Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પડાવીને ખાવું એ વિકૃતિ, એકલા ખાવું એ પ્રકૃતિ અને અન્યનું વિચારીને ખાવું એ સંસ્કૃતિ

પડાવીને ખાવું એ વિકૃતિ, એકલા ખાવું એ પ્રકૃતિ અને અન્યનું વિચારીને ખાવું એ સંસ્કૃતિ

12 August, 2024 02:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુષ્કાળની એ ભીષણ પરિસ્થિતિમાં મૂક-અબોલ અને નિર્દોષ પંખીઓ પ્રત્યેની સંવેદના સાથે પ્રમુખસ્વામી મહારાજે તે સંતને કહ્યું...

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


વાત છે ઈસવી સન ૧૯૮૭ના વર્ષની. એ અરસામાં ગુજરાત કારમા દુકાળની ભીંસમાં આવેલું. ‘મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ’ - સમગ્ર ગુજરાતનું એ સમયનું આ જ રેખાચિત્ર હતું. પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ અરસામાં ગુજરાતનું પશુધન બચાવવા કૅટલ કૅમ્પ શરૂ કરાવેલા. પાંજરાપોળો તથા ગૌશાળામાં પણ બનતી મદદ કરવી શરૂ કરી હતી. ‘પશુ કલ્યાણ કેન્દ્ર’ના નામથી આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવેલા આ કૅટલ કૅમ્પના સેવાકાર્યને એ સમયની સરકારે પણ નોંધનીય અને ઉલ્લેખનીય બતાવેલું. સાથે-સાથે આ રાહતકાર્યમાં પ્રમુખસ્વામી મહારાજે કોઈ પણ નાત-જાત કે ધર્મની ભેદરેખા રાખી નહોતી જેની નોંધ આજે પણ એ ખેડૂતોના માનસપટ પર શિલાલેખ સમાન કોતરાયેલી છે.


દુકાળના એ દિવસો દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજ બોટાદ જિલ્લામાં આવેલા તીર્થધામ સારંગપુર ખાતે રોકાયા હતા. પોતાના નિત્યક્રમ મુજબ તેઓ રોજ સાંજે મંદિરની ચીકુવાડીમાં ભ્રમણ માટે પધારતા. એક વાર તેમણે ભ્રમણ દરમ્યાન ચીકુવાડીની દેખરેખ રાખનાર સંતને બોલાવ્યા. દેખરેખ અંગે કોઈ વિશેષ સૂચનનું અનુમાન કરીને તે સંત હાથ જોડીને હાજર થયા. પ્રમુખસ્વામી મહારાજે તેમને સસ્મિત પૂછ્યું, ‘આ વર્ષે ચીકુ ખૂબ આવ્યાં છે. આ ચીકુનું શું કરો છો?’



વાડી સંભાળનાર સંતે જવાબ આપ્યો, ‘ઠાકોરજીના થાળ માટે તથા સંતો-ભક્તો માટે જરૂરિયાત પૂરતાં ધામમાં રાખીને બીજાં ચીકુ બજારમાં મોકલી આપીશું.’


દુષ્કાળની એ ભીષણ પરિસ્થિતિમાં મૂક-અબોલ અને નિર્દોષ પંખીઓ પ્રત્યેની સંવેદના સાથે પ્રમુખસ્વામી મહારાજે તે સંતને કહ્યું, ‘સાંભળો! બધાં ચીકુ ઉતારી લેવાનાં નહીં. દુકાળનું વર્ષ છે. પાણીના અભાવે ખેડૂતોએ વાવેતર કર્યું ન હોય તેથી બિચારાં પક્ષીઓ ખાવા ક્યાં જાય? પક્ષીઓ માટે ચીકુ અનામત રાખવાં, ઉતારવાં નહીં અને પાણી ભરેલા કૂંડાં પણ રાખવાં જેથી એમને પાણી પણ મળી રહે.’

કોઈ ચિંતક કહ્યું છે કે ‘કોઈકના ભાણાનું (થાળીનું) પડાવી લઈને ખાવું એ વિકૃતિ, એકલા-એકલા ખાવું એ પ્રકૃતિ અને અન્યનો વિચાર કરીને ખાવું એ સંસ્કૃતિ.’


ઉપનિષદ કહે છે, તેન ત્યક્તેન ભુંજીથાઃ અર્થાત્, અન્ય માટે ત્યાગ કરીને ભોગવો (ગ્રહણ કરો).

આપણાં શાસ્ત્રોમાં સમાયેલી આ વિરલ અને વિશિષ્ટ સંવેદનાઓ આપણા મહાન સંતોના જીવનમાં અક્ષરશઃ ચરિતાર્થ છે, તેમની જીવનશૈલી છે. આવો, મહાપુરુષોના પગલે લોકહિતની આવી ભાવના-સંવેદનાને આપણા જીવનમાં સાકાર કરીએ.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2024 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK