આખો દિવસ ભદ્રાની છાયા છે એટલે આવા સમયે હોળી પ્રગટાવવાથી કે પૂજા કરવાથી અહિત થવાનો મત
વારાણસીમાં હોલિકાદહનની તૈયારી
આજે હોળી છે ત્યારે મોટા ભાગના લોકો સાંજના સમયે હોળીદહન કરીને પૂજા કરે છે. જોકે આજે સવારના ૧૦.૩૮ વાગ્યાથી રાતના ૧૧.૩૦ વાગ્યા સુધી ભદ્રાની છાયા છે, જેનું મુખ પૃથ્વીલોક તરફ હોવાથી આ સમય અશુભ હોવાનું શાસ્ત્રીઓનું કહેવું છે. આવા સમયે હોલિકાદહન કે પૂજા કરવાથી ફાયદો થવાને બદલે અહિત થાય છે. આથી શાસ્ત્ર મુજબ આજે રાત્રે ૧૧.૩૦ વાગ્યા પછી જ હોલિકાદહન અને હોળીની પૂજા કરવી યોગ્ય રહેશે.
હોળીમાં અશ્લીલ ગીતો વગાડવા અને પાણીના ફુગ્ગા ફેંકવા પર પોલીસે મૂક્યો પ્રતિબંધ
આજે હોળી અને આવતી કાલે ધુળેટી છે ત્યારે હોલિકાદહન અને હોળી સંબંધિત કાર્યક્રમ માટે મુંબઈ પોલીસે ગઈ કાલે ઍડ્વાઇઝરી બહાર પાડી હતી, જે ૧૮ માર્ચ સુધી અમલમાં રહેશે. ઍડ્વાઇઝરી મુજબ સાર્વજનિક સ્થળોએ અશ્લીલ શબ્દો કે સૂત્રોનું ઉચ્ચારણ કરવું, અશ્લીલ ગીતો વગાડવા અને પાણી કે રંગ ભરેલા ફુગ્ગા ફેંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત રસ્તામાં જતા લોકો પર રંગીન પાણી, રંગ કે પાઉડર ફેંકનારાઓ પર પોલીસ સખત કાર્યવાહી કરશે. હોળી અને ધુળેટીની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થતા હોય છે એટલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે મુંબઈભરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.
ADVERTISEMENT
ભદ્રાની છાયા એટલે શું?
મીરા રોડમાં ગણપતિ અને માતૃમંદિરનું સંચાલન કરતા શાસ્ત્રી દિનેશ રાજ્યગુરુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શાસ્ત્ર મુજબ ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિની બહેન છે. ભદ્રાનું મુખ જે તરફ હોય એ બાજુએ એની અસર જોવા મળે છે. કુંભ, મીન, કર્ક અને સિંહ રાશિમાં ચંદ્ર હોય ત્યારે ભદ્રાનું મુખ પૃથ્વીલોક તરફ હોય છે. આજે સવારના ૧૦.૩૮થી રાતના ૧૧.૩૦ વાગ્યા સુધી ભદ્રાની છાયા રહેશે. આપણે પૃથ્વીલોકમાં છીએ અને હોળી પણ આ જ લોકમાં પ્રગટાવવામાં આવશે. આથી ભદ્રાની છાયા હોય એવા સમયે હોળી પ્રગટાવવામાં આવે તો જીવાત્માની હાનિ થાય છે. એની અસર આપણને પણ થાય છે અને આપણું અહિત થાય છે. ઘરમાં અશાંતિ રહે છે કે આર્થિક નુકસાન થઈ શકે છે. ભદ્રાની છાયા પૂરી થયા બાદ હોળી પ્રગટાવીને પૂજા કરવાથી એનું યોગ્ય ફળ મળશે. ભદ્રાનું મુખ પાતાળ કે સ્વર્ગલોક તરફ હોય ત્યારે એ આપણા માટે પણ અશુભ નથી રહેતી.’

