જ્યારે ચહેરા પર ત્વચાનાં છિદ્રો ખૂલવા લાગ્યાં હોય, ખીલ કે કંઈક વાગ્યાનો ડાઘ હોય, સ્ટ્રેચ માર્ક્સ હોય કે પછી કરચલીઓ પડવા લાગી હોય ત્યારે સ્કિન સ્પેશ્યલિસ્ટ્સ આ ખાસ થેરપી કરવાનું સજેસ્ટ કરે છે.
માઇક્રોનીડલિંગ થેરપી
‘યમ્મી-મમ્મી’ અને ‘સંતૂર મૉમ’ જેવા શબ્દો સોશ્યલ મીડિયા પર બહુ ટ્રેન્ડિંગ છે. મહિલા હોય કે પુરુષ, દરેકને યુવાન દેખાવાની ઘેલછા તો હોય છે પણ આ રેસમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ દેખાય છે. યંગ ઍન્ડ બ્યુટિફુલ દેખાવા માટે આપણે બધા જ અવનવા પ્રયોગો કરતા રહીએ છીએ ત્યારે હવે માર્કેટમાં એક બ્યુટી થેરપી ખૂબ ટ્રેન્ડિંગ છે અને એ છે માઇક્રોનીડલિંગ થેરપી, જે કૉલેજન ઇન્ડક્શન થેરપી તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે આ થેરપી એક્સપર્ટ્સની દેખરેખમાં એટલે કે ડર્મેટોલૉજિસ્ટની હાજરીમાં કરવામાં આવે છે. પણ હાલમાં માઇક્રોનીડલિંગની હોમકિટ ઘણી ઈ-કૉમર્સ સાઇટ પર ધૂમ વેચાઈ રહી છે. હેરકલર શૅમ્પૂ, હોમ ફેશ્યલ કિટની જેમ જ માઇક્રોનીડલિંગ હોમકિટનું વેચાણ વધ્યું છે ત્યારે ખરતા વાળ અને વધતી ઉંમર અટકાવવા માટે કોઈ પણ એક્સપર્ટનાં સલાહસૂચન વગર આવી થેરપી ઘરે કરવી કેટલી યોગ્ય છે એ જાણવાનો એક પ્રયાસ કરીએ.



