હિન્દુ ધર્મ અનુસાર ચાલી રહેલા સાતમા મન્વંતરમાં સૌના પૂર્વજ એવા મનુ ભગવાને રચેલી સંહિતા મુજબ મનુષ્ય ચાર આશ્રમમાં જીવન જીવે છે. સામાજિક વ્યવસ્થાને સુચારુરૂપે ચલાવવા મનુ સંવિધાન બનાવનારા મનુ ભગવાનનું વિશ્વનું એકમાત્ર મંદિર મનાલીમાં છે.
મનુ મંદિરની હાઇલાઇટ એ છે કે મંદિરમાં કોઈ મહંત, પૂજારી કે પંડિતજી નથી. આથી કોઈ કર્મકાંડ, વિધિ-વિધાન કે પૂજા કરાવવાનો આગ્રહ નથી. ભાવિકો શાંતિથી દર્શન કરી શકે છે.
હિમાચલ પ્રદેશની ઑફિશ્યલ વેબસાઇટમાં ‘ટૉપ સાઇટ્સ ઇન મનાલી’ સેક્શનના લિસ્ટિંગમાં ઓલ્ડ મનાલી ટાઉનનું મનુ ટેમ્પલ છે તો ખરું, પણ મનાલી ફરવા જતા સિત્તેર ટકા ટૂરિસ્ટો સમયના અભાવે કાં ઇમ્પોર્ટન્સ ન જાણતા હોવાથી મનુ મંદિરનાં દર્શન કરવા જતા નથી. એ તો ભલું થજો આ ગિરિમથકના રહેવાસીઓનું, જેમણે વિશ્વના એકમાત્ર મનુ મંદિરની કાળજી લીધી છે. ફક્ત કાળજી જ નહીં, સમયે-સમયે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે અને તેમની આ માવજતને કારણે જ આપણી આ ધરોહર ‘ટૉપ સાઇટ્સ ઇન મનાલી’ના લિસ્ટિંગમાં હજી અડીખમ છે.
મહર્ષિ મનુ ભારતીય ઇતિહાસના આદિપુરુષ છે એ વાત વિદિત છે. છતાં મનુ કોઈ રાજા હતા? ઋષિ હતા? એ વિશે વેદો કે અન્ય પ્રાચીન ગ્રંથોમાં વિશેષ જાણકારી નથી. હા, ઉલ્લેખ છે કે સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ જ મનુથી થઈ છે. વિષ્ણુપુરાણ કહે છે કે સ્વયંભૂ મનુ બ્રહ્માના માનસપુત્ર છે અને સ્વયં બ્રહ્માજીએ જ તેમને પ્રજાપાલ રાજાના રૂપે નિયુક્ત કર્યા હતા.
ADVERTISEMENT
હિન્દુ ધર્મ અનુસાર એક મન્વંતર (મનુનો કાળ) સમયની એકચક્રીય અવધિ છે. પ્રત્યેક મન્વંતરમાં સાત ઋષિ, એક ઇન્દ્ર, દેવો અને એક મનુ હોય છે. એ કાળ પૂરો થતાં બધું નષ્ટ થાય છે અને ફરી નવા મન્વંતરનો ઉદય થાય છે. આવાં કુલ ૧૪ મન્વંતર હોય છે. એમાંથી આપણે સાતમા મન્વંતરમાં છીએ. આ પ્રત્યેક મન્વંતર જે-તે મન્વંતરના મનુથી ઓળખાય છે. વર્તમાનમાં આપણે વૈવસ્વત મનુના યુગમાં છીએ. વૈવસ્વત સૂર્યદેવ અને સરન્યુના પુત્ર છે. મત્સ્યપુરાણ અનુસાર એ કાળમાં શ્રાદ્ધદેવ નામના રાજા હતા. એ રાજા એક વખત જંગલમાં રહેલા મલય પર્વત નીચે વહેતી નદીમાં હાથ ધોઈ રહ્યા હતા ત્યારે તેમના હાથમાં એક માછલી આવી. માછલીએ રાજાને મોટી માછલીથી બચાવવાની આજીજી કરી. શ્રાદ્ધ રાજાએ દયાવશ એ માછલીને પકડીને તાત્પૂરતી જળ ભરેલા એક ઘડામાં રાખી દીધી. ત્યાર બાદ એને કૂવામાં મૂકી. વિષ્ણુ ભગવાનનો મત્સ્ય-અવતાર એવી માછલીનું કદ દિવસે-દિવસે વધતું ગયું અને રક્ષણહાર શ્રાદ્ધદેવ રાજા એને એની સાઇઝથી અનેકગણા મોટા તળાવ, નદી, મહાસાગરમાં રાખતા ગયા. જોતજોતામાં એ મત્સ્ય એવી વિરાટ થઈ ગઈ કે સૃષ્ટિ પરના મહાસાગરો પણ એને નાના પડવા લાગ્યા. રાજાની દયા અને વચનપાલનથી ખુશ થઈને વિષ્ણુ ભગવાન રાજા સમક્ષ પ્રગટ થયા અને કહ્યું કે બહુ જલદી પૃથ્વી પર વિનાશકારી જળપ્રલય આવવાનો છે, જેમાં સમસ્ત સૃષ્ટિ ડૂબી જવાની છે; એનાથી બચવા તમે નાવ બનાવી લો. પ્રભુના કહેવાથી રાજાએ વિશાળ હોડી બનાવી. એમાં તેમણે એ યુગના સપ્તઋષિ, નવ પ્રકારનાં ધાન્યનાં બીજ અને થોડાં પ્રાણીઓને રાખ્યાં જેથી પ્રલય પૂરો થતાં ફરી પૃથ્વીને જીવંત બનાવી શકાય, નવપલ્લવિત કરી શકાય.
વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી એ વિરાટ જહાજ બચી ગયું અને એમાં રહેલા સજીવો પણ ઊગરી ગયા. પછી શ્રાદ્ધદેવ રાજાએ શ્રદ્ધા સાથે લગ્ન કર્યાં અને તેમને દસ સંતાનો થયાં. એમાં ઇલા અને ઇશ્વાકુ પણ હતાં, જે ક્રમશઃ ચંદ્ર અને સૌર્ય વંશના પૂર્વજો કહેવાયાં. આ શ્રાદ્ધદેવ રાજા જ વિવસ્તવ મનુ અને આ યુગ તેમનો. તેમનાં પુત્ર-પુત્રીના વંશજો એટલે આ કાળાવધિના મનુષ્યો એટલે આપણે સૌ.
આ આખી કથાનો ટૂંકસાર એ કે મનુ ભગવાન આપણા પૂર્વજ છે અને તેમણે બનાવેલી મનુસંહિતા અનુસાર મનુષ્યોની જીવનચર્યા ચાલે છે. આ મનુજીએ જ આપણને ચાર આશ્રમ આપ્યા છે : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ. દરેક કાળમાં સામાજિક વ્યવસ્થા સુચારુરૂપે ચાલે એ માટે એ કાળના મનુ સંવિધાન બનાવે છે અને મનુષ્યો એનું પાલન કરે છે.
હવે વાત કરીએ મનાલીના મનુ મંદિરની. તો અહીં આવેલું ૫૦૦થી વધુ વર્ષ પૂર્વે બનેલું મંદિર કોણે બનાવ્યું? શા માટે આ જ સ્થળે મનુ દેવનું મંદિર બન્યું? શું અહીં મનુ ભગવાનની નૌકા લાગી હતી? આ પ્રશ્નોના કોઈ ઉત્તર નથી કે એની કથાનું કોઈ પ્રમાણ નથી, પરંતુ જનશ્રુતિ અનુસાર એક સ્થાનિક સ્ત્રીને જમીન ખોદતાં-ખોદતાં એક મૂર્તિ જેવું દેખાયું અને જ્યાં કોદાળીનો ઘા વાગ્યો હતો ત્યાંથી રક્તની ધારા વહેતી દેખાઈ. ગામના લોકોને જ્યારે એ વિશે જાણ થઈ ત્યારે વધુ ખોદકામ કરતાં દેવર્ષિની મૂર્તિ મળી અને એ પ્રતિમા લઈને તેમણે હાલ જ્યાં મંદિર છે ત્યાં બિરાજમાન કરીને નાનકડું મંદિર બનાવ્યું.
કાળક્રમે એ નાનકડા દેવાલયના સુધારા-વધારા થતા ગયા. હાલમાં ઊભેલું મંદિર ૧૯૯૧માં થયેલા જીર્ણોદ્ધાર વખતે બનેલું છે. જ્યાંથી મૂર્તિ મળી એ સ્થળ ‘દેઉ કા ઘર’ કહેવાય છે અને ભાવિકો એનાં દર્શન કરવા પણ જાય છે. મંદિરની બહાર લખેલા બોર્ડ મુજબ એક વાયકા એવી પણ છે કે એક વખત મનુ ભગવાન સાધુનો વેશ ધારણ કરીને ‘દેઉ કા ઘર’માં ભિક્ષા માગવા ગયા અને દૂધની માગણી કરી. ઘરની સ્ત્રી પાસે ગાય ન હોવાથી તેણે સાધુને દૂધની ભિક્ષા આપવામાં અસમર્થતા દાખવી. ત્યારે સાધુએ પાસે બાંધેલી વાછરડીને દોહવાનું કહ્યું અને એ મહિલાએ એમ કરતાં વાછરડીનાં આંચળમાંથી દૂધની ધારા છૂટી અને સાધુને ભિક્ષા પ્રાપ્ત થઈ. એ સાથે જ અહીં ટુન્ડી નામના ક્રૂર રાક્ષસની કહાની પણ પ્રચલિત છે. કહેવાય છે કે એ સમયમાં ટુન્ડી સ્થાનિકો પર ખૂબ જુલમ ગુજારતો. રાક્ષસ હોવાને કારણે દેવો, પ્રજાજનો, ઋષિમુનિઓને તે રંજાડતો. ત્યારે મહર્ષિ શાંડિલ્યએ મનુ દેવના આશીર્વાદથી રાક્ષસનો વધ કર્યો અને પ્રજા અમનથી રહેવા લાગી.
પહાડી આર્કિટેક્ચર શૈલીનું આ મંદિર પથ્થર અને દેવદારનાં લાકડાંથી બનેલું છે. આ ચમકતા કાષ્ઠનો ગુણધર્મ એ છે કે એ ઠંડીમાં સંકોચાય છે અને ગરમીમાં ફૂલે છે. આવી લવચીકતાને કારણે માઉન્ટન્સમાં આવતા નાના-નાના ભૂકંપના ઝટકાઓ એ આસાનીથી ખમી શકે છે. જૂના મનાલી ગામની અંદર માનવવસ્તીની વચ્ચોવચ આવેલું આ મંદિર ઊંચાઈએ છે, પણ છેક સુધી લોકલ રિક્ષાઓ આવે છે એટલે બહુ ચડવું પડતું નથી. ચોરસ ચોખ્ખા પ્રાંગણની અંદર આવેલા મંદિરનું ગર્ભગૃહ અતિ પ્રાચીન અને નાનું છે. આથી શ્યામ પથ્થરની બનેલી મનુ મહારાજની મૂર્તિનાં દર્શન કરવા થોડું નમવું પડે છે. કોઈ પણ ભપકાદાર શણગાર વગર ઋષિ મનુ, તપસ્વી મુનિની જેમ સિમ્પલ ખેસથી શોભતા મહર્ષિ મનુનાં દર્શન કર્યા બાદ પાછળથી બનાવાયેલા મંદિરના રંગમંડપની અંદરના પરિક્રમા-પથમાં ગણેશજી, હનુમાન, રામ ભગવાન, કાલીમાતા, દુર્ગામાતા, કૃષ્ણ, મહાદેવની મૂર્તિઓ છે. એ નવી છે, પણ લોકલ્સ માટે એ મનુદેવ જેટલી જ પવિત્ર છે. આખો પરિસર ગામની વચ્ચોવચ હોવા છતાં અહીંની શાંતિ મન-મસ્તકને ઠંડા-ઠંડા કૂલ-કૂલ કરી દે છે. બહારના પ્રાંગણથી હિમાલયની પર્વતશ્રૃંખલાઓ, ધરતી પર ધસમસતી વહેતી બિયાસ અને દેવદાર-પાઇનનાં વૃક્ષો મનાલીની ખૂબસૂરતી બયાન કરે છે.
મનુ આલય (ઘર)નું અપભ્રંશ થઈને મનાલી બનેલું આ હિમાચલી ટાઉન ૧૯૯૦ના દાયકા બાદ સહેલાણીઓની નજરે ચડ્યું. કાશ્મીરમાં આતંકવાદનો પેસારો થતાં ટ્રાવેલર્સ, મુખ્યત્વે હનીમૂનર્સે મનાલીને હનીમૂન ડેસ્ટિનેશન બનાવી દીધું. જોકે એ પછીના દાયકામાં હિપ્પીઓના આગમન બાદ મનાલી ખાસ નશેડીઓનું ડેસ્ટિનેશન બની ગયું. અનેક વર્ષો આ બદીની સામે આંખ આડા કાન કર્યા બાદ સરકારે આ દૂષણ સામે સખત કાર્યવાહી કરી છે. છતાં ગામ હોય ત્યાં ઉકરડો હોય જ એ નાતે બંધાણીઓને જોઈતી વસ્તુ મળી જ જાય છે. એટલે જ આખા મનાલીમાં આવેલી સેંકડો હોટેલોમાંથી રહેવા માટે યોગ્ય સ્થળની પસંદગી કરવી જરૂરી છે.
છેલ્લા દોઢ દાયકાથી મનાલી ઍડ્વેન્ચર ટૂરિઝમ માટે પણ વધુ પ્રખ્યાત થઈ ગયું છે. એ જ કારણે ભારતની દરેક દિશાએથી દેશના ઉત્તર છેડે પહોંચવું વધુ સહેલું થઈ પડ્યું છે. નજીકનું ઍરપોર્ટ કુલુનું ભુંતર વિમાનમથક છે. તો બાય રેલવે ચંડીગઢ, અંબાલા, દિલ્હી સ્ટેશન પર ઊતરી મરોડદાર પણ ચકાચક રોડ દ્વારા થોડા કલાકમાં મનાલી પહોંચી શકાય છે. ખાવા-પીવાની વાત કરીએ તો મનાલીમાં નેપલ્સ (ઇટલી)ના પીત્ઝાથી લઈને જૅપનીઝ સુશી, મોમોઝથી લઈ મેંદુવડાં અને લબાબદાર પનીરથી લઈને પાંઉભાજી મળી જાય છે. એમાં પણ મનાલીના મૉલ રોડ પર તો એવી-એવી કૅફે છે કે પર્યટક ભૂલી જાય છે કે તે ભારતમાં છે વિદેશમાં.
અમેરિકામાં પણ છે મનુ ટેમ્પલ
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના નૉર્થ ઍરિઝોનાની ધ ફેમસ ગ્રૅન્ડ કૅન્યનના એક શિખરને મનુ ટેમ્પલ નામ આપવામાં આવ્યું છે. બુદ્ધ મંદિર અને ઓઝાબટ જેવા શિખરની વચ્ચે આવેલા પિનૅકલનું અમેરિકી પત્રકાર-ફોટોગ્રાફરે આપણા મનુ મહર્ષિના નામ પરથી મનુ ટેમ્પલ નામકરણ કર્યું જે ત્યાંના ગૅઝેટે માન્ય રાખ્યું. બસ, દુખની વાત એ છે કે ભારતીયો ગ્રૅન્ડ કૅન્યન જાય છે, કદાચ મનુ ટેમ્પલ નામ પણ સાંભળે છે; પણ તેમને ક્લિક નથી થતું કે આ મનુ તો આપણા જ મનુ ઋષિ.

