Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > કરો અદ્ધમનું તપ, તો છૂટે કર્મની લપ...

કરો અદ્ધમનું તપ, તો છૂટે કર્મની લપ...

28 August, 2022 12:50 PM IST | Mumbai
Kalaprabhsagarsurishwarji Maharaj Saheb

અદ્ધમના તપ દ્વારા અષ્ટવિધ કર્મોના અંતિમ સંસ્કાર કરીને સિદ્ધિનાં શાશ્વત સુખોનું સર્જન કરવાનો અદ્ભુત આદર્શ આપતા પવિત્ર પર્વાધિરાજ પર્યુષણનો આજે પાંચમો દિવસ

કરો અદ્ધમનું તપ, તો છૂટે કર્મની લપ... મહાપર્વ પર્યુષણ - મહાવીર વાણી જ્ઞાન

કરો અદ્ધમનું તપ, તો છૂટે કર્મની લપ...


પર્વાધિરાજનાં પાંચ કર્તવ્યોમાંના ચોથા કર્તવ્ય અદ્ધમ તપ પર આપણે વિષદ વિચારણા કરીશું.
વર્તમાનકાળ એટલે હળાહળ કલિકાલ, એમાંય આપણા પ્રમાદબહુલ જીવનમાં ડગલે ને પગલે પાપનાં પોટલાં બંધાતાં હોય. આવા સમયે પ્રભુએ આપણા એક વર્ષમાં જાણે-અજાણે થઈ ગયેલાં પાપને બાળવા માટે પર્યુષણના કર્તવ્યરૂપે અદ્ધમ તપ દર્શાવ્યું છે. જેની શારીરિક ક્ષમતા અદ્ધમની સળંગ ત્રણ ઉપવાસની ન હોય તેણે છૂટા ત્રણ ઉપવાસ, એ શક્ય ન હોય તો ૬ આયંબિલ, ૧૨ એકાસણાં, ૨૪ બિયાસણા કાં તો છેલ્લે ૬૦ બાધાપારાની નવકારવાળી કરવી. આ બધા ઑપ્શનમાંથી યથાશક્તિ કરી અદ્ધમ તપના કર્તવ્યને બજાવવાનું હોય છે.
તપેલીને તપાવવાથી જેમ અંદર રહેલું દૂધ પણ ગરમ થઈ જાય છે એમ શરીરને તપ દ્વારા તપાવવાથી અંદર રહેલું આત્મદ્રવ્ય તપે છે, પરિણામે સુવર્ણની જેમ નિર્મળ થાય છે.
તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ ૫૪ વરસીતપ (એક વર્ષ સુધી એકાંતરા ઉપવાસ) કરી અને તપસમ્રાટ પ.પૂ.આ.ભ શ્રીમદ વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબે સળંગ ૧૮૦ ઉપવાસ પાંચ વખત કરી સમગ્ર વિશ્વમાં જિનશાસનનો ડંકો વગાડ્યો છે.
તપની વૈચારિક કક્ષા આશયશુદ્ધિ વિશે શ્રી દશ વૈકાલિક સૂત્ર નામના આગમ ગ્રંથમાં આ રીતે નિર્દેશ છે... 
‘તપ આ લોકના સુખ-ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ન કરાય અને પરલોકનાં સ્વર્ગાદિ સુખોની પ્રાપ્તિ માટે પણ ન કરાય, યશ-કીર્તિ નામના માટે પણ ન કરાય, તપ માત્ર કર્મ નિર્જરાના લક્ષ્યથી કરાય.’
આત્માનાં ભવોભવનાં કર્મોને બાળનારું તપ તનના સ્તરે રોગોને દૂર કરે છે, મનના સ્તરે વિકારોને હણે છે અને જીવનના સ્તરે વિઘ્નોને હરે છે. 
અદ્ધમતપનું ચમત્કારિક ફળ બતાવતા અષ્ટાન્હિકા સૂત્રના કર્તા નાગકેતુનું દૃષ્ટાંત વર્ણવે છે. 
પૂર્વ ભાવમાં સાવકી માતાના હાથે કદર્થના પામતો નાગકેતુનો જીવ ખૂબ પરેશાન થઈ ગયો. તેણે મિત્રને ફરિયાદના સૂરમાં બધી હકીકત જણાવી. કલ્યાણ મિત્ર હોવાના નાતે મિત્રએ કહ્યું, 
‘પૂર્વભવમાં તેં તપ નહીં કર્યાં હોય માટે જ આવું થાય છે.’ 
તેણે પણ વાત સ્વીકારીને જવાબ આપ્યો,
‘આવતા પર્યુષણમાં હું અદ્ધમ તપ કરીશ.’ 
એવા હાર્દિક ભાવપૂર્વક તે ઘાસની ઝૂંપડીમાં સૂઈ ગયો. સાવકી માએ સારો મોકો જોઈને ઝૂંપડીને બાળી નાખી. તપ ધર્મના શુભભાવમાં મૃત્યુ પામી તે ચંદ્રકાંતા નગરીમાં એક શેઠને ત્યાં જન્મ પામ્યો. માતા-પિતા ધર્મશીલ હતાં માટે જ પર્યુષણ નજીક આવતાં ઘરમાં અદ્ધમ તપની વાતો થવા લાગી. તાજા જન્મેલા બાળકના કાને વાત પડતાં તેના તપના સંસ્કાર જાગ્રત થયા. તેને જાતિ સ્મરણ જ્ઞાન (પૂર્વભવની સ્મૃતિ) પ્રાપ્ત થયું. તેણે પણ અદ્ધમ તપ આદર્યાં.
આત્મબળ મજબૂત હોવા છતાં શારીરિક બળ મર્યાદિત હોવાને કારણે તે મૂર્છિત થયો. મૂર્છા પામેલા બાળકને મૃત જાણીને શેઠે તેને ધરતીમાં દાટી દીધો. એક બાજુ શેઠના દુઃખનો પાર નથી તો બીજી બાજુ ‘અપુત્રીયાનું ધન રાજા ગ્રહણ કરે’ એ નિયમ અનુસાર રાજાના સૈનિકો શેઠના ઘરે આવી પહોંચ્યા.
અહીં બન્યું એવું કે બાળકના અદ્ધમ તપના પ્રભાવે ધરણેન્દ્ર દેવનું આસન કંપ્યું. બાળકને જમીનમાંથી બહાર કાઢીને બ્રાહ્મણનું રૂપ ગ્રહણ કરી ધરણેન્દ્ર રાજાને શેઠનું ધન લેતા અટકાવ્યા. એ પછી ધરણેન્દ્રએ પોતાનું રૂપ પ્રગટ કર્યું. બાળકનું પૂર્વવૃત્તાંત કહીને તેણે આદરેલા અદ્ધમ તપની ભાવપૂર્વક અનુમોદના કરી. નાગરાજની આવી ચમત્કારિક સહાય પ્રાપ્ત થવા બદલ તેનું નામ નાગકેતુ પાડવામાં આવ્યું. એ જ ભવને અંતે કેવળજ્ઞાન અને મોક્ષની લક્ષ્મી સામે ચાલી નાગકેતુના કંઠમાં વરમાળા આરોપવા આપી.
તાત્પર્યાર્થ એટલો જ છે કે તપના પ્રભાવે અવળા પાસા પણ સવળા પોબાર પડે છે. તપસ્વીઓને દેવો પણ નમસ્કાર અને સહાય કરે છે અને તપ ધર્મ સર્વ કર્મનો અંત કરી જીવને મુક્તિગામી બનાવે છે. વર્તમાનકાળમાં પણ ૨૫૦૦થી અધિક અદ્ધમનાં તપસ્વી સુશ્રાવિકા દર્શનાબહેન અને ૧૮૦૦થી અધિક અદ્ધમનાં તપસ્વી સુશ્રાવિકા પુષ્પાબહેન સાંગલીની ભૂરી ભૂરી અનુમોદના.
જ્યાં એક જ હોટેલમાં ચાઇનીઝ, જૅપનીઝ, મેક્સિકો, ઇટાલિયન જેવા વિવિધ દેશોની ડિશો ઉપલબ્ધ છે અને ‘ખાઉધરા ગલી’ નામની ગલીઓમાં ૯૦થી ૧૦૦ પ્રકારના ઢોસા ખાવા લોકોની ભીડ ઊમટે છે એવા વિલાસી કલિકાલમાં ૭ વર્ષનો નાનકડો ટેણિયો માસક્ષમણ (૩૦ ઉપવાસ) કરે. ત્રણ વર્ષનો બાબલો અઠ્ઠાઈ કરે. યુવાનથી લઈને બાપાઓ સુધી સૌકોઈ તપધર્મનાં ભવ્ય અને દિવ્ય શિખરો સર કરવા ઉત્સુક થાય એ પ્રભાવ ધર્મમય ભારતીય સંસ્કૃતિનો, જયવંતા જિનશાસનનો અને પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો છે.
એક નાનકડી છેલ્લી મહત્ત્વની ટકોર કરીને મારો લેખ પૂર્ણ કરું છું. તપસ્યા કરનાર તપસ્વીઓ, ખરેખર તપ એ સિદ્ધશિલાએ પહોંચવાનું, આત્મા સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું છે, પણ લક્ષ્ય દૃઢપણે બંધાવું જોઈએ. 
ઉપ = નજીકમાં, વાસ= વસવું. 
આત્માની નજીકમાં વસવાટ કરે તેનો જ ઉપવાસ સાર્થક છે એમ શાસ્ત્રકારો કહે છે માટે તપ સાથે મૌન-જાપ-પ્રવચન શ્રવણ-જિનાજ્ઞા પાલનાદિ શુભયોગો દ્વારા શુદ્ધ આત્માની પ્રાપ્તિ માટે ધ્યાન અને કાયોત્સર્ગની ઊંડી સાધના કરી સૌકોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં ગતિશીલ-પ્રગતિશીલ બનજો એ જ અંતિમ સંદેશ.

લેખાંકન પ. પૂ.આ. ભ. શ્રી મહોદયસાગરસૂરીશ્વરજી મ. સા.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2022 12:50 PM IST | Mumbai | Kalaprabhsagarsurishwarji Maharaj Saheb

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK