Shardiya Navratri 2025: નવરાત્રીના નવ દિવસ દરમિયાન અલગ અલગ રંગનાં વસ્ત્રો પહેરવાની પ્રથા જોવા મળતી હોય છે
પ્રતીકાત્મક તસવીર
શારદીય નવરાત્રી (Shardiya Navratri 2025)ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આવનારી નવરાત્રીમાં મોજ કરવા માટે ખેલૈયાઓ અને માતાના ભક્તો પુરેપુરી તૈયારીમાં પણ જોતરાઈ ગયા છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન અલગ અલગ રંગનાં વસ્ત્રો પહેરવાની પ્રથા જોવા મળતી હોય છે. આમ જોઈએ તો નવરાત્રી દરમિયાન કોઈ ચોક્કસ રંગનાં કપડાં પહેરવા પાછળ કોઈ ધાર્મિક કારણ તો નથી જ. તો, આજે તમને અમે જણાવીશું કે આ વર્ષે નવરાત્રીના નવ દિવસ દરમિયાન તમારે કયા દિવસે કયા રંગનાં કપડાં પહેરવાનાં છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે શક્તિની આરાધનાનું પર્વ (Shardiya Navratri 2025) ૨૨મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. નવરાત્રીના પહેલા દિવસે દેવી દુર્ગાની ઘટસ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારબાદ નવ દિવસ સુધી દેવીનાં વિવિધ સ્વરૂપોને પૂજવામાં આવે છે.
ADVERTISEMENT
શક્તિની આરાધના પર્વનો પહેલો દિવસ એટલે સોમવાર, ૨૨મી સપ્ટેમ્બર. આ દિવસે સફેદ રંગનાં વસ્ત્રો પરિધાન કરવામાં આવશે. શ્વેત રંગ મૂળ તો શુદ્ધતા, શાંતિ અને ધ્યાનનો મહિમા ગાય છે.
હવે વાત કરીએ મંગળવાર, ૨૩મી સપ્ટેમ્બરની. આ દિવસે બીજું નોરતું હોઈ સુંદરતા અને નિર્ભયતા દર્શાવનારા લાલ રંગનાં કપડાં પહેરાશે.
વાત કરીએ ત્રીજા નોરતા (Shardiya Navratri 2025)ની. બુધવારે ૨૪મી સપ્ટેમ્બરના રોજ રોયલ બ્લૂ કલરનાં કપડાં પહેરી શકાશે. આ કલર સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
ગુરુવારે એટલે કે ૨૫મી સપ્ટેમ્બરના રોજ આનંદ અને તેજને દર્શાવનાર યલો કલરનાં વસ્ત્રો પહેરવામાં આવનાર છે.
નવરાત્રીનો રંગ બરાબર જમાઈ ગયો હશે અને શુક્રવાર, ૨૬મી સપ્ટેમ્બરે લીલા રંગનાં વસ્ત્રો પહેરવામાં આવશે. લીલો રંગ જોતાં જ આંખને ગમી જાય એવો હોય છે તે વૃદ્ધિ અને ફળદ્રુપતાને દર્શાવે છે.
વાત કરીએ શનિવારે ૨૭મી સપ્ટેમ્બરે કયા કલરનાં વસ્ત્રો પસંદ કરવા તેની. તો છઠ્ઠા નોરતે ગ્રે કલર પસંદ કરાશે. ગ્રે કલર સૌમ્ય હોય છે જે વ્યક્તિને ડાઉન-ટૂ-અર્થ રાખે છે.
સાતમે નોરતે ૨૮મીએ રવિવાર આવે છે અને આ દિવસ માટે ઓરેન્જ કલરની પસંદગી કરવામાં આવી છે. ઓરેન્જ કલર શાંતિ તેમ જ જ્ઞાનનું પ્રતીક છે.
માના આઠમે નોરતે (Shardiya Navratri 2025) સોમવારે ૨૯મી સપ્ટેમ્બરના રોજ પીકોક ગ્રીન કલર છે, જે કરુણા તેમ જ તાજગીના ગુણને દર્શાવે છે.
૩૦મી તારીખના રોજ મંગળવાર આવે છે. અને છેલ્લું નોરતું પણ છે. આ દિવસે પ્રેમ, લાગણી અને જુસ્સાનું પ્રતીક એવા ગુલાબી રંગને પસંદ કરવામાં આવ્યો છે.
આમ, આ વર્ષે શારદીય નવરાત્રી (Shardiya Navratri 2025)ના નવે નવ દિવસ માટે ઉપરોક્ત કલર પસંદ કરવામાં આવ્યા છે. નવરાત્રીના જે તે દિવસે ચોક્કસ રંગનાં કપડાં પહેરવામાં કોલેજ અને ઓફીસના કર્મચારીઓમાં પણ ટ્રેન્ડ જોવા મળે છે. તો, તમે પણ આ વર્ષે નવરાત્રીના દરેક દિવસ દરમિયાન આ ચોક્કસ રંગનાં કપડાં પહેરવા માટે તૈયાર છો ને?


