Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > અરુણ જેટલી ગાંધીધામનાયે સંકટમોચન

અરુણ જેટલી ગાંધીધામનાયે સંકટમોચન

10 September, 2019 04:52 PM IST |

અરુણ જેટલી ગાંધીધામનાયે સંકટમોચન

અરુણ જેટલી ગાંધીધામનાયે સંકટમોચન


બીજેપીના સંકટમોચન નેતા તરીકે પ્રખ્યાત અરુણ જેટલીએ ૨૦૦૧ના કચ્છના મહાવિનાશક ભૂકંપ પછી ગાંધીધામના પુનર્વસનમાં એક સ્વજનની અદાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એથી જ તો તેમના નિધનના સમાચાર મળતાં જ કંડલા સંકુલમાં શોક છવાઈ ગયો હતો. આમ તો એ સમયે કેન્દ્રમાં અને ગુજરાતમાં બીજેપીના નેજા હેઠળની સરકારો હતી એથી પુનર્વસનની પ્રક્રિયામાં તેના નેતાઓ તેમ જ જુદી-જુદી રાજ્ય સરકારોએ સ્વાભાવિક રીતે જ પ્રેક્ષણિય કામગીરી બજાવી હતી. વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી જાતે કચ્છ દોડી આવ્યા હતા અને તેમની ઉદારતાએ જ વડા પ્રધાન રાહત ભંડોળમાંથી ૧૩૦ કરોડના ખર્ચે સિવિલ હૉસ્પિટલની અદ્યતન ઇમારત બંધાઈ હતી. ઉપરાંત તેમણે જાહેર કરેલા ટૅક્સ હૉલિડેએ પણ કચ્છમાં ઝડપથી થયેલા ઉદ્યોગીકરણમાં ચાવીરૂપ ભાગ ભજવ્યો હતો. આમ છતાં અરુણ જેટલીની વાત કંઈ ઓર હતી.

એ સમયે અરુણ જેટલી કેન્દ્રમાં સર્ફેસ ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન હતા. મહાબંદર કંડલા અને પોર્ટ ટ્રસ્ટ ઑથોરિટી આ ખાતા હસ્તક હોવાથી તેમણે સમગ્ર સંકુલના પુનર્વસનમાં આરંભથી જ સક્રિય રસ લીધો હતો. તેમની ઇચ્છા તો એવી હતી કે આદિપુર, ગાંધીધામ અને કંડલાને આવરી એના સમગ્ર સંકુલના પુનર્વસનની જવાબદારી કંડલા પોર્ટ ટ્રસ્ટ વહન કરે. તેમની આ ઇચ્છા પાછળ પણ એક ચોક્કસ ભૂમિકા હતી અને તે એ કે ભારતનાં અન્ય મહાબંદરોનું સંચાલન કરતા પોર્ટ ટ્રસ્ટો કરતાં કંડલા પોર્ટ ટ્રસ્ટ પાસે વિશેષ સત્તાઓ અને જવાબદારીઓ હતી. આપણે જાણીએ છીએ એમ ભાગલા વખતે કરાંચી મહાબંદર પાકિસ્તાનમાં જતાં એના વિકલ્પરૂપે કંડલાને વિકસાવવાની નેમ હતી અને સાથે-સાથે સિંધથી આવેલા શરણાર્થીઓનું પુનર્વસન પણ કરવાનું હતું. એથી કંડલા પોર્ટ ટ્રસ્ટને બંદર અને એની આજુબાજુની વિશાળ જમીનનો હિસ્સો સુપરત થયો. આ ઉપરાંત ટાઉનશિપ ડેવલપમેન્ટ જેવા કાર્યક્રમોમાં પણ અગ્રભાગ ભજવવાનો હતો. જમીનની માલિકી તો એટલી હદે હતી કે રાજ્ય સરકારને પણ જો જમીન જોઈતી હોય તો કંડલા પોર્ટ ટ્રસ્ટ પર આધાર રાખવો પડે. જોકે સમય જતાં ટાઉનશિપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતની જવાબદારીઓ નગરપાલિકાને સુપરત થઈ ગઈ છતાં આજે પણ કંડલા પોર્ટ ટ્રસ્ટ પાસે કેટલીક સત્તાઓ એવી છે જે બીજાં મહાબંદરોની ઑથોરિટીઓ પાસે નથી. એટલે આ ભૂમિકા અને પોર્ટ ઑથોરિટીની સમગ્રતયા આવકને ધ્યાનમાં રાખીને અરુણ જેટલી ગાંધીધામ તાલુકાના પુનર્વસનની જવાબદારી કંડલા પોર્ટ ટ્રસ્ટને આપવા માગતા હતા, પણ કેન્દ્રીય મંત્રાલયના ઉચ્ચાધિકારીઓ આ પ્રશ્ને સંમત ન થયા.



અહીં અરુણ જેટલીએ સંકટમોચનની અદાએ પુનર્વસનના ખર્ચને પહોંચી વળવાનો રસ્તો શોધી કાઢ્યો. તેમણે કંડલા રિલીફ ફન્ડ શીર્ષક હેઠળ અલગ ટ્રસ્ટની રચના કરી, રજિસ્ટ્રેશન કરાવ્યું. આ ભંડોળમાં ભારતનાં જુદાં-જુદાં મહાબંદરોના સત્તાવાળાઓ તેમ જ શિપિંગ કંપનીઓ પાસેથી વ્યક્તિગત વગ સાથે ભંડોળ મેળવ્યું અને થોડા જ દિવસમાં એનો આંક ૩૫ કરોડને આંબી ગયો. તેમણે ધ્વંસ થયેલાં સરકારી બિલ્ડિંગોનું નવું બાંધકામ ઉત્તમ કક્ષાનું થાય એ માટે નૅશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપનીને કામ સોંપ્યું. હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓનાં મકાન વહેલી તકે બંધાય એને તેમણે પ્રાથમિકતા આપી. દર અઠવાડિયે દિલ્હીથી ગાંધીધામ આવીને અરુણ જેટલી થયેલા કામની પ્રગતિની સમીક્ષા કરતા. તેમની દેખરેખ હેઠળ બે વર્ષમાં તો આદિપુર, ગાંધીધામ અને કંડલાની પ્રાથમિક-માધ્યમિક શાળા અને કૉલેજોનાં ૪૪ જેટલાં અદ્યતન મકાન, પાંચ હૉસ્પિટલ, પાંચ હૉસ્ટેલ, છ સ્વૈચ્છિક સંસ્થાનાં ભવન બંધાઈ ગયાં. એટલું જ નહીં, માળખાકીય સુવિધાઓમાં ખાસ તો નાના-મોટા રસ્તાઓ, વરસાદી પાણીના નિકાલ માટેનાં નાળાં વગેરે બંધાઈ ગયાં. નમૂનેદાર પુનર્વસન થયું, પણ ગુજરાતભરમાં ફ્લૅટધારકો અને ભાડૂઆતોની સમસ્યાએ ગૂંચવણ ઊભી કરી દીધી હતી. મકાન ધ્વંસ થયા પછી રાહતની રકમ મકાનમાલિકને મળે તો ભાડૂઆત બેઘર જ રહે? આ પ્રશ્ન હલ થાય એ માટે ફ્લૅટધારકો અને ભાડૂઆતોને સરકારી રાહે જમીન આપવાની ભલામણ થયેલી. આવા વર્ગના પુનર્વસન માટે જેટલીએ ગાંધીધામ-આદિપુરની મધ્યમાં ૫૫ એકર જમીન અપાવી હતી.


