આ લોકોને એટલું જ કહેવાનું કે માત્ર ધન, અન્ન કે વસ્ત્રદાન થાય એવું નથી. દાનના બીજા અનેક પ્રકાર છે.
ફાઇલ તસવીર
કેટલાક લોકો એવું માનતા હોય છે કે દાન-પુણ્ય તો રઈસ લોકો જ કરી શકે, આપણે તો એક સાંધીએ ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ હોય ત્યાં દાન-ધર્મ ક્યાંથી યાદ આવે?
આ લોકોને એટલું જ કહેવાનું કે માત્ર ધન, અન્ન કે વસ્ત્રદાન થાય એવું નથી. દાનના બીજા અનેક પ્રકાર છે.
ADVERTISEMENT
અમારી બાજુમાં એક બી. કોમ. યુવાન રહેતો હતો. તેને પગાર મળે એમાંથી ઘરખર્ચ સારી રીતે ચાલે, પણ દાન-પુણ્ય કરી શકે એવી બચત નહીં. જોકે તે તેની બાજુમાં રહેતા ગરીબ છોકરાઓને રોજ એક કલાક મફત ભણાવતો હતો. આ થયું વિદ્યાદાન.
કોઈને પૈસારૂપે દક્ષિણા આપીએ તો એ થોડા દિવસ ચાલે, અન્ન ભરી આપીએ તો મહિનો ચાલે અને વસ્ત્રો આપીએ તો બહુ-બહુ તો વરસ ચાલે; પણ કોઈને વિદ્યા આપીએ તો એ વિદ્યા જીવનભર ચાલે. તે સારા માર્ક્સે પાસ થાય. સારી રોજીરોટી આપતી નોકરી મેળવી શકે. વ્યવસાય કરી શકે. કાયમી આવક ઊભી કરી શકે.
આ રીતે જોઈએ તો આ યુવકે આપેલું વિદ્યાદાન કોઈ શ્રીમંતે આપેલા ધનદાન કરતાં પણ વધી જાય.
એક રિટાયર્ડ ઑફિસર પોતાની આવડતનો ઉપયોગ વળી અલગ રીતે કરતા હતા. તેઓ સવારે બૅન્કમાં જાય અને ત્યાં કોઈ અભણ મહિલા-પુરુષને ચેક ભરતાં, સ્લિપ ભરતાં કે ફૉર્મ ભરતાં ન આવડતું હોય તો ભરી આપે. બૅન્કિંગના કામમાં સમજણ આપે, મદદ કરે. આમ પોતાના સમયનું દાન આપે.
ધનથી જ ઘસાય તે મહાન છે એવું નથી; ઘણા લોકો તન, મનથી પણ ઘસાતા હોય છે.
અભણ અને ગરીબ લોકો પણ દાન કરી શકે છે. એક વીસ વર્ષનો છોકરો ચર્ચગેટની કોઈ પ્રાઇવેટ ઑફિસમાં જૉબ કરે. રહેવાનું વિરારમાં. સવારે વિરારથી બેઠો-બેઠો આવે, પણ વચમાં કોઈ બુઝુર્ગ અશક્ત કે મહિલા ભરચક ડબ્બામાં ચઢે તો પોતે સીટ પર બેઠેલો હોય ત્યાંથી ઊભો થઈ જાય અને તેમને સીટ પર બેસાડે. વળતાં ચર્ચગેટથી ખાલી ડબ્બામાં બેસે અને વિરાર જતાં વચ્ચેના સ્ટેશન પરથી કોઈ જરૂરતમંદને પોતાની સીટ ઑફર કરે. આ પણ એક જાતનું દાન જ થયું. પોતાને મળેલી જગ્યાનું દાન. ગંતવ્ય સ્થાન સુધી એ સીટ તેની માલિકીની હતી. તે વચ્ચેથી ઊભો ન થયો હોત તો પણ તેને કોઈ બોલવાનું નહોતું; છતાંય તે જે માણસાઈ બતાવે છે એ દાદ આપવાને લાયક છે.
જેને કંઈક આપવું છે, જેનામાં કંઈક મદદ કરવાની ભાવના છે તેને એ લાયક કોઈ ને કોઈ તક મળી જ જાય છે.
ઘણા લોકો રજા કે તહેવારના દિવસે કોઈ ને કોઈ સંસ્થા, આશ્રમ કે ગૌશાળાની મુલાકાત લઈ યથાશક્તિ સેવા આપતા હોય છે. કોઈ પણ જાતની અપેક્ષા વગ૨ કરેલાં સેવાકાર્યો એક પ્રકારનું શ્રમદાન છે. પોતાનો કીમતી ટાઇમ આવાં કાર્યો પાછળ રોકીને કરેલું સમયનું દાન છે.
ધનદાન કરવા પાછળ પણ કમાણીનો કેટલો ભાગ ખર્ચો છો એય ઘણું મહત્ત્વનું છે. કોઈ લાખ રૂપિયા કમાતી વ્યક્તિ હજાર રૂપિયાનું દાન કરે તો તેની કમાણીનો એક ટકો દાન પાછળ વાપરે છે, જ્યારે કોઈ મહિને પચીસ હજાર કમાતી વ્યક્તિ હજાર રૂપિયા દાન કરે તો એ તેની કમાણીના ચાર ટકા દાન પાછળ વાપરે છે. આવકની રીતે પહેલી વ્યક્તિ વધુ શ્રીમંત છે, પરંતુ દાન-પુણ્યની રીતે બીજી વ્યક્તિ વધુ દાનવીર ગણાય.
કુંભમેળામાં હજારો બિનસરકારી સંસ્થાઓના લાખો સ્વયંસેવકો ખડે પગે યાત્રાળુઓને સેવા આપી રહ્યા છે. પોતાનાં કામધામ છોડીને નિ:સ્વાર્થ કામ કરી રહ્યા છે. પોતાના સમયનો ભોગ આપી રહ્યા છે, શ્રમ કરી રહ્યા છે. આનાથી મોટું બીજું કયું દાન હોઈ શકે?
રાજા હર્ષવર્ધન કે કર્ણ જેવું ધન, વસ્ત્ર કે અન્નનું દાન ન કરી શકો તો કંઈ નહીં; પણ પોતાને મળેલી વિદ્યા, કુશળતા, બુદ્ધિ કે શક્તિ બીજા માટે ખર્ચો તો એ મહાદાન બની જાય છે.
જે પોતાને મળેલી લક્ષ્મી, વિદ્યા, બુદ્ધિ, શક્તિ કે સત્તાનો ઉપયોગ ફક્ત પોતાના સ્વાર્થ માટે જ કરે છે તે મહાભોગી છે, પરંતુ જે વ્યક્તિ પોતાને મળેલી આ બધી ચીજોનો ઉપયોગ અન્ય માટે કરે છે, પરમાર્થ માટે કરે છે તે મહાયોગી છે. આવી જ વ્યક્તિ ઈશ્વરની નજીક જઈ શકે છે, ઈશ્વરમાં એકાકાર થઈ શકે છે, મોક્ષનો અધિકારી બની શકે છે. કુંભમેળામાં ગયેલી કોઈ પણ વ્યક્તિ પછી તે શ્રીમંત હોય કે ગરીબ; પોતાની પાસે જે કંઈ પણ કૉમોડિટી ઉપલબ્ધ છે એનું દાન કરીને કે ત્યાગ કરીને ચિત્તની શુદ્ધિ કરી શકે છે.
(ક્રમશઃ)

