Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પાંચ ‘પ્ર’ની આરાધના

24 August, 2022 03:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રવચન, પ્રતિક્રમણ, પ્રક્ષાલન, પ્રશમભાવ અને પ્રત્યાખ્યાન જેવા પાંચ ‘પ્ર’ની વાત સાથે આજના પર્વાધિપર્વની શરૂઆત કરીએ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) મહાપર્વ પર્યુષણ - મહાવીર વાણી જ્ઞાન

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


અનંત કરુણાનિધાન, અસીમ વાત્સલ્યવારિધિ, અદ્ભુત મહિમાવંત ચરમતીર્થપતિ શ્રી મહાવીર પ્રભુએ જીવમાત્રને શિવપુરભણી સફર કરાવવા તારક જિનશાસનની સ્થાપના કરી... વિશ્વ વત્સલ જિનશાસન અનેક પર્વથી સુશોભિત છે. (આરાધનાઓમાં) સૂતેલાને જાગતા કરી દે અને જાગતાને ભાગતા કરી દે એનું નામ ‘પર્વ’. પતિતને પાવન કરવા, પામરને પરમની યાત્રા કરાવવા સામે ચાલીને આવતું જંગમ તીર્થ એટલે ‘પર્વ’. સામૂહિક આરાધનાઓ દ્વારા અંતરંગ ઉલ્લાસ - ઉમંગ અને ઉછરંગ વધારી વિરાધનાઓના અનુબંધો શિથિલ કરનાર ઉત્સવ એટલે ‘પર્વ’.
અષ્ટાહ્નિકા સૂત્રકાર શ્રી ફરમાવે છે :
पर्वाणि सन्ति प्रोक्तानि , 
बहूनि श्री जिना ठामे |
पर्युषणा समं नान्यत् कर्मणां मर्म भेदकृत् 
અર્થાત્ પરમ પાવન શ્રીજીના ગમોમાં અનેકા અનેક પર્વો કહેલાં છે પણ કર્મોના મર્મને છિન્નભિન્ન કરનાર પર્યુષણ સમું કોઈ પર્વ નથી માટે જ એને ‘પર્વાધિરાજ’નું સાર્થક બિરુદ આપવામાં આવ્યું છે.
પરિ + ઉષણ એમ બે શબ્દોથી બનેલા પર્યુષણ શબ્દનો શાબ્દિક અર્થ થાય છે - ચારે બાજુથી ખસીને એક જગ્યાએ વસવું. પરંતુ અશુભ ભાવોમાં ભટકી રહેલા મનરૂપી ઍરોપ્લેનને શુભ ભાવના રનવે ઉપર દોડાવી શુદ્ધ ભાવ - આત્મભાવના અસીમ આકાશમાં ઉડ્ડયન કરાવવું એ પર્યુષણનો તાત્ત્વિક અર્થ છે.
પ્રભુની પરમતાને પામવા અને પર પદાર્થોના પનારાથી છૂટવા, ચાલો પાંચ ‘પ્ર’ના સમ્યક પાલન દ્વારા આ પર્વાધિરાજ પર્યુષણને સફળ કરીએ. આ પાંચ એટલે પ્રવચન, પ્રતિક્રમણ, પ્રક્ષાલન, પ્રશમભાવ અને પ્રત્યાખ્યાન.
વાત કરીએ હવે જરા વિગતે. 
સૌથી પહેલાં વાત પ્રવચનની...
સંસારથી વિરક્તિ અને મુક્તિમાં આસ્કિટ પ્રગટાવતું પવિત્ર સંગીત એટલે ‘પ્રવચન’. સ્વજીવનમાં કરવા યોગ્ય અને ન કરવા યોગ્યના વિવેકને વિશિષ્ટ રીતે વિશ્લેષણ કરતું સહસંસ્કૂલ સેશન એટલે ‘પ્રવચન’, સદ્ગુરુની અજબ ઑરાને પામી નિજાત્મદશાને ઉજજાગર કરવાની અદ્ભુત તક એટલે ‘પ્રવચન’. રોહિણિયો ચોર, અર્જુનમાલી, ચિલાતીપુત્ર આદિ અનેક ક્રૂર હિંસક જીવોના જીવનમાં અમૂલચૂલ પરિવર્તન લાવનાર પાવરફુલ પરિબળ ‘પ્રવચન’ છે અને એટલા માટે જ તો કહ્યું છે, 
એક ઘડી, આધી ઘડી, આધી મેં પુની આધ તુલસી સંગત સાધુ કી, કેટ કોટી અપરાધ
એમાં પણ શ્રી અષ્ટાહ્નિકા સૂત્ર અને શ્રી કલ્પસૂત્ર આધારે અપાતાં પર્વાધિરાજ પર્યુષણનાં પ્રવચનોમાં પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતો પોતાની સાધનાનો તમામ નિચોડ પીરસતાં હોય છે એટલે આ પર્વમાં પ્રવચન ચૂકશો નહીં.
બીજા નંબરે આવે છે પ્રતિક્રમણ...
‘માણસ માત્ર ભૂલને પાત્ર’ ઉક્તિ અનુસારે સમસ્થ જીવોથી થાય, જેનાથી પાપ થાય જ નહીં તે ‘ઈશ્વર’ કહેવાય. પાપ કરીને જે પસ્તાય તે ‘ઇન્સાન’ કહેવાય. પાપ આચરવા છતાં એનો એક્શન ન કરનાર ‘શેતાન’ કહેવાય અને પાપ કરી ઉપરથી રાજી થનાર ‘હેવાન’ કહેવાય છે. આપણે કઈ કૅટેગરીમાં છીએ એ સ્વયં વિચારી લેવું. 
થયેલાં પાપસ્થાનકોથી પશ્ચાત્તાપ રૂપી રિવર્સ ગિયર દ્વારા પાછા ફરવું એ પ્રતિક્રમણ. એમ તો પ્રભુએ પ્રતિક્રમણને ‘આવશ્યક’ એટલે દરરોજ કરવા યોગ્ય કહ્યું છે છતાં એ ન કરી શકનારે પર્યુષણના આઠ દિવસોમાં દેવસિક - રાઈ - પક્ખમી પ્રતિ ક્રમનો અને છેલ્લા દિવસે વર્ષ ભરનાં પાપોને ધોવાની તાકાત ધરાવતું સવંત્સરી પ્રતિક્રમણ તો અવશ્ય કરવું જોઈએ, જેમ અઈમૂત્તા નામે બાલમુનિને એક ઈર્યાવહી સૂત્ર પણ ભાવપૂર્વક બોલવાથી કેવલ જ્ઞાનની સંપ્રાપ્તિ થઈ એમ ભાવપૂર્વક કરાતી પ્રતિક્રમણાદિ શુભ ક્રિયાઓ કર્મનિર્જરાનું ઉત્તમ સાધન છે.
ત્રીજા નંબરે છે પ્રક્ષાલણ...
દૂધ આદિ પંચામૃતથી દેવાલયમાં બિરાજમાન પ્રભુજીનો પ્રક્ષાલ તો અનેક વાર કર્યો, પણ હવે દેહાલયમાં બિરાજમાન સ્વ આત્મ પ્રભુનો પાપ એકરારનાં અશ્રુથી. દુષ્કૃત ગર્હાના અશ્રુથી પ્રક્ષાલ કરવાનો છે. અનંતભવોમાં એકત્રિત થયેલા રાગ-દ્વેષના મલને દૂર કરવાનો બ્રૅન્ડેડ દિવસ એટલે સંવત્સરી. એ દિવસે ગૌશાળા, ચંડકૌશિક જેવાને તારનાર પાપ એકરાર રૂપી સ્ટીમરમાં બેસી આપણે પણ સંસાર સાગરને પાર પામવા પ્રયત્ન કરવો રહ્યો.
આ પ્રયાસ કરનારો ક્યારેય સંસાર પાર કર્યા વિના રહેતો નથી એ એટલું જ સાચું છે અને આ જ સત્યને હવે પામવાનું છે.
ચોથા નંબરે આવે પ્રશમભાવ...
સૌથી પહેલાં તો પ્રશમભાવનો અર્થ સમજવો જોઈએ. પ્રશમભાવ એટલે ક્ષમા. પર્વાધિરાજનો મહત્ત્વનો સંદેશ આ ક્ષમા છે. એક પણ જીવ સાથે વેર રાખનારને જિનશાસનમાં એન્ટ્રી નથી. તેથી બની ચૂકેલા ખાટા પ્રસંગોને વીસરી આ પર્યુષણમાં ક્ષમાનું આદાન-પ્રદાન આપણે કરવું જ રહ્યું.
ક્ષમા આપશો તો જ ક્ષમા મળશે એ પણ યાદ રાખવું જોઈએ.
પાંચમા નંબરે છે પ્રત્યાખ્યાન 
યથાશક્તિ અદ્રાઈ - અદ્રમ આદિ તપસ્યાનો અભિગ્રહ લેવો એ પ્રત્યાખ્યાન. જેમ અગ્નિમાં તપાવેલું સોનું પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે એમ તપરૂપી અગ્નિ દ્વારા પવિત્ર થયેલો જીવ શિગ્ર મોક્ષને પામે છે.
પાંચ ‘પ્ર’ની આરાધના સહિતનું આ પર્યુષણ આપણા સૌ માટે આત્માનુભૂતિ પ્રદાયક પર્વ બનો એ જ પરમ કૃપાળુ પ્રભુને પ્રાર્થના..
હવે પછીના દિવસોમાં આપણે પર્યુષણનાં પાંચ કર્તવ્યો ઉપર વિસ્તૃત વિચારણા કરીશું અને સાથોસાથ 
કહેવાનું કે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો મન, વચન અને કાયાથી મિચ્છા મિ દુક્કડં.

લેખાંકન પ. પૂ.આ. ભ. 
શ્રી મહોદયસાગરસૂરીશ્વરજી મ. સા.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2022 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK