° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


માત્ર ગુલદસ્તો જ નહીં, એ આપનારાને પણ જુઓ

30 June, 2022 12:53 PM IST | Mumbai
Morari Bapu

જીવનમાં પરમાત્માની દૃષ્ટિ અપનાવો અને જીવનનો સાક્ષાત્કાર કરો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક) માનસ ધર્મ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

એક મહાત્મા પાસે એક શેઠ ફૂલનો મોટો ગુલદસ્તો લઈને ગયા. મહાત્મા તો ગુલદસ્તાને જોયા જ કરે. ગુલદસ્તો બહુ સરસ હતો. એમાં જાતજાતનાં ફૂલ હતાં અને એ ફૂલો વચ્ચે બહુ સરસ મજાના ફૂલની કળીઓ પણ હતી. સ્વાભાવિક રીતે મહાત્મા જ નહીં, કોઈ પણ માણસ એ ગુલદસ્તાના પ્રેમમાં પડી જાય. જોકે મહાત્માને ગુલદસ્તા સામે જ જોતા જોઈને શેઠ અકળાયા. તેમનાથી રહેવાયું નહીં. શેઠે મહાત્માની સામે જોયું અને કહ્યું, ‘તમે મારી સામું તો જુઓ! હું તમારી કૃપાદૃષ્ટિ મેળવવા આવ્યો છું.’ 

મહાત્માએ પહેલાં શેઠની સામે અને પછી ગુલદસ્તા સામે જોયું અને પછી તરત જ તેમણે ફરી શેઠ સામે જોઈને ગુલદસ્તો બારીની બહાર ફેંકી દીધો અને શેઠ સામે નજર માંડી. જોકે મહાત્માની આ વર્તણૂકથી શેઠ હેબતાઈ ગયા હતા.

‘તમે આટલો કીમતી ગુલદસ્તો ફેંકી દીધો એ પણ બરાબર નથી.’

મહાત્મા એકદમ શાંત હતા. તેમણે સસ્મિત શેઠને કહ્યું, ‘તમે નથી ફેંકવા દેતા કે નથી જોવા દેતા. તો હવે કરવું શું?’ 

શેઠે જે જવાબ આપ્યો એ અદ્ભુત હતો. શેઠે કહ્યું, ‘તમે ગુલદસ્તો પણ જુઓ અને મને પણ જુઓ.’

અહીંથી જે વાત શરૂ થાય છે એ વાત તમારે જીવનમાં ઉતારવાની છે.

આ ઘટનામાં જે શેઠ છે એ પરમાત્મા છે અને જે મહાત્મા છે એ તમે પોતે છો એવું ધારીને આગળ વધશો તો આખી વાર્તા તમને વ્યવસ્થિત સમજાશે. પરમાત્મા આ સંસારરૂપી ગુલદસ્તો લઈને આવ્યા છે કે લો આ ગુલદસ્તો. જોકે કેટલાક લોકો ગુલદસ્તો જ જોયા કરે છે, શેઠની સામે જોતા જ નથી અને આ જ હકીકત નથી. હકીકત બીજી પણ છે. કેટલાક લોકો ગુલદસ્તો ફેંકી દે છે, સંસારને છોડી દેવાની વાત કરે છે. 

શેઠે જે જવાબ આપ્યો એ ધ્યાનથી સમજવા જેવો છે અને જીવનમાં ઉતારવા જેવો છે. શેઠ કહે છે, ‘સંસારરૂપી ગુલદસ્તો ફેંકી પણ ન દો અને કેવળ એને જ ન જોયા કરો. સાથે-સાથે શેઠને પણ જોતા ચાલો. સંસારને પણ જુઓ અને સંસારનો ગુલદસ્તો જે લાવ્યા છે એ આપણા રામને પણ જુઓ.’

જીવનનો આ જ દસ્તૂર છે અને આ જ દસ્તૂર અપનાવતા જવાનો છે. જો તમે નજર એક જ જગ્યા પર રાખી તો તમે બીજી જગ્યાનું દૃશ્ય ગુમાવશો અને જો તમે બીજી જગ્યાએ જોયા કર્યું તો તમે પહેલી જગ્યાનું દૃશ્ય ગુમાવશો. કહેવાનો અર્થ એ છે કે જીવનમાં પરમાત્માની દૃષ્ટિ અપનાવો અને જીવનનો સાક્ષાત્કાર કરો.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

30 June, 2022 12:53 PM IST | Mumbai | Morari Bapu

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

ઉત્તમ શાસક રાષ્ટ્ર અને સંસ્થા માટે ઉપકારક છે

માણસ કાંઈ પરમાત્મા નથી, માણસ છે. આપણું કામ તેની ક્ષમતાનો લાભ લેવાનું છે. તેના વ્યક્તિગત જીવનમાં માઇક્રોસ્કોપ લગાવીને બૅક્ટેરિયા જોવાનું નથી. બૅક્ટેરિયા ક્યાં નથી હોતા?

08 August, 2022 12:19 IST | Mumbai | Swami Satchidananda
એસ્ટ્રોલૉજી

જાણો તમારું સાપ્તાહિક રાશિફળ

૭ થી ૧૩ ઑગસ્ટમાં તમારો જન્મદિવસ હોય તો...વર્તમાન સંજોગોનો સ્વીકાર કરીને ચાલવું અને પોતાનામાં આવશ્યક હોય એ ફેરફારો કરવા તૈયાર રહેવું. આમ કરવાનું સહેલું નથી, પરંતુ એ જરૂરી છે. સંબંધોમાં હંમેશાં ઘનિષ્ટતા વધવી જોઈએ. તમે કેટલાક લોકોથી થોડા દૂર ચાલ્યા ગયા

07 August, 2022 08:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

ભગવાનના ચોપડામાં બધા ભક્તોનાં નામ છે, પણ મારુતિનું નામ નહીં

મારુતિ તો મોટા ભક્ત કહેવાય, રામદૂત તેમને નામ મળ્યું છે અને એ પછી પણ પ્રભુના ચોપડામાં તેમનું નામ જ નથી!

04 August, 2022 08:36 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK