સાડાબાર વર્ષની ઘોર સાધનાના અંતે વૈશાખ સુદ ૧૦ના દિવસે મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયું. વૈશાખ સુદ-૧૧ના દિવસે વીરપ્રભુએ ધર્મતીર્થની સ્થાપના કરી. આ ધર્મતીર્થ એટલે જ જિનશાસન.
જિન વાણી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ધર્મતીર્થ શબ્દના ચાર અર્થ શાસ્ત્રોમાં આપવામાં આવ્યા છે.
1. ધર્મતીર્થના સ્થાપક શ્રી મહાવીર સ્વામી એટલે જ ધર્મતીર્થ.
2. જેમના મસ્તકે નામક્ષેપ નાખવા દ્વારા ધર્મતીર્થની સ્થાપના કરી તે પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામી એટલે ધર્મતીર્થ.
3. પ્રભુએ આપેલી ત્રિપદી પરથી ગુણધર ભગવંતે રચેલી દ્વાદશાંગી - આગમશાસ્ત્રો.
4. સાધુ-સાધ્વી - શ્રાવક-શ્રાવિકા રૂપ શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ એટલે ધર્મતીર્થ.
ADVERTISEMENT
આમ ચતુર્વિય શ્રી સંઘ પણ ધર્મતીર્થ છે. જિનશાસનની જય એટલે શ્રી સંઘની જય. તીર્થંકર પરમાત્મા પણ સમવસરણ પર આરુઢ થતી વખતે ‘નમો તિથ્થસ્સ’ કહીને તીર્થને વંદન કરે છે. એટલે કે શ્રી સંઘને નમસ્કાર કરે છે. શ્રી સંઘ તીર્થંકર પરમાત્માને પણ વંદનીય છે.
ચતુર્વિધ સંઘ એ રત્નોનો ભંડાર છે. એમાંથી જ ભવિષ્યના તીર્થંકરો, ગણધરો, આચાર્યો, સાધુ ભગવંતો અને વિશિષ્ટ સાધક આત્માઓ પ્રગટે છે. ચતુર્વિધ શ્રી સંઘનો આપણા સહુ ઉપર અનન્ય ઉપકાર છે. પ્રભુ વીર તો શાસનની સ્થાપના કરીને નિર્વાણ પામી ગયા. પ્રભુ વીરના નિર્વાણને હવે ૨૫૫૦ વર્ષનાં વહાણાં વીતી ગયાં એમ છતાં આજે પણ જિનશાસન જયવંતું છે. ૨૫૫૦ વર્ષના કાળપથને વટાવીને આ શાસન અહીં સુધી કેવી રીતે પહોંચ્યું?
નર્મદા નદી તો મધ્ય પ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં પડે છે. એનું પાણી ગુજરાતના ખૂણેખૂણામાં અને છેક અંતરિયાળ ગામો સુધી કનૅલ દ્વારા પહોંચ્યું. તેમ પ્રભુએ સ્થાપેલું શાસન આપણા સુધી જે કનૅલ દ્વારા પહોંચ્યું છે એ કનૅલનું નામ છે ચતુર્વિધ શ્રી સંઘ.
ચતુર્વિધ સંઘના વૃષભસ્કંધો પર આરુઢ થઈને જિનશાસન આપણા સુધી પહોંચ્યું. આ શ્રી સંઘનો કેવો મહાન ઉપકાર છે! ૨૫૫૦ વર્ષના કાળપથ પર થયેલાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓએ પ્રભુના ઉપદેશને અને માર્ગને જીવંત રાખ્યો. પ્રભુ દ્વારા ઉપદિષ્ટ વિવિધ આચારો, અનુષ્ઠાનો, ક્રિયાઓ અને વ્રત-નિયમો કે તપ-ત્યાગ આદિનું આસેવન શ્રી સંઘ કરતો રહ્યો તેથી એ બધો જ અમૂલ્ય વારસો આપણા સુધી પહોંચ્યો છે. જે સંઘ થકી શાસનનો અદ્ભુત વારસો આપણા સુધી પહોંચ્યો છે એ સંઘ કેવો મહાન ઉપકારી.
આપણા જીવનમાં જે કંઈ ધર્મશાસ્ત્રો કે ધર્મના આચારો આવ્યા છે એ બધા જ શ્રી સંઘના આલંબનથી આવ્યા છે. દરેક આરાધના કે સત્ક્રિયાની પ્રેરણા શ્રી સંઘ દ્વારા મળી છે. પ્રાપ્ત થયેલા આચારો અને ગુણોની રક્ષા અને સ્થિરતા પણ સંઘના કારણે થઈ રહ્યા છે.
શ્રી સંઘ એ જંગમ તીર્થ છે. એનાં ગુણગાન અને અનુમોદના દ્વારા એની આરાધના કરવાની છે. રોજ સવારે કે રાત્રે બે હાથ જોડીને સકલ સંઘને ભાવવંદના કરવાપૂર્ણક શ્રી સંઘમાં ચાલી રહેલી દાન, શીલ, તપ અને ભાવધર્મની આરાધના તથા દર્શન, જ્ઞાન અને ચારિત્રની જે કોઈ આરાધનાઓ થઈ રહી છે એની ભાવપૂર્વક અનુમોદના કરવી જોઈએ.
પૂ. ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજ કહેતા હતા કે કોઈ પણ જાતના અંતરાય નડતા હોય તો એના નિવારણ માટે નમો તિથ્થસ્સ પદનો જાપ કરવો જોઈએ. શ્રી સંઘને નમસ્કાર કરવાથી બધા જ પ્રકારના અંતરાયો તૂટે છે. સંઘની આરાધના મહાન પુણ્યબંધનું કારણ છે. સંઘની આશાતના મહાન પાપ છે. સંઘની કે સંઘના કોઈ પણ અંગની નિંદા કરવી, સંઘમાં વિઘ્નભૂત બનવું, સંઘનાં કાર્યોમાં અવરોધ કરવો કે સંઘમાં કલેશનું વાતાવરણ ખડું કરવું એ મોટા દોષનું કારણ છે.
સંઘની સેવા અને ભક્તિથી એવું સાનુબંધ પુણ્ય બંધાય છે કે ભવાંતરમાં પણ શ્રી સંઘ અને શાસનની પ્રાપ્તિ થાય છે. એક શ્રાવકને પૂ. જયઘોષસૂરીશ્વરજી મહારાજાએ ભવ - આલોચના પ્રાયશ્ચિત્તરૂપે અનેક તપશ્ચર્યા સાથે ૫૦૦ સામાયિકનું પ્રાયશ્ચિત્ત આપ્યું. એ શ્રાવકે પૂજ્યશ્રીને જઈને કહ્યું, સામાયિક મારા માટે અઘરાં છે. એનું કારણ એ છે કે રોજ હું પાંચથી છ કલાક સંઘની પેઢીમાં સેવા આપું છું. તેથી મને સામાયિક કરવાનો ટાઇમ રહેતો નથી. ગીતાર્થમૂર્ધન્ય આચાર્ય ભગવંતે તરત કહ્યું, તમે જો પાંચ-છ કલાક સંઘની સેવા કરો છો તો એનાથી જ તમારાં સામાયિક વધી જાય છે. વ્યક્તિગત પોતાની આરાધના કરતાં સંઘની આરાધના ચડી જાય છે.
સંઘની સેવાને ગૌણ કરીને પર્યુષણમાં અઠ્ઠાઈ કરવા તત્પર બનેલા એક સંઘના સક્રિય કાર્યકર્તા યુવાનને પૂજ્ય આચાર્ય ભગવંતે કહ્યું હતું, વ્યક્તિગત આરાધના કરતાં પણ સંઘની સેવા મોટી આરાધના છે. મોટી આરાધના ખાતર પોતાની વ્યક્તિગત આરાધના ગૌણ બની જાય છે.
સંઘને ૨૫મો તીર્થંકર કહેવામાં આવે છે. તીર્થંકર પરમાત્માની જેમ સંઘ પ્રત્યે પણ પૂજ્યભાવ, ભક્તિભાવ, અહોભાવ અને બહુમાનભાવ હૃદયમાં ધારણ કરવા જોઈએ. સંઘની આશાતના ન થઈ જાય એની જાગૃતિ રાખવી જોઈએ.
નાગપુરના પુનડ શ્રાવકે શત્રુંજય ગિરિરાજના પદયાત્રા સંઘનું આયોજન કર્યું હતું. આ સંઘમાં હજારો યાત્રિકો હતા. વસ્તુપાળ મંત્રની વિનંતિથી સંઘ ધોળકા પધાર્યો. સંઘના દરેક યાત્રિકનું દૂધથી પાદપ્રક્ષાલન કરવા વસ્તુપાળ મંત્રી સ્વયં ઊભા રહ્યા. કલાકો સુધી નમીને યાત્રિકોનું ચરણ પ્રક્ષાલન કરતા રહ્યા. બંધુ તેજપાળે વિનંતી કરી, મોટાભાઈ, હવે મને લાભ આપો. તમે થાકી જાશો. ત્યારે વસ્તુપાળ મંત્રીનો જવાબ હતો કે સંઘની પૂજા - ભક્તિમાં વળી થાક કેવો? આ ક્રિયામાં તો મારો ભવોભવનો થાક ઊતરી રહ્યો છે.
પાટણથી ગિરિરાજ શ્રી શંત્રુજયનો પદયાત્રા સંઘ કુમારપાળ મહારાજાએ કાઢ્યો હતો. સંઘના યાત્રિકોને છાયા આપનાર વૃક્ષોને તે અહોભાવથી પ્રણામ કરીને કહેતો, હે વૃક્ષો, તમને ધન્યવાદ છે. મારા શ્રી સંઘને છાયા આપીને તમે ખૂબ ઉપકાર કર્યો છે.
કેવી સંઘભાવના!
કેવું સંઘ-બહુમાન!
કેવી સંઘભક્તિ!
પર્યુષણ પર્વ દરમ્યાન વંચાતાં અષ્ટાન્હિકા પ્રવચનોમાં શ્રાવકનાં વાર્ષિક અગિયાર કર્તવ્યો દર્શાવવામાં આવ્યાં છે. એમાં સૌથી પહેલું કર્તવ્ય છેઃ સંઘપૂજા, વર્ષ દરમ્યાન ઓછામાં ઓછી એક વાર દરેક સંપન્ન શ્રાવકે યથાશક્તિ દ્રવ્ય અર્પણ દ્વારા સંઘની ભક્તિ કરવી જોઈએ. સંઘનાં કાર્યોમાં સમય, શક્તિ અને સંપત્તિનો યથાશક્તિ વિનિયોગ કરવો જોઈએ.