Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સાંસ્કૃતિક વારસાનો દરજ્જો ગરબાને આપશે ઊંચી ઉડાન

સાંસ્કૃતિક વારસાનો દરજ્જો ગરબાને આપશે ઊંચી ઉડાન

30 August, 2022 03:37 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

હાલમાં ભારત સરકારે ગરબાને ઇન્ટૅન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે નૉમિનેટ કર્યા છે.

અલ્પેશ રાવલ અને સૃષ્ટિ દેસાઈ

કલ્ચર સ્પેશ્યલ

અલ્પેશ રાવલ અને સૃષ્ટિ દેસાઈ


પરંપરાગત લોકનૃત્ય ગરબાને યુનેસ્કોની ઇન્ટૅન્જિબલ કલ્ચરલ હેરિટેજની યાદીમાં સમાવિષ્ટ કરવા માટે તાજેતરમાં નામાંકન કરવામાં આવ્યું છે અને યુનેસ્કોના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષે આ બાબતે વિચારણા કરવામાં આવશે. એવા સમયે અમે ગરબારસિકોને પૂછ્યું કે તમારું શું માનવું છે

હીંચ વાગે અને જેના પગ જરાઅમથા પણ થિરકે નહીં એ ગુજરાતી ન કહેવાય. આ વાતમાં જરાય અતિશયોક્તિ નથી. જેમ થેપલાં-ખમણ અને ખાખરા ગુજરાતીના નાસ્તામાં અમીટ સ્થાન ધરાવે છે એવું જ ગરબાનું છે. આ માત્ર એન્ટરટેઇન્મેન્ટ માટેનું ડાન્સ ફૉર્મ નથી, એ આપણી પરંપરા છે. ગુજરાત અને ગુજરાતીઓની સંસ્કૃતિ એમાં છલકે છે. હાલમાં ભારત સરકારે ગરબાને ઇન્ટૅન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે નૉમિનેટ કર્યા છે. અત્યાર સુધી રામલીલા, વેદિક મંત્રો, કુંભ મેળો જેવી ભારતની કુલ ૧૪ બાબતો ઇન્ટૅન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે પ્રમાણિત થઈ ચૂકી છે. ગયા વર્ષે એમાં લેટેસ્ટ ઉમેરો થયો છે કલકત્તાના દુર્ગા પૂજા ફેસ્ટિવલનો. એ પછી હવે ગુજરાતના ગરબાનો વારો છે. યુનેસ્કોને અધિકારીઓએ પણ આ નૉમિનેશન પર આવતા વર્ષે વિચાર કરવાનું કહ્યું છે ત્યારે મુંબઈના ગુજરાતીઓ અને ગરબાપ્રેમીઓ આ વિશે શું માને છે એ જાણવાનું રસપ્રદ રહેશે.



મુંબઈ જેવી ફાસ્ટ પેસ્ડ લાઇફમાં પણ નવરાત્રિ આવે ત્યારે ગરબા રમવાનો સમય ચોરી લેતા હોય એવા ગરબાપ્રેમીઓ મળી જ જાય છે. અને નવાઈની વાત એ છે કે હવે ગરબા માટે યંગ બ્રિગેડ પણ ખૂબ ઍક્ટિવ છે. મુલુંડ અને ઘાટકોપરની બે કૉલેજોમાં વિઝિટિંગ પ્રોફેસર એવાં સૃષ્ટિ દેસાઈ કહે છે, ‘હું કથક વિશારદ છું અને ગરબા માટે જબરદસ્ત પૅશન ધરાવું છું. આપણી સંસ્કૃતિને આગળ ધપાવવા માટે ગરબાને યુનેસ્કોમાં હેરિટેજનું સ્થાન મળવું જ જોઈએ. તો જ આજનું યુથ પરંપરાને જાળવી રાખવા માટે મોટિવેટેડ થશે. રાધર, બીજા શબ્દોમાં કહું તો આપણી સંસ્કૃતિ શું છે એ સમજવા માટે પણ આ જરૂરી છે. મને ઇન્ડિયન કલ્ચર બહુ જ ગમે છે. ક્લાસિકલ ડાન્સ અને ફોક ડાન્સ એ આપણી સમૃદ્ધિ છે. ગુજરાતમાં જ નહીં, આખા ભારતમાં અનેક લોકનૃત્યો છે. એ દરેકને યોગ્ય સન્માન મળવું જોઈએ. આપણી પૌરાણિક સંસ્કૃતિને જાળવી રાખવા માટે આવાં લોકનૃત્યોને કન્ઝર્વ કરવાં જરૂરી છે.’


સૃષ્ટિને તો ગર્ભસંસ્કારમાં જ ગરબા મળ્યા છે અને હાલમાં થતા ફાસ્ટ પેસ્ડ ગરબાને પણ તે એન્જૉય કરે છે. મુંબઈમાં થતા ગરબામાં આવેલા ચેન્જિસ વિશે તે કહે છે, ‘તમે જોશો ઑથેન્ટિક ગરબા બહુ સ્લો હોય છે, જ્યારે મુંબઈની ફાસ્ટ લાઇફ જીવનારાઓને ગરબામાં પણ સ્પીડ આકર્ષે છે. એ બદલાવ મુંબઈની નવરાત્રિમાં તમને જોવા મળશે જ. ક્લાસિકલ ડાન્સ હોય કે લોકનૃત્ય, એની નજાકતને બરકરાર રાખીને યુથને આકર્ષાય એવા બદલાવો થાય એમાં કશું ખોટું નથી. હું પણ મારી કોરિયોગ્રાફીમાં કંઈક નવું કરવા મથતી હોઉં છું, પણ હા, એમાં ગરબાની પરંપરાગત બાબતોની જાળવણી થાય એનું ધ્યાન રાખું છું. ઇન ફૅક્ટ, નૈતિક નાગડા કહો કે ફાલ્ગુની પાઠક, દરેકના ગરબાના તાલમાં ભલે મૉડર્ન ટચ હોય, એમાં માતાજીના પ્રાચીન ગરબા અને કૃષ્ણ-રાધાના રાસ હજીયે જળવાયેલા જ હોય છેને!’

પરંપરા બહુ મહત્ત્વની છે


ધૃતિ ખંધેડિયા

મેકૅનિકલ એન્જિનિયર થયેલા અને હાલમાં ઈ-કૉમર્સ સ્ટાર્ટઅપ શરૂ કરનારા અલ્પેશ રાવલ ગરબાનું એક ગ્રુપ ચલાવે છે. ગરબા એ માત્ર નવરાત્રિ વખતે થતો ડાન્સ નથી, એ આપણી પરંપરા છે એવું માનતા અલ્પેશ કહે છે, ‘આપણે ગરબા કહીએ છીએ, પણ એ સાચો શબ્દ નથી. એ અપભ્રંશ થયેલો છે. એ આપણી પૌરાણિક સંસ્કૃતિ છે જે એક રીતે ગર્ભસંસ્કારનું કામ કરે છે. સગર્ભા સ્ત્રીના શરીરમાં રહેલા ગર્ભની એમાં વાત છે. આપણે ત્યાં માટીનો ગરબો હોય છે એ પ્રેગ્નન્ટ સ્ત્રીની કૂખમાં રહેલા જીવને સિમ્બલાઇઝ કરે છે. ગરબા આપણને સમજાવે છે કે જીવન એક ચક્ર છે. હવે બધા લોકો પોતપોતાની મેળે વેરવિખેર ગરબા રમે છે, પણ તમે જોયું હશે તો ગરબા હંમેશાં સર્કલમાં થતા. ગોળાકારે ઘૂમવાની આ પ્રક્રિયામાં પણ બહુ મોટી સમજ છુપાયેલી છે. ગરબા થકી માતાજીની આરાધના આપણને ઘણું શીખવી જાય છે. એ સમજાવે છે કે જીવન એક લાઇફ સાઇકલ છે. જીવન પછી મૃત્યુ આવે છે, પણ ત્યાર બાદ તમારે બીજી યોનિ કે બીજા ખોળિયામાં નવું જીવન જીવવાનું છે. બીજું, ગરબામાં તાળીનું બહુ જ મહત્ત્વ છે. તાળીનું સાયન્ટિફિક રીઝન બ્લડ-સર્ક્યુલેશન વધે એ છે. તાળી પાછળની બીજી પૌરાણિક માન્યતા એ પણ છે કે તાળીના અવાજથી જે પવિત્ર સાઉન્ડ પેદા થાય છે એનાથી નકારાત્મક એનર્જી દૂર થાય છે. જ્યારે ઘણાબધા લોકો ભેગા મળીને તાળીનો એ સાઉન્ડ પેદા કરે તો આસપાસમાં ક્યાંય પણ નકારાત્મક ઊર્જા હોય તો એ દૂર થાય છે. આ બધું કહેવાનો મતલબ એ જ કે જો ગરબાને વૈશ્વિક ધોરણે હેરિટેજનું સ્થાન મળે તો આ પૌરાણિક સમજણનો ખજાનો સાચવી શકાશે અને એને વિશ્વભરમાં ફેલાવી પણ શકાશે. ખરા અર્થમાં ગરબા ઇન્ટૅન્જિબલ હેરિટેજ છે. ઇન્ટૅન્જિબલ એટલે કે જેને માપી ન શકાય એવું. યસ, ગરબા કરવા એ મેન્ટલ સ્ટેટ કે ફીલિંગ છે અને એમાં સ્કાય ઇઝ ધ લિમિટ છે. હા, જેમને માતાજીની આ વાતોમાં રસ નથી તેમના માટે હું કહેતો હોઉં છું કે ભલે, ભક્તિથી નહીં, એક્સરસાઇઝ તરીકે કરો તો અફલાતૂન હાઈ ઇન્ટેન્સિટી કાર્ડિયો બની શકે છે.’

વેસ્ટર્ન લુક વધી ગયો...

અંકિત પાંધી

પાંચ વર્ષની ઉંમરે ગરબા કરવા લાગેલી કાંદિવલીની ધ્રુવી ખંધેડિયા પણ ગરબાના મૂળ અર્થ ગરભાને ધ્યાનમાં રાખવાની વાત સાથે સહમત થતાં કહે છે, ‘ભલે નવ દિવસનો ગરબાનો ઉત્સવ કેટલાક લોકો માટે એન્જૉય કરવાનો હોય, પણ એનું ઇન્ટરપ્રિટેશન લોકો સમજે એ માટે પણ આ નૃત્યને હેરિટેજનું સ્ટેટસ આપવું જ જોઈએ. હા, હવે એમાં બદલાવ આવ્યો છે, શાંત ગરબા હવે સ્પીડવાળા થયા છે. લુક પણ બદલાયો છે, ટ્રેડિશનમાં વેસ્ટર્નાઇઝેશન વધ્યું છે. જોકે બૉલીવુડમાં આવતા ગરબાઓને કારણે એને ગ્લોબલ ઓળખ મળવા લાગી છે. ખાસ કરીને દીપિકાના ગરબા પછી બૉલીવુડ-ગરબાની જાણે નવી રેન્જ ઊભી થઈ છે. હવે તો ગરબાનાં સ્ટેપ્સને પણ નગાડા અને છોગાળા જેવાં નામો મળવા લાગ્યાં છે. હીંચ અને તાળીને બદલે વેસ્ટર્ન લુક આવ્યો છે. લોકો સાલ્સાથી ઇન્ફ્લુઅન્સ થઈને પણ સ્ટેપ્સ કરવા લાગ્યા છે. જો ગરબાને હેરિટેજ સ્ટેટસ મળે તો ચોક્કસપણે ટ્રેડિશનલ ગરબાને ઇલૅબરેટ કરવાનો મોકો મળશે.’

કન્ટેમ્પરરીનું મિશ્રણ 

જ્યારે પણ તમે કોઈ બાબતને વધુ લોકો સુધી પહોંચાડવા મથો છો ત્યારે એની ઑથેન્ટિસિટીમાં થોડોક બદલાવ જરૂર આવે છે. વધુ લોકભોગ્ય બનાવવા માટે તમારે એમાં લોકોને ગમે એવાં એલિમેન્ટ્સ પણ ઉમેરવાં પડે છે. ગરબાની પણ હાલમાં એવી જ સ્થિતિ છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં આવેલી ગરબા સીક્વન્સે ગુજરાત સિવાયનાં અન્ય રાજ્યો જ નહીં, દેશવિદેશમાં ગરબાની સોડમ પહોંચાડી છે. જોકે ખરી ટ્રેડિશન તો આપણને હેલ્લારોમાં જોવા મળી કે જેમાં વાર્તા પણ ગરબાની ફરતે જ હતી. કાંદિવલીમાં રહેતો ફૅમિલી બિઝનેસ સંભાળતો હાર્ડકોર ગરબા લવર અંકિત પાંધી કહે છે, ‘ગરબા તો આપણી ટ્રેડિશન છે. એની બીટ સાંભળો અને તમારા પગ થિરકવા જ લાગે. માતાજી જ્યારે પ્રસન્ન થતાં ત્યારે ગરબા રમતાં અને આપણે માતાજીને પ્રસન્ન કરવા માટે ગરબા રમીએ છીએ. અલબત્ત, હવે હું કહીશ કે હવે પહેલાં જેવા ગરબા નથી રહ્યા. એમાં બહુ જ મિક્સિંગ થવા લાગ્યું છે. અત્યારે જે બહુ પ્રચલિત બટરફ્લાય મૂવમેન્ટ છે એ કન્ટેમ્પરરી સ્ટાઇલની અસર છે. ઓરિજિનલ ફોક હવે નથી રમાતું. બહુ ઓછા લોકો એને ફૉલો કરે છે. ડાકલા, હીંચ અને ત્રણ તાળી જેવાં સ્ટેપ્સ જે ગુજરાતમાં હજીયે સેમ સર્કલમાં રમાય છે. પહેલા રાઉન્ડમાં ત્રણ તાળી જ હોય અને બધા એકસરખી મૂવમેન્ટ કરતા હોય. બીજા રાઉન્ડમાં દોઢિયું હોય. હા, એમાં લોકો છ સ્ટેપ્સ અને બાર સ્ટેપ્સ એમ વેરિએશન્સ કરે. જોકે મને લાગે છે કે માતાજીના ગરબા ઓરિજિનલી ફિક્સ સ્ટેપ્સવાળા જ હોવા જોઈએ. ઑથેન્ટિક ગરબામાં જ તાળીઓની મજા છે. તાળી પાડો ત્યારે આપણા ઢીંચણથી નીચે સુધી ઝૂકીને લેવાય એ સાચું સ્ટેપ છે. આજકાલ છોકરાઓ જમ્પ મારીને ફ્લોર રોલ્સ કરે છે એ પણ એક રીતે તો કન્ટેમ્પરરીની મૂવ્સ છે. હવે તો કપડાંમાં પણ હેવી કૉસ્ચ્યુમ્સ આવી ગયાં છે. હેવી અને ચમકદમકવાળા કૉસ્ચ્યુમ્સ જે પહેરે છે એ આપણી પ્રથા નથી. ગરબા માટે છોકરાઓના કૉસ્ચ્યુમ્સ સફેદ જ હોવા જોઈએ. એ પણ એવું કેડિયું જે કમરથી પણ ઊંચું હોય અને ચોયણી પણ ટિપિકલ પ્લીટ્સવાળી હોય. આપણે ત્યાં મુંબઈમાં કોઈ દરજી આવાં ચોયણી-કેડિયું સીવી નથી આપતાં. હું તો મારા માટે છેક ખંભાળિયા જાઉં છું આ પ્રકારના કૉસ્ચ્યુમ્સ સીવડાવવા માટે. ખેર, એ તો આડવાત થઈ. ગરબાને ઇન્ટૅન્જિબલ હેરિટેજની યાદીમાં સ્થાન મળવું જ જોઈએ અને તો જ આપણી પરંપરાને આપણે દેશવિદેશમાં ફેલાવી શકીશું.’

સંજય લીલા ભણસાલીની ફિલ્મોની ગરબા સીક્વન્સે દેશવિદેશમાં ગરબાની સોડમ પહોંચાડી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2022 03:37 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK