વર્ષમાં એક જ વાર આવતો હોવાથી આજનો મહાન દિવસ સંવત્સરી પર્વ તરીકે ઓળખાય છે.
પ્રતીકાત્મક તસવીર
આજના દિવસે હજારો જૈન સાધુ-સાધ્વીજીઓ ચોવિહાર ઉપવાસ (નિર્જલા) કરશે. દરેક સાધુ-સાધ્વીજી કેશલુંચન કરેલાં જોવા મળશે. હજારો ઉપાસકો નાનાં-મોટાં વ્રત સ્વીકારીને વ્રતધારી બનશે. ક્રોધ અને અભિમાનથી કે આવેશમાં કોઈ પણ વ્યક્તિની સાથે ચાહે તે માતા-પિતા હોય કે પત્ની-પુત્ર કે નોકર-ચાકર જોડે વેર વિરોધ અને કલેશ-કંકાસ થઈ ગયો હોય તો સાચા અંત:કરણથી નમ્રભાવે ક્ષમા માગવાની છે.
કદાચ એવું બને કે ભૂલ સામેવાળાની હોય અને તમે મોટા હો તો પણ ક્ષમા માગનાર આરાધક બને છે. અપરાધીના અપરાધને ભૂલીને પ્રેમ અને મૈત્રીનો હાથ લંબાવવાનો છે.
સંવત્સરી પ્રતિક્રમણ કરતાં ૮૪ લાખ જીવયોનિના જીવો સાથે ક્ષમાયાચના કરવાની છે. અતિક્રમણ ઘણાં કર્યાં, હવે આજે પ્રતિક્રમણ કરવું જરૂરી છે. ‘મારી ભૂલ થઈ!’ જેને આટલું બોલતાં આવડી જાય તેને જીવનમાં કોઈ તકલીફ પડવાની નથી.
સજા માણસના શરીરને સ્પર્શે છે. ક્ષમા માણસના હૃદયને સ્પર્શે છે. ક્ષમા રાખો. ક્ષમા માગો. ક્ષમા આપો. વેરમાં વિનાશ, પ્રેમમાં વિકાસ છે. વેરમાં વાંધો છે, પ્રેમમાં સાંધો છે.
‘તું કરલે સભી જીવોં સે કરાર,
કરુંગા કિસી સે ન તકરાર
સભી જીવોં સે કરુંગા પ્યાર,
યહી હૈ પર્યુષણ કા સમાચાર...’
માનવીનું મન ચંચળ છે. મહેનત વિના જ મોક્ષમાં પહોંચી જવું છે. જીવનની શુદ્ધિ અને આરાધના વિના વેર-ઝેરના ભાવોનો સંગ્રહ શાંતિ અપાવનાર નથી.
જીવનમાં નમ્ર બનનાર વ્યક્તિને કદાચ લોકો કહેવા લાગે કે નમાલા થઈને ઝૂકી જવાની જરૂર નથી! આપણે ખમાવવાની શું જરૂર છે! આવા શબ્દોની માયાજાળમાં આવ્યા વિના એક જ લક્ષ્ય કરવાનું છે કે મારે કોઈની સાથે વેર રાખવું નથી.
સામેવાળા ખમાવે કે ન ખમાવે, જે ભૂલનો સ્વીકાર કરે છે એ જ મહાન બને છે. સંભવ છે કે - સારા ભાવ હોવા છતાં ભૂલ થઈ જાય. માણસ અહંને છોડીને ‘મારી ભૂલ થઈ!’ એટલું સ્વીકારવા માંડે તો ઘરઘરમાં આનંદ છવાઈ જાય. જીભનો વેપાર ઘણો કર્યો, હવે જિગરનો વેપાર કરો. જીવનમાં જિગરનો વેપાર ચાલુ થાય ત્યારે જ જગદીશ ખુશ થાય છે!
ભગવાન મહાવીરની ક્ષમા અલૌકિક છે. સ્વયં સહન કરો અને બીજાની ભૂલની ક્ષમા કરો.
(પૂજ્ય શ્રી ધીરગુરદેવજી મ.સા.)