Paryushan 2023 : જીવમૈત્રી એ ધર્મક્રિયાને ધર્મમાં કન્વર્ટ કરવાનું અમૃત રસાયણ છે. ધર્મક્રિયા ઔષધ છે તો જીવમૈત્રી અનુપાન છે.

ફાઈલ તસવીર
વિશ્વમૈત્રીનો મહામંત્ર તીર્થંકર પરમાત્માએ જગતને આપ્યો છે. જીવમૈત્રીના પાયા ઉપર ધર્મ મહેલનું ચણતર છે. જીવો પ્રત્યેના સ્નેહભાવ વિનાનો માત્ર બાહ્ય ધર્મ ખરા અર્થમાં તારક બનતો નથી. જીવમૈત્રી એ ધર્મક્રિયાને ધર્મમાં કન્વર્ટ કરવાનું અમૃત રસાયણ છે. ધર્મક્રિયા ઔષધ છે તો જીવમૈત્રી અનુપાન છે. અનુપાન વગરનું ઔષધસેવન અસરકારક બનતું નથી.
જીવો પ્રત્યેના સદ્ભાવને કેળવવા જૈનધર્મમાં ચાર પ્રકારની ભાવનાઓ પ્રદર્શિત કરવામાં આવી છે.
1. મૈત્રી ભાવનાઃ આ ભાવનાનો વિષય વિશ્વના સર્વજીવો છે. માત્ર હાઇ-હલો કરવું એ મૈત્રી નથી. સાથે રમવું, સાથે જમવું કે સાથે બહાર જવું તે માત્ર મૈત્રી નથી. એવો મિત્રતાનો સંબંધ કદાચ બધા સાથે ન હોઈ શકે. સર્વ જીવો પ્રત્યે આંતરિક સ્નેહભાવ એ જૈનશાસનમાન્ય મૈત્રીની વ્યાખ્યા છે. વિશ્વના સર્વજીવોના કલ્યાણની ભાવના એ મૈત્રી છે. આવી મૈત્રીનો વિષય માત્ર ઓળખીતા-પાળખીતા કે સગાંસંબંધી જ નહીં, સહુ કોઈ છે. મૈત્રીને રાજ્યનાં, રાષ્ટ્રનાં, જાતિનાં કે ગતિનાં કોઈ બંધન નડતાં નથી.
2. પ્રમોદ ભાવનાઃ અન્યનો ઉત્કર્ષ જોઈને રાજી થવું એનું નામ પ્રમોદ છે. મોટે ભાગે માણસને પોતાના ઉત્કર્ષમાં જ રસ હોય છે. બીજાનો ઉત્કર્ષ તેને પીડાકારક બનતો હોય છે. બીજાની ઉન્નતિ જોઈને માણસ ઈર્ષ્યાથી બળતો હોય છે પરંતુ જ્યારે તે પ્રમોદ ભાવનાથી ભાવિત બને છે ત્યારે બીજાનો વિકાસ જોઈને તેને આનંદ જ થાય છે.
3. કરુણા ભાવનાઃ કર્મના ઉદયથી દુનિયામાં અનેક લોકો ખૂબ દુઃખી હોય છે. કોઈ આર્થિક રીતે દુઃખી હોય છે તો કોઈ શારીરિક રીતે, કોઈ માનસિક રીતે દુખી હોય છે તો કોઈ સામાજિક રીતે... આવા દીન-દુખીઓને જોઈને દિલમાં હમદર્દી થવી એ કરુણાભાવના છે. ધર્મ જ્યારે હૃદયસ્થ અને
આત્મસ્ય બને છે ત્યારે કરુણા સહજ પ્રગટે છે.
4. માધ્યસ્થ ભાવનાઃ અપરાધી કે દુર્ગુણી જીવો પ્રત્યે તિરસ્કારભાવ, દ્વેષભાવ કે દુર્ભાવ ન કરવો તે માધ્યસ્યભાવના છે. માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈ પણ વ્યક્તિથી ભૂલ થઈ શકે છે. રાગ-દ્વેષ અને મોહથી સહુ ઘેરાયેલા છે તેથી અપરાધ તો કોઈ પણ વ્યક્તિથી થઈ શકે છે. કોઈ જાણીજોઈને અપરાધ આચરે તો કોઈના દ્વારા અજાણતાં પણ ભૂલ થાય.
અપરાધી વ્યક્તિ પ્રત્યે આપણી પ્રતિક્રિયા કેવી હોવી જોઈએ? અપરાધી પ્રત્યે પણ પ્રેમભાવ રાખવાની વાત જૈન ધર્મ કરે છે. જે આપણી સાથે સદ્ભાવથી વર્તે છે તેના પ્રત્યે સ્નેહભાવ રાખવો એ મોટી વાત નથી.
અન્યના અપરાધોને ભૂલી જવા માટે અને ભૂંસી નાખવા માટે પર્યુષણ પર્વ ક્ષમાપનાનો સંદેશ લઈને આવે છે. કષાયોની ઉપશાંતિ કરવા માટેનું આ પર્વ છે. આ પર્વ છે - ઉપશમનું અમૃતપાન કરવા માટેનું પર્વ છે. વેરના વિસર્જન કરવા માટેનું આ પર્વ છે, દ્વેષને દફનાવવા માટેનું આ પર્વ છે, ક્રોધ કષાયનું ઑપરેશન કરવા માટેનું આ પર્વ છે, આંતરવૃત્તિઓનું સંશોધન કરવા માટેનું આ પર્વ છે, આત્મનિરીક્ષણનું આ પર્વ છે, આત્મ સંશોધન અને આત્મ સુધારણાનું આ પર્વ છે, સકલ જીવરાશિ સાથે મૈત્રીનો પવિત્ર સેતુ રચવા માટેનું આ પર્વ છે, પરસ્પરની ભૂલોને ભૂલવાનું આ પર્વ છે, શત્રુને નહીં, શત્રુતાને ખતમ કરવાનું આ પર્વ છે, બીજાને ઝુકાવવા માટેનું નહીં પણ અન્યના ચરણમાં ઝૂકવા માટેનું આ પર્વ છે, અહંકારને ઓગાળવાનું આ પર્વ છે.
ભગવાન મહાવીરસ્વામીએ ઉપસર્ગોની ઝડી વરસાવનાર સંગમ અને શૂલપાણી જેવાં દુષ્ટ દૈવી તત્ત્વોને પણ ઉપશમના અમૃતથી અભિષિક્ત કર્યાં હતાં. ચંડકૌશિક સર્પના ક્રોધની આગ કરુણાના જલસિંચને ઠારી હતી. કાનમાં ખીલા ઠોકરનારને પણ ક્ષમાનું દાન કર્યું હતું. ક્ષમાભાવનો આ અદ્ભુત અને અવ્વલ આદર્શ ખુદ ભગવાન મહાવીરે આપ્યો છે.
ભગવાન મહાવીર કહે છે કે બહારના શત્રુઓ સાથે લડવાથી તને શું મળવાનું છે? તે શત્રુઓ તારું શું બગાડી શકવાના છે? કેટલું બગાડી શકવાના છે? ખરા શત્રુઓ તો તારી અંદર બેઠા છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, કામ વગેરે આંતરશત્રુઓ જીવના ખૂંખાર શત્રુઓ છે. લડાઈ તો તેમની સાથે કરવાની છે. સંગ્રામ તો ત્યાં માંડવાનો છે.
વેરનું વિસર્જન કરવામાં ન આવે તો બીજા ભવોમાં પણ એની પરંપરા ચાલે છે. ઋણાનુબંધની જેમ વેરાનુબંધ નામનું એક તત્ત્વ કુદરતમાં કાર્યરત છે. આ વેરાનુબંધ બે વેરીઓને ભવાંતરમાં પણ ભેગા કરી દે છે.
કાદવના છાંટા પડવાથી કપડું બગડે છે તો ધોઈને એને સ્વચ્છ કરી લઈએ છીએ. શરીરમાં ક્યાંય ઘા પડ્યો હોય તો મલમપટ્ટાના ઉપચાર કરીને એને રુઝવી નાખીએ છીએ. ઘરમાં કચરો
ભેગો થયો હોય તો ઝાડુથી એને સાફ કરી નાંખીએ છીએ. દીવાલમાં તિરાડ પડે તો એને રિપેર કરી લઈએ છીએ. એ જ રીતે કોઈની સાથે સંબંધ બગડ્યા હોય તો એને સુધારવાનો પ્રયાસ કેમ ન થાય?
ઘણાં પર્યુષણ ગયા. ઘણાં સંવત્સરી પ્રતિક્રમણ કરી લીધાં એ છતાં કેટલીક વ્યક્તિઓ સાથેના પૂર્વગ્રહ, દ્વેષભાવ કે વેરભાવ અકબંધ કેવી રીતે રહી શકે? જેની સાથે સારાસારી છે તેને મળીને, ફોન કે મેસેજ કરીને કે ક્ષમાપનાનું કાર્ડ લખીને મિચ્છા મિ દુક્કડમ દઈ દઈએ છીએ પરંતુ ખરેખર જેની સાથે અબોલા છે અથવા સંબંધમાં કટુતા થઈ છે તેને યાદ ન કરીએ તો કેમ ચાલે? જેમની સાથે સારા સંબંધો છે તેમની સાથે ક્ષમાપના કરવી ઔપચારિક છે. ખરી ક્ષમાપના તો તેમની સાથે કરવાની છે જેમની સાથે સંબંધો વણસેલા છે. શર્ટ ધોતી વખતે તેના બાંય કે કૉલરના ભાગે પર સાબુ અને બ્રશ વધારે ઘસવાં પડે છે, કારણ કે એ વધારે મેલાં છે. તેમ જે સંબંધોમાં કડવાશ ઊભી થઈ છે ત્યાં ક્ષમાપનાનો સાબુ ઘસવાની વિશેષ જરૂર છે.
યાદ કરીએ કોની-કોની સાથે દુશ્મનાવટ થઈ છે? કોઈનો ઉત્કર્ષ જોઈને પેટમાં તેલ રેડાયું છે? કોની સાથે ઘર્ષણ અને સંઘર્ષ થયા હતા? કોની સાથે અબોલા છે? કડવાં વેણ કહીને કોના દિલને ઘા પહોંચાડ્યો હતો? તેવી વ્યક્તિઓે ખાસ યાદ કરી, રૂબરૂ મળી, ખરા હૃદયથી ક્ષમાપના કરીએ તો પર્યુષણ પર્વ આપણા માટે સાર્થક.