° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


કચ્છડો... ભાવર, નીલો મુલક ભનાઇયોં...!

03 March, 2020 01:31 PM IST | Mumbai | Kishor Vyas

કચ્છડો... ભાવર, નીલો મુલક ભનાઇયોં...!

કચ્છનું રણ

કચ્છનું રણ

‘વતનમેં વરસારેજ્યું આંકે ફાંટું ભરી વધાઇયું,
ભાવર, નીલો મુલક ભનાઇયું...’
જાડ રોપીયું અંગણ અંગણ મેં,
લાડો પગલાં કૈંધો રિણમેં,
ડુંગસરાઇજે ડેડર ભેરા ગંજો સીમ ગજાયું!
ભાવર, નીલો મુલક ભનાઇયું...!’

આ આહવાન, કચ્છી કવિ રવિ પેથાણી ‘તિમિર’ દ્વારા કચ્છની પ્રજાને કરવામાં આવ્યું છે. એ આહવાન એક વેદનામાંથી જન્મ્યું છે. કચ્છમાં વરસાદની અનિયમિતતા અને પાણીની અછત એ કચ્છમાં રહેતા લોકોને જેટલી વ્યથિત કરે છે એથી વિશેષ અબોલ, મૂંગાં પ્રાણીઓને તરફડાવે છે! વરસાદ માટે વૃક્ષોનું ખૂબ જ મહત્ત્વ છે. નથી વૃક્ષોનાં વાવેતર થતાં કે નથી એમનું જતન થાતું! વૃક્ષોનાં મૂળને પીવા માટે ભૂતળમાં પાણી તો જોઈએને?

સમય કરવટ બદલતો રહે છે. એની સાથે ઈશ્વરકૃપાથી જનમાનસ પણ બદલાતું રહે છે. કચ્છમાં જળસંગ્રહનું કામ કરવા માટે અત્યારે જે જાગૃતિ અને એ સાથે એ પ્રવૃતિમાં જે વેગ જોવા મળે છે એ અત્યંત પ્રસંશનીય છે. સેવાના ભેખધારી મિત્ર અરવિંદ જોષી અને તેમની સાથે સુરતથી માંડી મુંબઈના અરુણભાઈ ભિંડે અને કિશોરભાઈ ચંદન જેવા વતનપ્રેમી લોકો સમગ્ર કચ્છના નાના-મોટા ડૅમોના તળ ઊંડા કરવા અને શક્ય હોય ત્યાં એની પહોળાઈ પણ વધારવા ઉપરાંત નવા ડૅમો બાંધવા સરકાર અને સરકારી તંત્રના કાન આમળી રહ્યા હોવાના ‘વાવડ’ મળે છે. બીજી તરફ ગામ-ગામના, મુંબઈ વસતા કે સ્થાનિક કચ્છમાં રહેતા અગ્રણીઓ સૌ એકઠા થઈ પોતાના ગામ અને આસપાસનાં ગામોનાં તળાવોની પણ ઊંડાઈ વધારવા માટે લોકજાગૃતિ અને લોકફાળાથી કામ કરી રહ્યાં છે એનાં પરિણામ પણ સારાં આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

અબડાસા તાલુકાનું મુખ્ય મથક નલિયા અને નજીકમાં જ આવેલું તેરા ગામ એક હરોળમાં તળાવોની શ્રુંખલા ધરાવે છે. એ તળાવમાં જ્યારે પાણી હિલોળા લેતું હોય ત્યારે પાણી પીધા વગર પ્યાસ બુઝાઈ જાય છે. એ દરેક તળાવમાં કૂવા આવેલા છે જેના દ્વારા લોકોને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે. પણ, પાણી ‘તળ’માં હોવું તો જોઈએને? પરંતુ તાજેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને કચ્છમાં પાણીની સમસ્યાનો કાયમી હલ નીકળે એના માટે વિવિધ સંસ્થાઓના પ્રયત્નો ચાલુ થઈ ગયા હોવાના સમાચારોથી હૈયું ગદ્દ ગદ્દ થાય છે. નલિયાની વાત નીકળી હતી ત્યાં, મુંબઈ વસતા નલિયાવાસીઓએ પહેલ કરીને જલસંગ્રહનું કાર્ય શરૂ કર્યું છે. મુલુંડ રહેતા મૂળ નલિયાના જયંતભાઈ છેડાએ એવી માહિતી આપી કે અમને તળાવો ઊંડાં કરવા માટે ‘સમસ્ત મહાજન’ તરફથી જેસીબીનો ખર્ચ ઉપાડવાની બાંયધરી રાજેશભાઈ લાલને આપી છે. અમે માત્ર એમાં વપરાતા ડીઝલનો અને અન્ય ખર્ચ ઉઠાવીશું અને તળાવો ઊંડાં કરીશું! સત્કાર્ય કરવાનો સંકલ્પ કરો, સત્કર્મીઓ તમારો હાથ પકડવા સામેથી આવશે, એ ઉક્તિનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણી શકાય.

પણ જળસંગ્રહની સાથે-સાથે વૃક્ષો વાવવાનું અભિયાન પણ શરૂ થશે તો એ કચ્છ માટે અત્યંત આશીર્વાદરૂપ બની રહેશે. એના માટે રાજકોટના એક પર્યાવરણપ્રેમી વિજય ડોબરિયાનું ઉદાહરણ શ્રેષ્ઠ બની રહેશે. શહેરને હરિયાળું બનાવવા માટે કોઈ પણ વ્યક્તિ તેમને ફોન કરે એટલે વિજયભાઈ તેમના સાથીદારો સાથે ઘરઆંગણે પહોંચી જાય અને વૃક્ષ વાવી જાય. એટલું જ નહીં, હાથ જોડીને વિનંતી કરે કે ‘બાપલા, આને ઉછેરજો હો!’ આટલી વિનંતી કર્યા પછી પણ તેમના સ્વયંસેવકો એ ઘરે કે એ સ્થળે પહોંચી જઈને માર્ગદર્શન પણ આપે એટલી કાળજી લે! આ રીતે તેમણે પડધરી તાલુકાનાં ૬૦ ગામોને હરિયાળું બનાવવા દિવસ-રાત એક કરીને છેલ્લાં પાંચ વર્ષમાં બે કરોડ અને ૬૨ લાખ વૃક્ષો વાવ્યાં અને ઉછેર્યાં છે. આમ તો, વિજયભાઈ ‘સદ્ભાવના વૃદ્ધાશ્રમ’ ચલાવે છે. શરૂઆતમાં એકાદ કરોડનો ખર્ચ જાતે જોગવાઈ કરીને કર્યો, પણ પછી દાતાઓ અને અન્ય સંસ્થાઓએ તેમને આર્થિક મદદ કરવાનું શરૂ કર્યું છે. ‘કૌન કહેતા હૈ આસમાં મેં સુરાખ નહિ હો શકતા?, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારોં!’

એજ રીતે, જામનગરમાં મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજની પ્રેરણાથી શ્રી લાખોટા જળસંચય અભિયાન સમિતિના નેજા હેઠળ ચેક ડૅમ ઊંડા કરવાનું અભિયાન શરૂ થયું છે. તેમણે શહેરના પીવાના પાણીની જીવાદોરી સમાન રણમલ તળાવ તથા શહેરથી ૧૩ કિલોમીટર દૂર આવેલા રણજિતસાગર ડૅમને ઊંડા ઉતારવાની ભગીરથ કામગીરી પણ પૂર્ણ કરી છે. એટલું જ નહીં, વરસાદી પાણી નિરર્થક દરિયામાં વહી ન જાય એ માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં એ સમિતિએ સ્વખર્ચે ૧૦થી વધારે બોરવેલ તૈયાર કર્યા છે! કચ્છના બહાર પડેલા ભેખધારી નેતાઓને આ બધી ખબર હશે, પણ ધ્યાન દોરવાની ફરજરૂપે ઉદાહરણો ટાંક્યાં છે.

આવી સ્થિતિ વચ્ચે એક રાજીપો ફેલાવે એવા સમાચાર પણ મળે છે કે કચ્છના નાના રણમાં, રણ સરોવર બનાવવાની યોજના આકાર લઈ રહી છે જેનાં સારાં પરિણામો થોડા વખતમાં જ જોવા મળે એવી શક્યતાઓ પણ ચર્ચાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને ‘જલક્રાંતિ’ સર્જાય એના માટે મોરબીના એક ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ દ્વારા છેલ્લા લાંબા સમયથી કચ્છના નાના રણ પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે જેનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે. સંકેત પણ સારા મળી રહ્યા છે. તાજેતરમાં, એટલે કે ઑગસ્ટ ૨૦૧૯ પહેલાં, દેશના ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે એ વિશે જયસુખ પટેલની બેઠકો યોજાઈ હતી જેમાં સારા પ્રતિભાવો મળ્યા હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં દર વર્ષે ચોમાસા દરમ્યાન સારો વરસાદ પડે છે, પરંતુ એનું મોટા ભાગનું પાણી દરિયામાં વહી જાય છે, કારણ કે જળસંગ્રહ માટે જોઈએ એવાં પગલાં લેવાતાં નથી. ઉનાળો બેસતાં જ પાણીની સમસ્યા એનું વિકરાળ મોઢું ખોલે છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જયસુખ પટેલ કચ્છના નાના રણમાં ‘રણ સરોવર’ બનાવવા માટે ઘણા સમયથી કાર્યરત છે.

આ યોજનાથી ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોને તેમની હાલની જરૂરિયાતથી પણ વધારે પાણી મળી રહેશે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જો એમ થશે તો એ બન્ને વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતની પણ શકલ બદલાઈ જશે એમાં શંકા નથી.

જોકે કચ્છના રણમાં એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું રણ સરોવર બનાવવા વિશે પાછળથી રાપર વિસ્તારનાં ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ પણ માગણી કરી હતી. છેલ્લે કેન્દ્રીય જળ આયોગની એ વિશષ એક બેઠક મળી હતી જેમાં ૧૮ જેટલી અલગ-અલગ સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી જેમાં વડા પ્રધાન કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ વિભાગના નિર્દેશકો, ચૅરમેનો સહિતના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં પીએમઓના અધિકારીઓ અને જળશક્તિ મંત્રાલય વચ્ચે ઉચ્ચ કક્ષાની બેઠક યોજાશે જેમાં આગળની કાર્યવાહી કરવા વિશે નિર્ણય લેવામાં આવશે.

અનોખી કુદરતી રચના અને જૈવિક પરિસ્થિતિ ધરાવતું કચ્છનું નાનું રણ અંદાજે ૫૦૦૦ ચોરસમીટર જેટલો ભૂમિ વિસ્તાર ધરાવે છે જેમાં ૧૧૧ જેટલી નદીઓ ચોમાસા દરમ્યાન ૯,૦૦,૦૦૦ કરોડ ક્યુબિક લીટર મીઠું પાણી ઠાલવે છે! જે વ્યર્થ જાય છે. હવે પછી આ યોજનાને સાકાર થતાં કેટલો સમય લાગે છે એના પર આશાભરી નજર રાખવી રહી!

03 March, 2020 01:31 PM IST | Mumbai | Kishor Vyas

અન્ય લેખો

સંસ્કૃતિ અને વારસો

કલાપ્રેમી રશ્મિન મજીઠીયાનાં આર્ટ કલેક્શનમાં જીવરામ જોશીની ક્લાસિક વાર્તાઓ

ઉદ્યોગપતિ અને કલાપ્રેમી રશ્મિન મજીઠીયાનાં આર્ટ કલેક્શનમાં ઉમેરાયું વધુ એક સોનેરી સોપાન. અને મેળવ્યો સુપ્રસિદ્ધ, અને મહાન લેખક જીવરામ જોશીની ૧૨૫ થી વધુ ક્લાસિક વાર્તાઓનો ખજાનો.   

09 July, 2021 04:57 IST | Mumbai | Partnered Content
સંસ્કૃતિ અને વારસો

વેસ્ટર્ન બીટ પર ક્લાસિકલ ડાન્સ કરવામાં માહેર છે આ ટીનેજર

ભરતનાટ્યમમાં પારંગત મુલુંડની ૧૭ વર્ષની સાનિકા શાહે લૉકડાઉનમાં પાશ્ચાત્ય સંગીત પર ભારતીય નૃત્ય ટ્રાય કરી જોયું, બધાને આ સ્ટાઇલ એટલી ગમી ગઈ કે હવે અંકલ-આન્ટીની એજના લોકો તેની પાસે ડાન્સ શીખે છે

02 July, 2021 01:17 IST | Mumbai | Varsha Chitaliya
સંસ્કૃતિ અને વારસો

હો રાજ મને લાગ્યો ગુજરાતી ગીતોનો રંગ

યુવાનોને લોકસંગીતની સમજ નથી એવી આપણી માન્યતાને હવે ફગાવી દેવી પડશે. સચિન-જિગર, અમિત ત્રિવેદી, કિંજલ દવે તેમના ફેવરિટ સિંગર અને મ્યુઝિશિયનમાં ટોચનું સ્થાન ધરાવે છે

02 July, 2021 12:05 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK