આળસના આરંભિક તબક્કામાં માણસ કામ ટાળવાનો પ્રયત્ન કર્યા કરે છે
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
‘સમય’ મનુષ્યજીવનનો સૌથી મોટો અને મૂલ્યવાન ખજાનો છે અને માટે જ વિશ્વની બધી જ સંપત્તિ લગાવીને પણ સમયની એક ક્ષણ ખરીદી ન શકાય એ હકીકતથી આપણે સૌ વાકેફ છીએ. અનુભવ દર્શાવે છે કે જે વ્યક્તિની અંદર ‘આળસ’ નામનો ખતરનાક રોગ છે તે મોટા ભાગે સમયનું મહત્ત્વ સમજી શકતો નથી. જી હાં, આળસ તમામ રોગોનો રાજા કહેવાય છે, કારણ કે એ એટલો ભયંકર છે કે મનુષ્યનાં તન, મન, ધન અને બુદ્ધિને નાશ કરીને એને જડતાની પોલાદી જાળમાં જકડી લે છે. રોગોનું નિદાન અને ઇલાજ સરળતાથી થઈ શકે છે. એ જ રીતે જીવનમાં આવતી મુશ્કેલીઓ ઉકેલવી પણ શક્ય છે, પરંતુ આળસનું આક્રમણ ઓળખવું તથા એને મટાડવું એટલું સહેલું નથી. કારણ કે આળસ પહેલાંથી જ પોતાના છળ-કપટથી માનવની સમજશક્તિ અને સમાધાન કરવાની ક્ષમતાને નષ્ટ કરી નાખે છે. આરામ, સુખ અને મોજની લાલચમાં મનુષ્ય પોતે આળસના ખોળામાં શરણાગત થઈ જાય છે અને પછી આ સંસ્કાર એને ક્યારેય ફરી ઊઠવા નથી દેતો.
આળસના આરંભિક તબક્કામાં માણસ કામ ટાળવાનો પ્રયત્ન કર્યા કરે છે. મનોમન તે વિચારે છે કે ‘આ કામ આજે નહીં, કાલે કરીશ.’ કાલ આવે ત્યારે ફરી વિચાર કરે કે ‘ચાલો, કાલે કરી લઈશ.’ આમ કરીને કાલ ક્યારેય આવતી જ નથી. વિદ્વાનોએ આવા લોકો માટે જ કહ્યું છે, ‘કાલ કાલ કરતા રહેશો તો મરી જશો, કારણ કે કાલ કહેનારા લોકોને કાળ ખાઈ જાય છે.’
ગ્રામોફોન અને વીજળીના શોધક થોમસ એડિસન પાસે એક વખત એક માતા પહોંચી અને તેમને કહ્યું કે મારા દીકરા માટે આપ કોઈ નસીહત લખીને આપો. એડિસન મીઠું મલકાયા અને ‘મેં કામ કરતી વખતે ક્યારેય ઘડિયાળ તરફ નથી જોયું’ વાક્ય લખીને તેમણે પેલી માતાને કાગળ આપ્યો અને કહ્યું કે મેં મારા જીવનમાં ક્યારેય સમય નથી વેડફ્યો અને જે કાર્ય હાથમાં લીધું એને હમેશાં પૂરું કર્યું છે.
ADVERTISEMENT
આળસના સકંજામાં ફસાઈ ગયા પછી એમાંથી બહાર કેવી રીતે આવવું એની સમજ પડતી નથી, કારણ કે તેઓ માને છે કે તેમના વશની વાત નથી. આવી પરિસ્થિતિમાં કોઈ ઉત્સાહી અને સાહસી વ્યક્તિનો સંપર્ક વિશેષ લાભકારી સાબિત થઈ શકે છે. અનુભવે એવું જોવા મળ્યું છે કે ઉત્સાહી, જુસ્સાદાર અને કર્મશીલ વ્યક્તિના સંપર્કમાં આવવાથી આળસુ પણ આળસના રોગમાંથી ધીમે-ધીમે મુક્ત થવા માંડે છે. જેમ અગ્નિના સંપર્કમાં આવતી કઠણ વસ્તુ ગરમ થઈને પીગળી જાય છે એમ આળસુ વ્યક્તિ પણ ઉત્સાહી અને મહેનતુ વ્યક્તિના સંપર્કમાં આવીને સક્રિય બની જાય છે. આપણે એવા લોકોનો સંગ કરીએ જે આપણને સક્રિય રહેવાની પ્રેરણા આપે અને એવા લોકોથી દૂર રહીએ જે આપણને આળસ અને નિષ્ક્રિયતા તરફ દોરી જાય.
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી (રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી આંતરરાષ્ટ્રીય વક્તા, આધ્યાત્મિક શિક્ષાવિશ્લેષક, લેખક એવમ્ એક અનુભવી મેડિટેશન શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ છે.)