તમારા ઘરને સુંદર બનાવવા માટે બહુ મોટો ખર્ચ કરવાની કે ઘરનું સ્ટ્રક્ચર બદલવાની જરૂર નથી. કલર બ્લૉકિંગ જેવી નાની પરંતુ ઇફેક્ટિવ ટેક્નિકથી તમે ઘરમાં નવી ઊર્જા અને સુંદરતા ઉમેરી શકો છો
ઘરનો લુક બદલવો છે? તો ટ્રાય કરો ટ્રેન્ડી કલર બ્લૉકિંગ ટેકનિક
ઘણી વાર આપણને ઘરના એકના એક લુકથી કંટાળો આવવા લાગે છે અને મન થાય છે કે ઘરનું ઇન્ટીરિયર બદલી નાખીએ. જોકે મોટા ભાગના લોકો એવું માને છે કે ઘરને નવો અને મૉડર્ન લુક આપવા માટે લાખો રૂપિયાનું મોંઘું ફર્નિચર ખરીદવું પડે અથવા તો આખા ઘરમાં નવો કલર કરાવવો પડે. જો તમે પણ આવું વિચારતા હો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘરનું વાતાવરણ અને લુક બદલવા માટે આખા ઘરમાં ફેરફાર કરવાની જરૂર નથી હોતી. માત્ર એક દીવાલ પર થોડો સર્જનાત્મક પ્રયોગ કરવાથી આખા રૂમનો લુક અને એનર્જી બદલાઈ જાય છે. હાલમાં હોમ ડેકોરની દુનિયામાં કલર બ્લૉકિંગનો ટ્રેન્ડ ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.
કલર બ્લૉકિંગ એટલે શું?
ADVERTISEMENT
અગાઉના સમયમાં આખી દીવાલ પર એક જ કલર કરવામાં આવતો હતો, પરંતુ કલર બ્લૉકિંગ એ એક એવી હોમ ડેકોર ટેક્નિક છે જેમાં દીવાલ પર અલગ-અલગ બ્રાઇટ અથવા કૉન્ટ્રાસ્ટ કલર્સના જિયોમેટ્રિક શેપ્સ જેમ કે ચોરસ, વર્તુળ, ત્રિકોણ કે ત્રાંસી લીટીઓ દોરીને એક યુનિક અને આકર્ષક વિઝ્યુઅલ ઇફેક્ટ ઊભી કરવામાં આવે છે. આ ટેક્નિકમાં બે કે એથી વધુ રંગોને એકસાથે એવી રીતે મૂકવામાં આવે છે કે એ દીવાલ પર અલગ-અલગ બ્લૉક્સ અથવા પૅટર્ન બનાવે છે. આનાથી રૂમમાં આર્ટિસ્ટિક અને મૉડર્ન વાઇબ્સ આવે છે.
કલર બ્લૉકિંગના મુખ્ય ફાયદાઓ
ઓછા બજેટમાં નવો લુક : આખા રૂમમાં કલર કરાવવા કરતાં માત્ર એક દીવાલ પર કલર બ્લૉકિંગ કરવાથી ખર્ચ ખૂબ જ ઓછો થાય છે અને રૂમનું મેકઓવર જલદી થઈ જાય છે.
જગ્યાનો યોગ્ય ઉપયોગ : જો તમારો હૉલ કે રૂમ નાનો હોય તો કલર બ્લૉકિંગ દ્વારા તમે એક જ રૂમમાં અલગ-અલગ ખૂણાઓ નક્કી કરી શકો છો. જેમ કે સ્ટડી ટેબલ પાછળ એક કલર આર્ચ બનાવીને એને સ્ટડી-ઝોનનું રૂપ આપી શકાય.
ખાલી દીવાલ બનશે આકર્ષણનું કેન્દ્ર : તમારા રૂમની જે દીવાલ સાવ ખાલી અને બોરિંગ લાગતી હોય ત્યાં કલર બ્લૉકિંગ કરવાથી એ રૂમ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.
તમારી ક્રીએટિવિટી દર્શાવવાની તક : આમાં કોઈ કડક નિયમો નથી હોતા. તમે તમારી પસંદગીના રંગો અને શેપ્સ પસંદ કરીને દીવાલને કૅન્વસની જેમ સજાવી શકો છો.
કલર બ્લૉકિંગ કરવાની
સરળ રીતો અને આઇડિયાઝ
જો તમે પહેલી વાર આ ટેક્નિક ટ્રાય કરી રહ્યા હો તો નીચે આપેલા આઇડિયા તમને મદદરૂપ થશે.
૧. હાફ વૉલ કલર બ્લૉકિંગ : આ સૌથી સરળ અને લોકપ્રિય રીત છે. આમાં દીવાલના નીચેના અડધા ભાગમાં ડાર્ક કલર જેમ કે નેવી બ્લુ કે ડાર્ક ગ્રીન અને ઉપરના ભાગમાં લાઇટ કલર જેમ કે વાઇટ કે ઑફ-વાઇટ કરવામાં આવે છે. આનાથી રૂમની ઊંચાઈ વધુ હોય એવો આભાસ થાય છે.
૨. આર્ચ અને સર્કલ્સ : દીવાલ પર દરવાજા જેવો ગોળ આકાર કે મોટું રાઉન્ડ દોરીને એમાં બ્રાઇટ કલર પૂરવો. આ શેપની આગળ તમે કોઈ ઇન્ડોર પ્લાન્ટ, નાનું ટેબલ કે મિરર મૂકી શકો છો. આ લુક હાલમાં ઇન્સ્ટાગ્રામ અને પિન્ટરેસ્ટ પર ખૂબ ટ્રેન્ડિંગ છે.
૩. ડાયગ્નોલ અને જિયોમેટ્રિક લાઇન્સ : જો તમને થોડો બોલ્ડ અને મૉડર્ન લુક પસંદ હોય તો દીવાલ પર ત્રાંસી લીટીઓ દોરીને અલગ-અલગ કલર પૂરી શકો છો. લિવિંગરૂમ કે બેડરૂમની પાછળની દીવાલ માટે આ બેસ્ટ ઑપ્શન છે.
૪. દરવાજા કે બારીની આસપાસ બ્લૉકિંગ : માત્ર દીવાલ જ નહીં, રૂમના દરવાજા કે બારીની કિનારીઓ પર કલર બ્લૉકિંગ કરીને એને આખા રૂમથી અલગ અને ક્યુટ લુક આપી શકાય છે.
સાચો રંગ પસંદ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો
કૉન્ટ્રાસ્ટ કલર્સ પસંદ કરો : જો તમારી દીવાલનો બૅકગ્રાઉન્ડ કલર લાઇટ હોય - જેમ કે ક્રીમ કે વાઇટ તો બ્લૉકિંગ માટે મસ્ટર્ડ યલો, બૉટલ ગ્રીન, ટેરાકોટા, કે રસ્ટ ઑરેન્જ જેવા બ્રાઇટ રંગો પસંદ કરો.
લાઇટિંગનું ધ્યાન રાખો : રૂમમાં સૂર્યપ્રકાશ કેવો આવે છે એ મુજબ રંગો નક્કી કરો. નાના કે અંધારા રૂમ માટે બહુ ડાર્ક કલર વાપરવાનું ટાળો. નહીં તો રૂમ વધુ નાનો લાગશે.
પેઇન્ટર ટેપનો ઉપયોગ કરો : જાતે કલર બ્લૉકિંગ કરતી વખતે શાર્પ અને ક્લીન લાઇન્સ મેળવવા માટે માસ્કિંગ ટેપ અથવા પેઇન્ટર ટેપનો ઉપયોગ ચોક્કસ કરો.
