Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ફ્રિજને બહારથી તો બહુ ડેકોરેટ કર્યું હવે અંદરથી શણગારો

ફ્રિજને બહારથી તો બહુ ડેકોરેટ કર્યું હવે અંદરથી શણગારો

Published : 28 November, 2024 12:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડોર પર ફ્રિજ મૅગ્નેટ્સ અને કાર્ટૂન્સ લગાવેલાં તો ઘણાં ઘરોમાં જોવા મળશે, પરંતુ અંદરથી એ ઑર્ગેનાઇઝ્ડ અને આર્ટિસ્ટિકલી ડેકોરેટ કર્યું હોય એવું બન્યું છે? યસ, હવે ફ્રિજને અંદરથી વધુ ઑર્ગેનાઇઝ્ડ રાખવાનો તથા વિન્ટેજ ફોટોફ્રેમ અને ડેકોરેટિવ બાઉલથી સજાવવાનો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ડોર પર ફ્રિજ મૅગ્નેટ્સ અને કાર્ટૂન્સ લગાવેલાં તો ઘણાં ઘરોમાં જોવા મળશે, પરંતુ અંદરથી એ ઑર્ગેનાઇઝ્ડ અને આર્ટિસ્ટિકલી ડેકોરેટ કર્યું હોય એવું બન્યું છે? યસ, હવે ફ્રિજને અંદરથી વધુ ઑર્ગેનાઇઝ્ડ રાખવાનો તથા વિન્ટેજ ફોટોફ્રેમ અને ડેકોરેટિવ બાઉલથી સજાવવાનો ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર ચાલી રહ્યો છે


કોઈ ‌તમારા ઘરનું ફ્રિજ ખોલે તો તરત ખબર પડી જાય કે તમારી લાઇફસ્ટાઇલ કેવી છે. તમે હેલ્ધી લાઇફસ્ટાઇલના હિમાયતી છો કે જન્ક ફૂડના આદી. તમે ઑર્ગેનાઇઝ્ડ છો, ક્લેન્લીનેસનો આગ્રહ રાખનારા છો કે પછી અંદર વળી કોણ જોવાનું છે એમ કહીને બધું ડમ્પ કરનારા છો. ફ્રિજને બહારથી બહુ સજાવેલું રાખવામાં આવે છે, પણ હવે સોશ્યલ મીડિયા ટ્રેન્ડ તમને ફ્રિજની અંદર પણ કલાત્મકતા શીખવવા પ્રેરે છે.



ફ્રિજના દરવાજે ટુ-ડૂ લિસ્ટ, જમવાનું ટાઇમટેબલ અને ટ્રાવેલિંગ મેમરીઝને ચેરિશ કરાવતાં ચિપકાવેલાં ફ્રિજ મૅગ્નેટ્સ આપણા જીવનને ઑર્ગેનાઇઝ્ડ બનાવવાની સાથે જૂની યાદોને તાજી કરે છે. ફ્રિજને બહારથી ડેકોરટ કરવું તો બહુ ગમતું હશે, પણ શું અંદરની સજાવટ વિશે વિચાર કર્યો છે? અહીં ફ્રિજમાં અંદરની ચીજોને ઑર્ગેનાઇઝ્ડ રાખવા માટે માર્કેટમાં મળતા ડબ્બાઓની વાત નથી થઈ રહી. વિચાર કરો ફ્રિજના ઇન્ટીરિયરને ઍસ્થેટિક લુક આપતી ફોટોફ્રેમ, સ્ટાઇલિશ કન્ટેનર અને ડેકોરેટિવ પ્લાન્ટસ પ્લેસ કરવામાં આવે તો? અંદરથી ફ્રિજનું મેકઓવર થઈ જશે. ફ્રિજની અંદરની ચીજોને ઑર્ગેનાઇઝ કરવી અને ઍસ્થેટિક અરેન્જમેન્ટને ફ્રિજસ્કેપિંગ કહેવાય છે. જોકે મોટો સવાલ એ પણ છે કે આ બધું ડેકોરેશન કરીશું તો જે ફ્રિજમાં રાખવાનું હોય એ ક્યાં રાખીશું?


ટ્રેન્ડની શરૂઆત

રોમૅન્ટિક ડ્રામા ‘બ્રિજર્ટન’માં દર્શાવવામાં આવેલા આવા કન્સેપ્ટને લીધે લીધે સોશ્યલ મીડિયા પર ફ્રિજસ્કેપિંગનો કન્સેપ્ટ ટ્રેન્ડમાં છે. સામાન્યપણે આપણા ઘરમાં શાકભાજી અને ફળ-ફ્રૂટ બધું એક જ જગ્યાએ પડ્યું હોવાથી આપણને જે જોઈતું હોય એને શોધવામાં સમય લાગી જાય છે અને ન મળે તો ઇરિટેશન ફીલ થાય છે, પણ ફ્રિજમાં જો ચીજો વ્યવસ્થિત રાખેલી હોય તો તરત જ દેખાય તો એ માઇન્ડને ગમે છે. ફ્રિજના દરેક કૉર્નરમાં દરેક ચીજને ગોઠવીને મૂકવી એ એક કળા છે, પણ આજકાલના લોકોની બિ​ઝી લાઇફસ્ટાઇલમાં ફ્રિજને સાફ કરવાનો પણ સમય નથી મળતો તેથી એની સજાવટ કરવાનું થોડું મુશ્કેલ છે.


ટ્રેન્ડ છે કામની ચીજ

ફ્રિજસ્કેપિંગના ટ્રેન્ડને અપનાવતા હશો તો સૉસ, મસાલાનાં પૅકેટ્સ અને ડેરી પ્રોડક્ટ્સની એક્સપાયરી ડેટને ટ્રૅક કરવા તથા જૂની ચીજોનો વહેલા ઉપયોગ કરવામાં મદદરૂપ સાબિત થાય છે અને અન્નનો બગાડ અટકશે. આ ઉપરાંત ફ્રિજમાં ચીજો ઑર્ગેનાઇઝ્ડ રહેતી હોવાથી જ્યારે જરૂર પડે ત્યારે એને શોધવામાં તકલીફ પડતી નથી. તમને જે જોઈએ છે એ શોધવાનું સરળ બનાવે છે અને સમય બચાવે છે. ‌

તમે કેવી લાઇફસ્ટાઇલ અપનાવવા માગો છો એના આધારે તમે ફ્રિજનું ડેકોરેશન કરી શકો. મતલબ કે તમે હેલ્ધી ફૂડને રોજિંદી લાઇફસ્ટાઇલમાં અપનાવવા માગતા હો તો ફ્રિજસ્કેપિંગ દરમ્યાન ફ્રૂટ્સ, વેજિટેબલ્સ અને હેલ્ધી આઇટમોને એવી રીતે ગોઠવો કે તમે ફ્રિજ ખોલો કે તરત જ નજર સામે આવે. એનાથી તમારી હેલ્ધી ફૂડની હૅબિટ એન્કરેજ થશે.

હેલ્ધી ફૂડને અવગણતા લોકો માટે આ ટ્રેન્ડ કામનો સાબિત થઈ શકે છે. ફ્રિજ ખોલતાંની સાથે આંખોને હેલ્ધી ફૂડ દેખાય એ રીતે ગોઠવણી કરવામાં આવે તો એ આરોગ્યપ્રદ આહારની આદતોને પ્રોત્સાહિત કરે છે અને સ્વચ્છતા અને વ્યવસ્થાને જાળવી રાખે છે. ફ્રિજને ઑર્ગેનાઇઝ અને બ્યુટિફાય કરવાની પ્રક્રિયા કલાત્મક હોવાથી એ તનાવના સ્તરને ઘટાડે છે અને એની સજાવટ પર્સનાલિટીને એક્સપ્રેસ કરે છે.

ફાયદા એટલાં નુકસાન પણ છે

ફ્રિજસ્કેપિંગનો ટ્રેન્ડ અત્યારે વિદેશોમાં બહુ ચાલી રહ્યો છે, પણ ભારતીયો પણ એનું અનુસરણ કરે છે. UKના એક મેડિકલ નિષ્ણાતોનો આ ટ્રેન્ડ વિશે મત છે કે ફ્રિજમાં ખાવાની ચીજો સાથે સજાવટનો સામાન રાખવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. આ ઉપરાંત જ્યારે આવી ચીજો ફ્રિજમાં રાખો છો ત્યારે એની નિયમિત સાફસફાઈ મુશ્કેલ થઈ જાય છે અને સમયાંતરે આવી ડેકોરેશનની ચીજોમાં બૅક્ટેરિયા જમા થાય છે. એમાં રાખેલા ખોરાકને આરોગવામાં આવે તો પાચન સંબંધિત બીમારીઓનું જોખમ વધે છે. ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલાઓ, નાનાં બાળકો અ‌ને વરિષ્ઠ નાગરિકો માટે આ ટ્રેન્ડ જોખમકારક માનવામાં આવે છે. તેથી એને બૅલૅન્સ કરવામાં આવે ત્યારે જ ફ્રિજસ્કેપિંગ તમને ફાયદો આપશે.

શું કરી શકાય?

ફ્રિજના ઇન્ટીરિયરને સજાવવા એવી ચીજોની પસંદગી કરવી જોઈએ જેમાં ફ્રિજની ચીજો રાખવામાં સરળ પડે. જેમાં બૅક્ટેરિયા જમા થવાના ચાન્સ હોય અને હાનિકારક કેમિકલ નીકળતા હોય એવી જેમ કે ઍસ્થેટિક ફીલિંગ આપતી ફોટોફ્રેમ, કલરવાળા ડેકોરેટિવ બાઉલ, સજાવટમાં મુકાતાં કાર્ટૂન જેવી સજાવટની ચીજોથી દૂર રહેવું.

ફ્રિજની સાઇઝના હિસાબથી હવાની અવરજવર થઈ શકે એ રીતે ગોઠવણી કરવી જોઈએ. સજાવવાની લાયમાં ક્યાંક ફ્રિજની અંદર બૅક્ટેરિયાનું ઘર ન બની જાય એનું ધ્યાન રાખવું.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2024 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK