Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > કલંકિત દાનનાં ત્રણ સ્વરૂપ તમે જાણો છો?

કલંકિત દાનનાં ત્રણ સ્વરૂપ તમે જાણો છો?

05 July, 2022 03:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવું કલંકિત દાન આત્મહિતને અકબંધ શું કરી દે?

મિડ-ડે લોગો

ધર્મ લાભ

મિડ-ડે લોગો


વાવણીના સમયમાં છાબમાં બિયારણ લઈને બળદને ડચકારા દેતો ખેડૂત જ્યારે ખેતરમાં ચારેય બાજુ ફરી વળતો હોય છે ત્યારે તેના મુખ પર આશા અને ઉમંગ અને ગળામાં ગીત હોય છે.

બિયારણ ભરેલી છાબને તે ખાલી કરતો તો જાય છે, પણ તેના માનસપટ પર સતત અનાજના દાણાથી ફાટ-ફાટ થતા કોઠારો તરવરતા હોય છે. એ મન તેની સાથે વાત કરતું હોય છે અને કહેતું હોય છે, ‘અત્યારે ભલે ભૂમિને હું આપું છું, પણ આવતી કાલે આ ભૂમિ મને ન્યાલ કરી દીધા વિના રહેવાની નથી...’



આ શ્રદ્ધા જ ખેડૂતના શરીરના રૂંવાડે-રૂંવાડે છલકાતી હોય છે. ખેડૂતની આ જ વાતને જીવનમાં અપનાવવાની આવે તો કેમ માણસનું મન નાનું થઈ જાય છે. કેમ દાનના પ્રસંગમાં માણસના મનની વૃત્તિ કરુણતાની હદે કંગાળ બનતી ચાલી છે અને આ સત્ય હકીકત છે. બને છે ત્યાં સુધી તે દાનના પ્રસંગોમાં જવાનું પણ ટાળતો જ રહે છે. દાનના પ્રસંગોથી જાતને તે દૂર જ રાખતો રહે અને પૂરતું ધ્યાન રાખે કે દાન કરવાના પ્રસંગો ઊભા જ ન થાય. પૂરતા પ્રયાસ પછી પણ અચાનક કે પછી અનાયાસ કે સંજોગોવશાત્ એવું બને અને માણસની સામે દાનનો પ્રસંગ આવીને ઊભો જ રહે ત્યારે માણસ બને એટલું ઓછું જ આપે છે, શક્તિને સંતાડીને જ આપે અને ઓછું આપવા પાછળ જાતજાતનાં બહાનાં ઊભાં કરતો જ રહે છે.


એ ઓછું આપે એ પણ મનથી અને હસતા ચહેરે ન આપે, આપે ઓછું અને એ પણ પાછું રડતાં-રડતાં જ આપે, ઉદ્વિગ્ન ચિત્તે આપે, મન બાળીને આપે, વ્યથિત હૈયે આપે, ચિત્તની વ્યગ્રતા સાથે આપે. ટૂંકમાં, દાન બને ત્યાં સુધી કરવું જ નહીં, કરવું પડે તોય શક્તિ કરતાં ઓછું જ કરવું અને એય પાછું રડતાં-રડતાં કરવું. આ આપણા દાનને વળગેલાં ત્રણ કલંકો છે.

આવું કલંકિત દાન આત્મહિતને અકબંધ શું કરી દે? પરલોકની સધ્ધરતા કેવી રીતે ઊભી કરી દે? અનાદિકાળના સંસ્કારો પર કાપ શું મૂકી શકે? ના, ક્યારેય નહીં અને જો એવું ન થવા દેવું હોય તો આજે જ નિયમ લો અને એક કામ કરો.


માત્ર આજના દિવસ પૂરતું નક્કી કરો કે તમારી સામે હાથ ફેલાવીને ઊભા રહી જતા ભિક્ષુકને તમે ખિસ્સામાં હાથ નાખતાં જે હાથમાં આવશે - આઠ આના, રૂપિયો, પાંચની નોટ, દસની નોટ કે સોની નોટ – પૂર્ણ પ્રસન્નતા સાથે આપી દેશો. લખી રાખજો, એ ભિક્ષુકને શું મળ્યું એના કરતાં આપીને તમને શું મળ્યું એનો આનંદ અદકેરો હશે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2022 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK