Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > International Translation Day 2021 : વિશ્વની વિવિધ ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદિત આ પુસ્તકો તમે વાંચ્યા છે?

International Translation Day 2021 : વિશ્વની વિવિધ ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદિત આ પુસ્તકો તમે વાંચ્યા છે?

30 September, 2021 01:56 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

વિશ્વ સાહિત્યમાંથી આપણી માતૃભાષા ગુજરાતીમાં અનુવાદિત થયેલા આ પુસ્તકો વાંચવાથી જીવનની ઘણી બધી ચાવીઓ જડી શકે છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અનુવાદ વ્યવસાય વિશે જાગૃતિ અને સમાજના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતી ભાષાઓ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ (International Translation Day) ઉજવવામાં આવે છે. તે ભાષા વ્યાવસાયિકો એટલે કે ટ્રાન્સલેટરના કાર્યની સરાહના કરવાના હેતુ સાથે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ અનુસાર “આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ભાષા વ્યાવસાયિકોના કામની સરાહના કરવા માટે ઊજવવામાં આવે છે, જે રાષ્ટ્રોને એકસાથે લાવવા, સંવાદ, સમજણ અને સહકારને સરળ બનાવવા, વિકાસમાં યોગદાન આપવા, વિશ્વ શાંતિને મજબૂત કરવા અને સુરક્ષામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.”

વિશ્વ સાહિત્ય સમજવા અનુવાદ જરૂરી છે. બીજી ભાષાનું સાહિત્ય અને તે સમુદાયની સંસ્કૃતિને જાણવા અને આપણા સમાજમાં તે સંસ્કૃતિના સારા ગુણ અમલમાં મૂકવામાં અનુવાદ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો આવો જાણીએ કેટલાક એવા પુસ્તકો જેનો અનુવાદ વિવિધ ભાષાઓમાંથી ગુજરાતીમાં થયો છે. જ્ઞાનના ભંડારરૂપી અવનવી વાતો અને હકીકતે સાથેના આ પુસ્તકો તમારે ખાસ વાંચવા જોઈએ.



૧.


સેપિયન્સ - આ પુસ્તકમાં માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ પ્રતિષ્ઠીત ઇઝરાયલી લેખક યુવલ નોઆ હરારી દ્વારા ટાંકવામાં આવ્યો છે. સૌપ્રથમ વર્ષ 2011માં ઇઝરાયેલમાં હિબ્રુમાં પ્રકાશિત થયું હતું અને 2014માં અંગ્રેજીમાં તેનો અનુવાદ થયો હતો. હોમો સેપિયન્સ એટલે કે `આપણે` `માનવો` વિશે વાત કરતું આ પુસ્તક, પાષાણ યુગથી શરૂ કરીને, એકવીસમી સદી સુધી જઇને માનવજાતના ઇતિહાસનું વર્ણન કરે છે. પુસ્તકમાં કેવી રીતે આપણે સાધારણ વાંદરમાંથી પૃથ્વીના શાસક બન્યાથી લઈ અને આવનારાં હજારો વર્ષોમાં આપણી દુનિયા કેવી હશે? તે તમામનું ચીવટથી વર્ણન કરવામાં આવ્યું છે. આ બેસ્ટ સેલર પુસ્તકનો ગુજરાતી અનુવાદ લેખક અને પત્રકાર રાજ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યો છે. 


૨.

 

ઍટિટ્યૂડ is Everything - જેફ કેલરનું આ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર પુસ્તક તમારા જીવનમાં પણ સકારાત્મક ફેરફાર લાવી શકે છે. નામ પ્રમાણે જ પુસ્તકમાં ઍટિટ્યૂડ એટલે કે અભિગમ વિશે વાત છે. લેખક મુજબ આપણા અભિગમમાં એ શક્તિ છે કે તે આપણું જીવન બદલી શકે છે. વિચાર, વાણી અને વર્તન ત્રણેયમાં વ્યક્તિનો અભિગમ વર્તાય આવે છે. તેથી જો તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માગતા હોવ તો તમે આ પુસ્તક સાથે તેની શરૂઆત અચૂક કારી શકો છો. આ પુસ્તક પણ ગુજરાતીમાં ઉપલબ્ધ છે.

૩.

ઍલ્કેમિસ્ટ - ઍલ્કેમિસ્ટ બ્રાઝીલીયન લેખક પૉલો કોએલોની નવલકથા છે જે સૌપ્રથમ 1988માં પ્રકાશિત થઈ હતી. મૂળ પોર્ટુગીઝમાં લખાયેલી આ નવલ કથા વ્યાપકપણે આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર તરીકે અનુવાદિત થઈ છે. આ એક અલંકારિક નવલકથા છે. આ વાર્તામાં મુખ્ય પાત્ર એક ખજાનો શોધવાનું વારંવાર સ્વપ્ન જોયા પછી, પોતાના આ સ્વપ્નને સાકાર કરવા ઇજિપ્તના પિરામિડની યાત્રામાં નીકળી પડે છે. મૂળભૂત રીતે ઍલ્કેમિસ્ટ સેવેલા સપનાંને સાકાર કરવાની પ્રેરણાત્મક કથા છે, જેનો વિશ્વની વિવિધ ૬૭ ભાષાઓમાં અનુવાદ થયો છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ સુધા મહેતાએ કર્યો છે. આ પુસ્તકનો સૌથી પહેલો અનુવાદ ઇમેજ પબ્લિકેશન દ્વારા `કિમીયાગર`ને નામે પ્રકાશિત થયો હતો જે અવનીશ ભટ્ટે કર્યો હતો. સપનાંઓની ખોજ અંતરથી જ થઇ શકે અને તેને સાકાર કરવાં કપરાં હોઇ શકે છે પણ અશક્ય નહીં તે આ પુસ્તકનો સાર છે. 

૪.

The Intelligent Investor - પુસ્તકનું નામ ભલે અંગ્રેજીમાં હોય, પરંતુ તેનું ગુજરાતી સ્વરૂપ પણ આ જ નામે ઉપલબ્ધ છે. બેન્જામિન ગ્રેહામનું આ પુસ્તક પ્રથમ 1949માં પ્રકાશિત, વૅલ્યૂ ઇન્વેસ્ટિંગ પર વ્યાપકપણે વખાણાયેલ પુસ્તક છે.  આ પુસ્તક વાચકોને વ્યૂહરચના શીખવે છે કે શેરબજારમાં વૅલ્યૂ ઇન્વેસ્ટિંગનો સફળતાપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો. ઐતિહાસિક રીતે, આ પુસ્તક રોકાણ પર સૌથી લોકપ્રિય પુસ્તકોમાંનું એક રહ્યું છે. ઘણા પ્રખ્યાત રોકાણકારોએ શેરબજારમાં વૅલ્યૂ કેવી રીતે નક્કી કરવી અને તેમના પોર્ટફોલિયો માટે સફળતાપૂર્વક શેરોની પસંદગી કેવી રીતે કરવી તે શીખવા માટે તેની પ્રશંસા કરી છે.  પુસ્તકનું મુખ્ય વિશ્લેષણ વૅલ્યૂ ઇન્વેસ્ટિંગ, બજારનું મૂલ્ય નક્કી કરવા પર કેન્દ્રિત છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ રાજેશ ભટ્ટે કર્યો છે.

૫.

પોલીએના - પોલીએના એ અમેરિકન લેખક એલેનોર એચ. પોર્ટરની 1913ની નવલકથા છે, જે બાળસાહિત્યનો ઉત્તમ નમૂનો ગણાય છે.  પુસ્તકની સફળતાને કારણે પોર્ટરે ટૂંક સમયમાં જ સિક્વલ લખી હતી. "ગ્લેડ બુક્સ" તરીકે ઓળખાતી અગિયાર વધુ પોલીએના સિક્વલ્સ પાછળથી પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની એલિઝાબેથ બોર્ટન અથવા હેરિએટ લ્યુમિસ સ્મિથે લખી હતી. આ નવલકથાની વાર્તાની વાત કરીએ તો આ પ્રસન્નતાના પ્રયોગ સમી છે. બાલનાયિકા રોજિંદા જીવનમાં આવતી નિરાશાજનક પરિસ્થિતિમાં પણ કેવી રીતે પ્રસન્નતા શોધી કાઢે છે અને જીવનને માણવા લાયક બનાવે છે તેની વાર્તા વાચકને સતત જકડી રાખે તેવી છે. ગુજરાતી અનુવાદ નીતિન ભટ્ટે કર્યો છે અને આ પહેલાંની કૃતિનો અનુવાદ રશ્મી દેસાઇએ કર્યો છે. હકારાત્મક અભિગમ અપનાવવાની દોડમાં પોલીએનાની વાત તમને ઘણું શીખવી જશે એ ચોક્કસ.

૬.

ન હન્યતે - ન હન્યતે ભારતીય કવિ અને નવલકથાકાર મૈત્રેયી દેવી દ્વારા 1974માં લખાયેલી નવલકથા છે, જે મહાન બંગાળી કવિ રવિન્દ્રનાથ ટાગોરની પછીને પઢીના હતા. લેખકને આ નવલકથા માટે 1976 માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો. તેણીએ રોમાનિયન ફિલસૂફ મિર્ચા યુક્લિડ પુસ્તક લા ન્યુટ બંગાળી એટલે કે અંગ્રેજીમાં બેંગાલ નાઇટ્સનો જવાબ આપવા આ નવલકથા લખી હતી, જે ઇલિયાડની ભારત મુલાકાત દરમિયાન તેમના રોમાંસના કાલ્પનિક વર્ણન સાથે સંબંધિત છે. આ પુસ્તકનું ગુજરાતી અનુવાદન નગીનદાસ પારેખે કર્યું હતું. સંજય લીલા ભણસાળીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં ઘણા હિસ્સા અને સિન્સ મૈત્રેયી દેવીના પુસ્તકમાંથી પ્રેરિત હતાં. આ વાસ્તવિક જીવનમાં થયેલી ઘટનાઓને આધારે લખાયેલું પુસ્તક છે. લેખક તરીકે સ્થાપિત થયા પછી મૈત્રેયી  દેવીને ખબર પડે છે કે સગીર વયે જેના પ્રેમમાં હતા તેવા મિર્ચાએ તેમના સંબંંધો વિશે એક પુસ્તક લખ્યું છે અને તેમાં તેમની વચ્ચે ઘનિષ્ટ શારીરિક સંબંધ હોવાની વાત કરાઇ હોવાથી જૈફ વયે પહોંચેલા મૈત્રેયી દેવીને આઘાત પહોંચે છે અને તેમણે ન હન્યતે એટલે કે જેને હણી નથી શકાતું તેવો એટલે કે પ્રેમની લાગણીને કેન્દ્રમાં રાખી પોતાને મિર્ચા સાથે શું સંબંધ હતો તેની વાત આ પુસ્તકમાં કરી છે. તેઓ પોતે મિર્ચાને મળવા પણ જાય છે, તે પણ એવા વખતે જ્યારે તેઓ દાદી બની ચૂક્યાં છે અને ત્યારે અંધ થઇ ગયેલા પ્રેમી સામે તેમને ફરિયાદ રહે છે કે નહીં તે જાણવા તમારે પુસ્તક વાંચવું રહ્યું. 

૭. 

દુખિયારાં - અન્યાય, વીરતા અને પ્રેમની વિક્ટર હ્યુગોની લા-મિઝરેબલ નવલકથા ક્લાસિક ગણાય છે. માનવી સંવેદનાઓને આધારે લિખિત આ વાર્તા જીન વાલજીનના નસીબ પર છે, જે એક નાસી છૂટેલો ગુનેગાર છે જેણે તેના ગુનાહિત ભૂતકાળને પાછળ રાખી આગળ વધવાનો નિર્ણય કર્યો છે, પરંતુ સમાજના આદરણીય સભ્ય બનવાના તેના પ્રયાસો સફળ થવાનું નામ લેતા નથી. આ મૂળ ફ્રેન્ચ નોવેલ છે અને તેને ૧૯મી સદીની ઉત્તમ નવલકથાઓમાંની એક માનવામાં આવે છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ મૂળશંકર મો. ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ પુસ્તક પરથી ક્લાસિક અને આધુનિક ફ્લેવર વાળી ફિલ્મો પણ બની છે, હિંદી ફિલ્મોમાં પણ તેના રેફરન્સિસ લેવાયા છે. જીન વાલજીન, કોઝેટ, ગાવરોશ, ફોન્ટેન આ બધાં ક્યારેય ન ભૂલી શકાય તેવાં અમર પાત્રો છે. 

૮.

સળગતાં સૂરજમુખી - આ પુસ્તક ઇરવિન્ગ સ્ટોન લિખિત લસ્ટ ફોર લાઇફનું ગુજરાતી અનુવાદન છે, જે પ્રખ્યાત ડચ ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોઘના જીવન અને તેમની મુશ્કેલીઓ વિશે લખાયેલી જીવનચરિત્ર નવલકથા છે. તે સ્ટોનનું પ્રથમ મુખ્ય પ્રકાશન હતું, અને મોટા ભાગે વિન્સેન્ટ વેન ગોઘ અને તેના નાના ભાઈ આર્ટ ડીલર થિયો વાન ગોઘ વચ્ચેના પત્રોના સંગ્રહ પર આધારિત છે. આ પત્રવ્યવહાર કલાકારના વિચારો અને માન્યતાઓ વિશે જણાવે છે. જો તમે પણ ક્લાપ્રેમી હો તો આ પુસ્તક તમારે ખાસ વાંચવું રહ્યું. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ વિનોદ મેઘાણી દ્વારા કરાયો છે.

૯.

સુખને એક અવસર તો આપો - કેવી રીતે જીવનને એની તમામ વિષમતાઓ સાથે સ્વીકારી શકાય? કેવી રીતે પાર વગરની પીડાઓ વચ્ચે પણ સ્વસ્થ રહી શકાય? જો તમારા જીવનમાં પણ આવા જ કોઈ પ્રશ્નો હોય તો સમજો કે તમને એનો જવાબ મળી ગયો છે. ફિલ બોસમન્સ લિખિત આ પુસ્તક જીવનમાં અવારનવાર સામે આવતા પ્રશ્નો વિશે વાત કરે છે અને આશાવાદ જગાવે છે. બેલ્જિયમના વતની ફિલ બોસમન્સે આ પુસ્તક ફ્લેમિશ ભાષામાં લખ્યું હતું. તેનો ગુજરાતી અનુવાદ રમેશ પુરોહિતે કર્યો છે.

૧૦.

સુધા મૂર્તિ મનની વાત - એક માણસ તેના વૃદ્ધ પિતાને તેને બેઘર અજાણી વ્યક્તિ જાહેર કરી વૃદ્ધાશ્રમમાં ફેંકી દે છે. સહ્યાદ્રીની ટેકરીઓમાં એક આદિવાસી મુખ્ય લેખકને શીખવે છે કે મેળવવામાં પણ નમ્રતા છે અને એક બીમાર સ્ત્રી તેમના ઉપકારનો આભાર માનવાનું મૃત્યુ પથારીએ પણ યાદ કરે છે.  સુધા મૂર્તિએ આ પુસ્તકમાં જે દેશભરના લોકોનું વર્ણન કર્યું છે. સુધા મૂર્તિએ પોતાના આ પુસ્તકમાં 50 જેટલા કિસ્સા શેર કર્યા છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ સોનલ મોદીએ કર્યો છે.

આ પુસ્તકો ઉપરાંત બીજાં ઘણાં પુસ્તકો છે જે ગુજરાતીમાં ઉપલબ્ધ છે. જાણીતા ભારતીય અને વિદેશી લેખકોનાં આ પુસ્તકોની યાદી લાંબી છે પણ રબિન્દ્રનાથ ટાગોર, શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય, પ્રતિભા રોય,  મહાશ્વેતા દેવી, લક્ષ્મણ ગાયકવાડ ઉપરાંત મારિયો પુઝો, શિડની શેલ્ડન, જેફ્રી આર્ચર, જેમ્સ હેડલી ચેઝ, જે કો રોલિંગ જેવા અનેક લેખકોને તમે તમારી માતૃભાષામાં વાંચીને વિશ્વ સાહિત્ય સાથે પરિચય બહેતર બનાવી શકશો.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2021 01:56 PM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK