરવાનું વિચારી રહ્યા હો તો આટલી ચીજો ચેક કરી લેજો.
ક્યાં કરશો પાર્ટી?
જો નાનું ગ્રુપ હોય તો લિવિંગ રૂમમાં પાર્ટી કરી શકાય અને જો મોટું ગ્રુપ હોય અને ટેરેસ પણ હોય તો એના જેવું બીજું બેસ્ટ લોકેશન નહીં મળે. ટેરેસ પર ઓપન રૂફ પાર્ટી કરવાની મજા જ કંઈ ઓર છે. બની શકે તો થીમ નક્કી કરો. પાર્ટીનો મેઇન ચાર્મ હોય છે ફૂડ. કોઈ પણ થીમ ચૂઝ કરો. એને ફૂડ, ડ્રેસિંગ અને ડેકોરેશન બધામાં પૂરી રીતે ઉતારો. તમે થીમ પ્રમાણે ગેસ્ટને પણ ડ્રેસિંગ કરવાનું કહી શકો છો, જેથી થીમનો ફીલ આખી પાર્ટીમાં બરાબર આવે. થીમ એવી જ સિલેક્ટ કરો, જે ઓકેઝન સાથે સૂટ થતી હોય તેમ જ પાર્ટીમાં આવનારા લોકો માટે પણ પૉસિબલ હોય. જોકે ન્યુ યર પાર્ટી છે એટલે થીમ નહીં પણ હોય તો ચાલશે.
જરૂરી તૈયારી
પાર્ટી માટે જરૂરી ચીજોનું લિસ્ટ બનાવો અને બે વાર ચેક કરો. બધું કામ લિસ્ટ પ્રમાણે થાય છે કે નહીં એનું પણ ધ્યાન રાખો. ગેસ્ટ-લિસ્ટ પ્રિપેર કરવું એ સૌથી પહેલું કામ છે. ત્યાર બાદ જ બીજી વસ્તુઓનો અંદાજ આવશે. આ માટે સૌથી પહેલાં ગેસ્ટ-લિસ્ટ બનાવીને ફૂડનો ઑર્ડર આપો. નાની પાર્ટીમાં વધુપડતા લોકોને ઇન્વાઇટ પણ ન કરવા, કારણ કે તમે બધાને વેલકમ કરતા રહી જશો અને પાર્ટી પૂરી થઈ જશે. બધા જ ગેસ્ટને ઇન્વિટેશન ઍડ્વાન્સમાં જ મોકલી દો. ઇન્વિટેશન કાર્ડ સિવાય વર્બલ ઇન્વિટેશન કે પછી ઈ-ઇન્વાઇટ જેવા ઘણા ઑપ્શન આજના જમાનામાં અવેલેબલ છે. ઇન્વિટેશન મોકલ્યા પછી કન્ફર્મેશન લેવાનું પણ જરૂરી છે, જેથી કોણ-કોણ આવવાનું છે એનો ખ્યાલ આવે.
ફૂડ સિલેક્શન
ફૂડ માટે લોકોને પૂરતી વરાઇટી મળી રહે એનો ખ્યાલ રાખવો. સ્ટાર્ટર્સ, મેઇન ર્કોસ અને ડિઝર્ટ બધામાં એવું મેનુ પસંદ કરવું, જે બધા ગેસ્ટ માટે યોગ્ય હોય. કટોકટી ન આવે એના માટે થોડા એક્સ્ટ્રા ફૂડની અરેન્જમેન્ટ કરી રાખવી સલાહભર્યું છે. જો ઘરે પાર્ટી હોય અને તમે કોઈ નવી રેસિપી ટ્રાય કરવા માગતા હો તો ઍડ્વાન્સમાં જ એ વાનગી ટ્રાય કરો, જેથી ફાઇનલ દિવસે બનાવતી વખતે ગરબડ ન થાય. સ્ટાર્ટર્સનો રાઉન્ડ લિમિટેડ જ રાખો, કારણ કે સ્ટાર્ટ્સ વધુ હશે તો મેઇન કોર્સ વેસ્ટ જશે.
ડેકોરેટિંગ અને લાઇટિંગ
પાર્ટી હોય તો થોડું ડેકોરેશન હશે તો મજા આવશે. માટે ફક્ત લાઇટ્સ અને ફૂલોથી લુક ક્રીએટ કરો. ન્યુ યર પાર્ટી છે એટલે બલૂન અને રિબિન્સ બેસ્ટ ચૉઇસ રહેશે. શાઇની ફિનિશિંગવાળા ગોળ કે હાર્ટ શેપના બલૂન ફુલાવીને ઘરમાં વેરી દો. બલૂન વધારે સંખ્યામાં લેવા. જેથી રમવામાં અને જોવામાં બન્ને રીતે સારા પણ લાગે અને કામ પણ આવે. લાઇટ્સ ડીમ રાખવી જેથી પબ કે ડિસ્ક જેવી ઇફેક્ટ મળે.
મ્યુઝિક જરૂરી
ન્યુ યરને વેલકમ કરવા માટેની પાર્ટી હોય ત્યારે મ્યુઝિક પાર્ટીની જાન સમાન છે. જો ઘરમાં હોમ થિયેટર સિસ્ટમ હોય તો બેસ્ટ રહેશે અને જો થોડું મોટું આયોજન કરવું હોય અને સોસાયટી પરમિશન આપે તો ડિસ્ક જૉકીને પણ બોલાવી શકાય. મ્યુઝિક અને ડીજે પાર્ટીમાં જાન લાવશે. ડાન્સ કરવાનો પણ આ એક સારો મોકો છે એટલે મ્યુઝિક તો ખાસ જોઈશે.