ચિનુ મોદી એટલે ગુજરાતી ગઝલનો એક આગવો મિજાજ. મૂળ કડી ગામના આ સર્જક ગુજરાતી કવિતાઓ માટે કેડી બની રહ્યા. ગુજરાત વિદ્યાપીઠમાંથી અભ્યાસ કરી તેઓએ અનેક ઠેકાણે નોકરી કરી. `રે`, ‘ઊર્ણનાભ, ‘શાપિત વનમાં’, ‘દેશવટો’ ‘ક્ષણોના મહેલમાં’, ‘દર્પણની ગલીમાં’, ‘ઇર્શાદગઢ’,‘ઇનાયત’, તસ્બી’, ‘બાહુક’ ‘નળાખ્યાન’ જેવા સંગ્રહોમાં કવિનો આગવો અવાજ ગુજરાતી સાહિત્યનેર મળ્યો. પરંપરાનો છેદ ઉડાડી આધુનિકતાનો પ્રવેશ એમણે કાવ્યમાં કરાવ્યો.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.
11 February, 2025 11:09 IST | Mumbai | Dharmik Parmar