જગદગુરુની ઉપમા જ દર્શાવે છે કે કૃષ્ણ પાસેથી શીખવા જેવું ઘણું એટલે ઘણું છે
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વસુદેવસુતં દેવં, કંસ ચાણુરમર્દનમ્;
દેવકી પરમાનન્દં, કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્...
ભગવાન શ્રીકૃષ્ણને પૂર્ણ અવતાર તો કહ્યા જ છે, પરંતુ શ્રીકૃષ્ણને જગતગુરુરૂપે પણ આપણે વંદન કરીએ છીએ. જગદગુરુની ઉપમા જ દર્શાવે છે કે કૃષ્ણ પાસેથી શીખવા જેવું ઘણું એટલે ઘણું છે. શ્રેષ્ઠ ગુરુ એ છે કે પોતાના આચરણથી શીખવાડે, માત્ર પોતાના ઉપદેશથી નહીં. ભગવાન શ્રીકૃષ્ણનું જીવન પણ આપણને ઘણું શીખવી જાય છે અને તેમણે કહેલી વાણી જે ભગવદ્ગીતારૂપે આપણી સમક્ષ છે એ પણ ચાલક માટે ક્ષણેક્ષણે માર્ગદર્શકનું કામ કરી જાય છે. ભગવદ્ગીતા એ મહાભારતનો જ એક અંશ છે. શ્રીમદ ભાગવત ગીતામાં પણ જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના અંગત સખા શ્રી ઉદ્ધવજીને જ્ઞાનોપદેશ કરે છે. ત્યાં પણ જગદ્ગુરુ શ્રીકૃષ્ણની એક ઉપદેશકની ભૂમિકા આપણને દેખાય છે. ભગવદ્ગીતાની વિશિષ્ટતાઓને જીવનનો હિસ્સો બનાવતા રહીએ એ અનિવાર્ય છે.
ADVERTISEMENT
આપણા સનાતન ધર્મમાં સૌથી ઉપર સ્થાન મળ્યું છે પ્રસ્થાનત્રયીને. જેમાં પહેલા નંબરે આવે ઉપનિષદો એટલે કે વેદોનો સાર, બીજા નંબરે જગદગુરુ શ્રીકૃષ્ણની વાણી એટલે ભગવદ્ગીતા અને ત્રીજા નંબરે આવે ભગવાન ભાદરાયણે વેદોની અંદર જણાતી વિસંગતિઓને દૂર કરીને સંગતિ બેસાડવા માટે રચેલો ગ્રંથ બ્રહ્મસૂત્ર. સનાતન ધર્મમાં આ ત્રણને પ્રસ્થાનત્રયી કહે છે. પ્રસ્થાનત્રયી એટલે આપણા સનાતન ધર્મની સુપ્રીમ કોર્ટ છે. કોઈ પણ પ્રશ્ન હોય તો એનું અંતિમ સમાધાન પ્રસ્થાનત્રયીના આધારે પ્રાપ્ત કરવાનું પરંપરાથી ચાલતું આવ્યું છે. સનાતન ધર્મની આચાર્ય પરંપરાના દિગ્ગજો જેમાં ભગવાન આદ્ય શંકરાચાર્યજી હોય, શ્રી રામાનુજાચાર્યજી હોય, શ્રી વલ્લભાચાર્યજી હોય કે શ્રી માધવાચાર્યજી હોય - આચાર્ય પરંપરાના આ બધા જ મહાન આચાર્ય પુરુષોએ પોતપોતાના મતોની પુષ્ટિ આ પ્રસ્થાનત્રયીના આધારે કરી છે. જે પ્રસ્થાનત્રયીમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલાં વાક્યોનો જ સાર છે. આપણે એ ઉપદેશવચનોનું સતત પઠન, ચિંતન કરતા અને એના તાત્પર્યને સમજી એ અનુસાર આધ્યાત્મિક માર્ગદર્શન મેળવતા રહ્યા છીએ. ભગવાન શ્રીકૃષ્ણએ આચરણ દ્વારા ઉપદેશ આપ્યો. તેમણે માત્ર વાતોનાં વડાં નથી કર્યાં, પરંતુ કહ્યું એ મુજબ કર્યું પણ ખરું. આગળ કહ્યું એમ શ્રેષ્ઠ ગુરુ એ છે જે પોતાના આચરણ દ્વારા ઉપદેશ આપે છે. એ દૃષ્ટિએ જોઈએ તો ભગવાન શ્રીકૃષ્ણનું સંપૂર્ણ જીવન એ જ એક શ્રેષ્ઠ ઉપદેશ છે. જે રીતે કૃષ્ણ જીવ્યા, તેમણે જે ધ્યેય સાથે લીલાઓ કરી અને એ દરમ્યાન તેમણે જે જગતકલ્યાણના માર્ગ બતાવ્યા એ બધું જ આચરણ સાથેનો ઉપદેશ છે. ભગવાન કૃષ્ણને માત્ર જાણીએ, સમજીએ અને અનુસરીએ તો પણ ધર્મના માર્ગ પર આપણી ગતિ સહજ થઈ જાય.
- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા (પ્રખર ભાગવતકાર ભાઈશ્રી ભાગવત-પ્રસાર ઉપરાંત પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મભાવના જગાડવાનું કામ કરે છે)