ડ્રેસ સીવડાવ્યા પછી બચેલું વેસ્ટ મટીરિયલ ફેંકી દેવાને બદલે એમાંથી જ તમે જાતે બ્રેસલેટ, ઇયર-રિંગ્સ કે નેકપીસ બનાવી શકો છો
કાપડના વેસ્ટમાંથી બનતી જ્વેલરી
ડ્રેસ સીવડાવ્યા પછી બચેલું વેસ્ટ મટીરિયલ ફેંકી દેવાને બદલે એમાંથી જ તમે જાતે બ્રેસલેટ, ઇયર-રિંગ્સ કે નેકપીસ બનાવી શકો છો. આ ક્રીએટિવિટીથી બનેલી ફૅબ્રિક જ્વેલરી પૉકેટ-ફ્રેન્ડ્લી અને ઇકો-ફ્રેન્ડ્લી તો છે જ, પણ બીજો પ્લસ પૉઇન્ટ એ કે સ્કિન પર કોઈ પણ પ્રકારનું ઇરિટેશન કે રીઍક્શન થવાની શક્યતા નહીંવત્ છે.
ફૅન્સી ઇમિટેશન જ્વેલરી તો છેક હવે આવી, પણ ભારતીય સ્ત્રીઓ તો પ્રાચીન યુગથી જ ફૂલોનાં, કાપડનાં, કોડી કે આભલાનાં કે પછી મોતીનાં બનેલાં આભૂષણો પહેરતી આવી છે. જોકે હવે એમાં કાપડની ટ્રેન્ડી ઍક્સેસરીઝ જબરદસ્ત ચાલે છે. આ જ્વેલરી હાથેથી બનાવેલી હોય છે એટલે કે એના દરેકેદરેક ભાગમાં બનાવનારનો વ્યક્તિગત સ્પર્શ હોય છે. બનાવવામાં એટલી સહેલી છે કે તમે પોતે પણ એ બનાવવામાં હાથ અજમાવી શકો.
ADVERTISEMENT
પૉકેટ-ફ્રેન્ડ્લી અને ઇકો-ફ્રેન્ડ્લી
આ પ્રકારની જ્વેલરીની અનેક વિશિષ્ટતા છે. સૌથી મહત્ત્વનું એ કે એ ઇકો-ફ્રેન્ડ્લી છે અને અન્યની સરખામણીએ ભાવમાં ખૂબ રીઝનેબલ છે, કારણ કે એ ખૂબ જ ઓછા પૈસામાં બની જાય છે. આ પ્રકારની જ્વેલરીથી સ્કિનને કોઈ પણ પ્રકારની તકલીફ કે ઇરિટેશન થવાની શક્યતા ઝીરો છે. સામાન્ય રીતે કપાસ, દોરા, રેશમ, શણ, કૉટન કે પછી સિલ્ક અને અન્ય અનેક પ્રકારના કાપડનો તેમ જ વસ્તુઓનો ઉપયોગ આ જ્વેલરી બનાવવામાં થઈ શકે છે. એ વિશે જ્વેલરી-ડિઝાઇનર નેહા ભાનુશાલી કહે છે, ‘ઍક્ચ્યુઅલી ઇટ્સ વેરી ઈઝી ટુ મેક ફૅબ્રિક જ્વેલરી. થોડું કાર્ડબોર્ડ, કોઈ કાપડ, ગમ, સોયદોરો અને થોડોક ડેકોરેશનનો સામાન હોય એટલે ઘણું. જે શેપનો દાગીનો બનાવવો હોય એ પહેલાં કાર્ડબોર્ડ પર દોરીને શેપમાં કટ કરી લેવાનો, પછી એના પર કાપડ ચીટકાવવાનું અને પછી ડેકોરેશન કરવાનું. ડેકોરેશન માટે કહીએ તો સ્કાય ઇઝ ધ લિમિટ જેવું છે.’
ઘરમાં જ વેસ્ટેજ મળી જશે
માર્કેટમાં બહુ જ સરળતાથી અને સસ્તામાં જ્વેલરી-મેકિંગમાં ખપ પડે એવો સામાન મળી રહે છે. જોકે ઘરમાંથી પણ રૉ મટીરિયલ કઈ રીતે શોધી લેવાય એનો ક્રીએટિવ આઇડિયા આપતાં નેહા કહે છે, ‘શરૂઆતમાં તો તમે ઘરમાંથી જ કાચો સામાન શોધી લઈ શકો છો. ધારો કે તમારું બ્રેસલેટ તૂટી ગયું છે તો એના પાર્ટ્સ છુટ્ટા પાડીને ઇયર-રિંગ્સ બનાવી શકાય, સાડીમાં લેસ લગાવ્યા પછી એકાદ ટુકડો વધી પડ્યો છે એમાંથી નેકપીસ બની શકે. કોઈ સાડી કે ડ્રેસ ખરાબ થઈ ગયા છે પણ બૉર્ડર સરસ પડી છે કે પલ્લુની ડિઝાઇન સુંદર છે તો એ વાપરો. ટૂંકમાં ફૅબ્રિક જ્વેલરીમાં અનેક શક્યતાઓ છે, અઢળક પ્રયોગો કરી શકાય. તમારી કલ્પનાશક્તિને કામે લગાડો. બેચાર વખતમાં તો સરસ ફિનિશિંગવાળી વસ્તુઓ બનાવતાં આવડી જશે.’
થીમ-બેઝ્ડ જ્વેલરી
આજકાલ તો થીમ-બેઝ્ડ જ્વેલરી બનાવવાનો ટ્રેન્ડ પણ છે એમ જણાવતાં નેહા કહે છે, ‘હલ્દી સેરેમની હોય તો ઘરની બધી જ મહિલાઓ એકસરખાં ઝૂમખાં પહેરે અને મહેમાનોને ભેટમાં પણ આપે. એટલે આવાં એકસરખાં ઝૂમખાંના મોટા ઑર્ડર આવે. સીમંત હોય તો એ પ્રકારની થીમની વસ્તુઓ બનાવડાવે. તમને શરૂઆત કરવા એક ટિપ આપું. ઇક્કત અને અજરખની આજકાલ ફૅશન છે. આ કાપડમાંથી બનેલી જ્વેલરીની ખૂબ માગ છે. તમારી પાસે એવા કોઈ ફૅબ્રિકનો ટુકડો પડ્યો હોય તો કરો કંકુના.’

