ઘી તો એનું એ જ હોય છે, પણ એને જ્યારે આગમાં નાખવામાં આવે છે ત્યારે એ ઘી આગને દાવાનળ સ્વરૂપ પણ આપી શકે છે તો એ જ ઘીને જો રાખમાં નાખવામાં આવે તો એ ઘી પોતાનું કૌશલ્ય દર્શાવ્યા વિના જ વ્યર્થ વેડફાઈ જાય છે.

પ્રતીકાત્મક તસવીર
ઘી તો એનું એ જ હોય છે, પણ એને જ્યારે આગમાં નાખવામાં આવે છે ત્યારે એ ઘી આગને દાવાનળ સ્વરૂપ પણ આપી શકે છે તો એ જ ઘીને જો રાખમાં નાખવામાં આવે તો એ ઘી પોતાનું કૌશલ્ય દર્શાવ્યા વિના જ વ્યર્થ વેડફાઈ જાય છે.
એ જ ઘીને જ્યારે ખીચડીમાં નાખવામાં આવે છે ત્યારે ખીચડીનો સ્વાદ તો બદલાઈ જ જાય છે, પણ ખીચડીની ક્ષમતામાં પણ એ અનેકગણો વધારો કરી જાય છે. એ જ ઘીને જ્યારે શીરામાં સામેલ કરવામાં આવે છે ત્યારે શીરાની મુલાયમતા, શીરાનો સ્વાદ અને શીરાની પૌષ્ટિકતામાં કમાલનો ફેરફાર થઈ જાય છે પણ સબૂર! એ જ ઘીને જ્યારે દીપકમાં પૂરવામાં આવે છે ત્યારે તો દીપકનું વ્યક્તિત્વ પુરબહારમાં ખીલી ઊઠે છે.
કહેવું હોય તો એમ કહી શકાય કે મન એ ઘી જેવું છે.
રાવણ પાસે રહેલું મન એટલે આગમાં નાખેલું ઘી. કુંભકર્ણ પાસે રહેલું મન એટલે રાખમાં નાખેલું ઘી. લક્ષ્મણ પાસે રહેલું મન એટલે ખીચડીમાં નાખેલું ઘી, ભરત પાસે રહેલું મન એટલે શીરામાં નાખેલું ઘી અને રામ પાસે રહેલું મન એટલે દીપકમાં નાખેલું ઘી.
મનમાં ઉમેરાયેલું ઘી જોવા મળે તો જીવને કેવી શાતા વળે?!
એ ભાઈને જીવનમાં પહેલી વાર જોયા.
લગભગ પંચાવન વર્ષની આસપાસની એમની વય હશે. શરીર પરનાં વસ્ત્રો ચોળાયેલાં અને થોડાં મેલાં પણ ખરાં. વાળ વિખરાયેલા, ઉપાશ્રયમાં ઝાડુ-પોતાં કરવાનું અને મુનિવરોનાં પ્રવચનો હોય તો જાજમ પાથરવાનું કામ કરે. કોઈ સાથે વાત નહીં, કોઈ સાથે ચર્ચા નહીં અને એ પછી પણ તેમના ચહેરા પર સતત સ્મિત હોય. જોકે એ પછી પણ એક વાત તો ખરી જ.
તેમના દીદાર જોઈને એમના પ્રત્યે તિરસ્કાર તો મનમાં ન જ જાગે, પણ સહાનુભૂતિનો ભાવ તો અચૂક જાગે. પણ જ્યારે તેમની સાચી ઓળખાણ એ જ ઉપાશ્રયના એક ટ્રસ્ટી પાસેથી થઈ ત્યારે સ્તબ્ધ થઈ જવાયું. આંખોમાં આશ્ચર્ય આવી ગયું અને હૈયું ગદ્ગદ થઈ ગયું. એ ઓળખ પછી તે સદ્ગૃહસ્થ પ્રત્યેના અહોભાવથી આંખોમાં ભીિનાશ પણ આવી ગઈ.
ટ્રસ્ટી પાસેથી એ ભાઈનો મળેલ બાયોડેટા આ મુજબનો હતો.
આઇઆઇટીમાં એમનું ભણતર થયું છે.
છેલ્લાં ૨૫ વરસથી બ્રહ્મચર્યનું પાલન કરે છે. તત્ત્વજ્ઞાનના અભ્યાસુ તો એવા છે કે સમય મળે ત્યારે મુનિ-ભગવંતો પાસે બેસીને જ્ઞાતા-દૃષ્ટાભાવ વગેરે વિશેની જાણકારી મેળવે છે.
આ બધું તો ઠીક છે, પણ એ જ ઉપાશ્રયના ટ્રસ્ટીઓએ એમને ૨૫,૦૦૦ના પગારવાળા મૅનેજર પદની ઑફર કરી છે પણ એ ઑફર તેમણે ઠુકરાવી દીધી. ઑફર ઠુકરાવતાં તેમણે જે જવાબ આપ્યો હતો એ જવાબ સાંભળવા જેવો છે.
‘ઉપાશ્રયમાં પ્રવચનો, વ્યાખાનો થાય. કોઈ ધાર્મિક પ્રસંગની ઉજવણી થાય ત્યારે ચતુર્વિધ શ્રી સંઘ પધારે. પ્રવચનો ન પણ, કોઈ એવો ખાસ દિવસ ન પણ હોય તોય મુનિભગવંતો ઉપાશ્રયમાં પધારે, સ્વાધ્યાય-ગોચરી માટે ઉપાશ્રયમાં જ એક સ્થળેથી બીજા સ્થળે આવાગમન કરે. એ ક્રિયાઓમાં એ સહુનાં ચરણની ધૂળ ઉપાશ્રયમાં પડે. હું જો મૅનેજરનું પદ સંભાળતો થઈ જાઉં તો ચતુર્વિધ શ્રી સંઘનાં ચરણોની ધૂળ સ્પર્શવાનું સૌભાગ્ય મને ન જ સાંપડે. મારે એ સદ્ભાગ્યને જતું નથી કરવું અને એટલે હું હાથ જોડીને માફી માગતાં તમને એટલું કહું છું કે રૂપિયા ૬૦૦૦ના પગારવાળી ઝાડુ-પોતાં કરવાની અને જાજમ પાથરવાની મારી આ જે નોકરી છે એની સાથે તમે મને કાયમ રહેવા દો અને મને આ પ્રકારે ધર્મલાભ લેવા દો...’
ઘી જો દીપકમાં નાખવામાં આવે તો એ દીપકનું વ્યક્તિત્વ પુરબહારમાં ખીલી ઊઠે. આ જે વિચાર છે એ વિચાર ઘી છે અને મને દીપકનું કામ કર્યું છે. મહાપર્વ પર્યુષણના આ દિવસોમાં પૂછજો તમારા મનને, એ પણ એવું કોઈ કામ કરે છે કે નહીં?