માણસ શિક્ષિત હોય કે અશિક્ષિત, તેની પ્રકૃતિ (સ્વભાવ) તેને ઉત્તમ, મધ્યમ કે નીચ બનાવતી હોય છે એ ભૂલવું ન જોઈએ. ઉત્તમ થવા માટે લાંબો ઘૂંઘટ તાણવો જરૂરી નથી
પ્રતીકાત્મક તસવીર
માણસ શિક્ષિત હોય કે અશિક્ષિત, તેની પ્રકૃતિ (સ્વભાવ) તેને ઉત્તમ, મધ્યમ કે નીચ બનાવતી હોય છે એ ભૂલવું ન જોઈએ. ઉત્તમ થવા માટે લાંબો ઘૂંઘટ તાણવો જરૂરી નથી. ઉઘાડા માથાવાળી કે વાળ કપાવેલી સ્ત્રી પણ ઉત્તમ થઈ શકે છે. ઉત્તમતા રૂઢિઓમાં કેદ નથી થતી. રૂઢિવાદીઓને રૂઢિઓ સિવાય ઉત્તમતા ન દેખાય તો એમાં તેમનો જ દોષ કહેવાય. સાઇકલ, સ્કૂટર કે કાર ચલાવનાર સ્ત્રી માત્ર એ જ કારણે કાંઈ અધમ થઈ જતી નથી, એમ ઘરમાં પુરાઈ રહેનારી સ્ત્રી માત્ર એ જ કારણે મહાન નથી થઈ જતી.
પહેલાં અનિવાર્યપણે સંયુક્ત કુટુંબ રાખવું પડતું. રહેવા માટે બીજું ઘર ન હોય, ખેતી વગેરે ધંધો સાથે જ હોય એટલે લોકો એક જ ઘરમાં સાથે રહેતા. આવું સંયુક્ત કુટુંબ ઘણી જગ્યાએ સફળ પણ રહેતું. સૌ હળીમળીને-સંપીને વર્ષો સુધી સાથે રહેતા, પણ બધાં જ સંયુક્ત કુટુંબ સંપીને રહી શકતાં નહીં. સાસુ-વહુના ઝઘડા, નણંદ-ભોજાઈના ઝઘડા, ભાઈ-ભાઈના ઝઘડા થકી કુટુંબોમાં ભારે કલેશ રહેતો. કેટલીક વાર આ કલેશ એટલો વધી જતો કે કુટુંબના એકાદ માણસે આત્મહત્યા કરવી પડતી. મા પોતાના દીકરાને નવી આવેલી પત્ની વિરુદ્ધ કાનભંભેરણી કરતી અને દીકરો પોતાનું પૌરુષ બતાવવા વહુને ઝૂડી નાખતો. લોકો તથા ધર્મવાળા પણ સ્ત્રીને તાડન કરવાની વાતો શીખવતા. કેટલીક સ્ત્રીઓ માટે તો ભયંકર અત્યાચારોનું નામ જ લગ્ન બની જતું. અસંખ્ય ગૂંગળાતાં રિબાતાં જીવન, જીવન કરતાં મૃત્યુની જ પ્રતીક્ષા કરતાં રહેતાં. આજે પણ આ દુ:ખ સદંતર મટી ગયાં નથી, પણ હવે સ્ત્રીઓની સંસ્થાઓ થઈ ગઈ છે. કોઈ પણ રિબાતી સ્ત્રી માટે આ સંસ્થાઓ કાયદાકીય પગલાં ભરી શકે છે, પોતાને ત્યાં આશ્રય આપી શકે છે અને સ્ત્રીના જીવનને બચાવી શકે છે. પહેલાં તો દુખી સ્ત્રી માટે સાસરું અને પિયર સિવાય પગ મૂકવાની ત્રીજી એક જ જગ્યા હતી અને એ હતો ગામનો કૂવો. હવે આવી દુર્ભાગી સ્ત્રીઓ પાસે પીટીસી, સિવણ ક્લાસ, મૉન્ટેસરી જેવી પરીક્ષા સંસ્થાઓ અપાવડાવે છે, જે તેમને પગભર થઈને સ્વમાનપૂર્વક જીવન જીવવાની તક પૂરી પાડે છે.
ADVERTISEMENT
પહેલાં ત્યજી દીધેલી સ્ત્રી ત્યક્તા બનીને પિયરમાં મા-બાપ અને ભાઈ-ભાભીનો જો સહારો મળે તો તેમના સહારે લાચાર તથા કરમાયેલું જીવન જીવતી. તે ફરી પરણી નહોતી શકતી. પણ હવે ત્યક્તાઓને પણ ફરી પરણાવી શકાય છે. મા-બાપ તથા ભાઈ-ભાભી તેના ભારથી મુક્ત બને છે અને તે પોતે કરમાયેલા જીવનને ખીલવી શકે છે.