આ એ સમય હતો જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેની કારકિર્દીનો હજી પ્રારંભ જ કર્યો હતો. જેટલીજી વાજપેયી પ્રધાનમંડળમાં વગદાર પ્રધાન હતા. બન્ને વચ્ચેની દોસ્તીનો પાયો કદાચ પુનર્વસનની કામગીરીને લીધે જ મજબૂત થયો હતો. તેઓ માત્ર ગાંધીધામ નહીં, કચ્છની સમગ્રતયા પુનર્વસન પ્રક્રિયામાં સક્રિય રસ લેતા હતા. ટૅક્સ હૉલિડેથી માંડીને નવી હૉસ્પિટલમાં મેડિકલ કૉલેજ શરૂ કરવા સુધીની એકેએક બાબતથી તેઓ વાકેફ હતા અને એના વિશે લેવાયેલા નિર્ણયોમાં તેમની પણ ભૂમિકા હતી. આ વાતની પ્રતીતિ આ લખનારને દાયકા પછી અરુણ જેટલી સાથે એકાએક થયેલી મુલાકાતે કરાવી આપી હતી. એ દિવસ હતો ૨૦૧૩ની ૧ ફેબ્રુઆરીનો. મતલબ કે એ સમયે યુપીએની સરકાર હતી અને જેટલીજી રાજ્યસભાના વિપક્ષી નેતા હતા. દિલ્હીમાં કચ્છના બિનનિવાસી મોવડી મૂળજીભાઇ પિંડોરિયાના સન્માનનો કાર્યક્રમ હતો. તેમને ભારતવંશી ગૌરવ સન્માન પુરસ્કાર એનાયત થવાનો હતો. મૂળભૂત રીતે આરએસએસ સાથે સંકળાયેલી સંસ્થાનો એ કાર્યક્રમ હતો અને જેટલીજીના હસ્તે પારિતોષિક અપાવાનું હતું. કાર્યક્રમ પૂરો થયા પછી હાજર સૌ ગપસપ કરી રહ્યા હતા. તેમને ખબર પડી કે અમે કચ્છના કેટલાક પત્રકારો પણ ત્યાં હાજર છીએ તો તરત જ અમને મળવા આવ્યા. માનશો, તેમણે સીધી જ કચ્છના પુનર્વસન સંબંધી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં હાર થયા પછી જ્યાંથી સંપર્ક તૂટી ગયો હતો ત્યાંથી જાણે શરૂઆત કરી રહ્યા હોય એવું અમને લાગ્યું... ફિર ક્યા હુઆ, આપ કી મેડિકલ કૉલેજ કા? ઔર હૉસ્પિટલ કૈસે ચલ રહા હૈં, આખિર એઇમ્સ વહાં ક્યોં નહીં આયા...?

આ પણ વાંચો: વેદ ગ્રંથો, જૈન ધર્મ, પર્યુષણ પર્વ અને કચ્છની પંચતીર્થી


ઉપરાઉપરી તેમણે સવાલોનો જાણે મારો જ કરી દીધો, પણ ગુજરાત સરકારે એઇમ્સની ભલામણ પાટણ માટે કરી હતી એમ જ્યારે અમે કહ્યું કે તરત જ તેમણે વિષય બદલી નાખ્યો. કદાચ આ પણ નરેન્દ્રભાઈની દોસ્તીનું જ પરિણામ હશે અને એ દિવસોમાં એટલે કે ૨૦૧૩માં તો એ દોસ્તી કેટલી મજબૂત બની ગઈ હતી એ આપણે જાણીએ છીએ. બીજેપીના વડા પ્રધાનપદના ઉમેદવાર માટે મોદીજીનું નામ આગળ ધરનારા પણ તેઓ જ હતાને? ખેર, બીજેપીના ઉદારમતવાદી નેતા અરુણ જેટલીજીને ગાંધીધામ તો ક્યારેય નહીં ભૂલે.

Whatsapp-channel Whatsapp-channel

10 September, 2019 04:52 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK