જવાહરલાલ નહેરુના પુસ્તક ડિસ્કવરી ઑફ ઇન્ડિયાના આધારે ભારતનાં ઇતિહાસની વાત કરતો આ ઐતિહાસિક શો ભારત એક ખોજ માહિતી સભર શો હતો.
રેણુકા શહાણે અને સિદ્ધાર્થ કાકની સિરિયલ સુરભીમાં પણ જાણવા જેવી અઢળક વાતો આવતી, આ ટૉક શો બહુ જ પૉપ્યુલર હતો.
આજે KBCને કારણે સિદ્ધાર્થ બાસુનું નામ નવી પેઢી જાણે છે પણ એક સમયે ક્વિઝ ટાઇમમાં સિદ્ધાર્થ બાસુ પોતે જ એંકર હતા અને દર્શકોને જાતભાતની માહિતીઓ આપતા.
પ્રણય રોયનું વર્લ્ડ ધીસ વિક એક એવું પેકેજ હતું જેમા આખા અઠવાડિયાની દુનિયાની ચહલપહલનું વિશ્લેષણ થતું.
એક જમાનાનાં બાળ કલાકાર બેબી તબસ્સુમ અને પછી તેઓ પ્રખ્યાત થયા ફુલ ખિલે હૈં ગુલશન ગુલશન કાર્યક્રમથી. નવી વાતો અને નવા લોકો સાથે વાતચીત હતી આ શોની ખાસિયત. એમાં વચ્ચે વચ્ચે ફિલ્મના સિન્સ પણ ઉમેરાતા.
રામદાસ પાદ્યેનો પપેટ શો કેવી રીતે ભૂલાય. ભારતનાં સૌથી જાણીતા વેન્ટ્રીલૉક્વિસ્ટનો આ શો બાળકોમાં બહુ પૉપ્યુલર હતો.
આજે ભલે 24 કલાક જેવું જોઇએ એવું મનોરંજન મળે છે પણ ત્યારે આવતો કાર્યક્રમ ધી વર્લ્ડ ઑફ સ્પોર્ટ્સ રવિવારે ખેલની દુનિયાની એક માત્ર બારી રહેતી. અનુપમ ગુલાટી, નરોત્તમ પુરી. અવતાર સિંઘ વગેરે તેને હોસ્ટ કરતા અને તેમાં બિલિયર્ડ્ઝ અને ચેસ જેવા ખેલની વાતો પણ થતી.
આજે તો એક એપ્પ ઓપન કરીએ અને ઢગલો સંગીત મળી જાય છે પણ એક સમયે તો અઠવાડિયે એકવાર છાયાગીત અને ચિત્રહારથી મન મનાવવું પડતું અને કદાચ એટલા માટે જ આ કાર્યક્રમો બહુ જ પ્રચલિત હતા
કથાસાગર એક એવી સિરિયલ હતી જેમાં દર વખતે એક નવી વાર્તા હોય, જાણીતા લેખકોની ટૂંકી વાર્તાઓ પરથી બનતી આ ધારાવાહિક ક્લાસિકની શ્રેણીમાં મૂકાય તેવી જ હતી.
ગોવિંદ નિહલાનીએ બનાવેલી ટેલિફિલ્મ તમસ ભિષ્મ સહાનીનાં પુસ્તક પર આધારિત હતી અને તેમાં અમરિષ પુરીથી માંડને દિપા સાહી જેવા અદના કલાકારોએ અભિનય કર્યો હતો.
યે જો હૈ ઝિંદગીમાં રાકેશ બેદી, શફી ઇનામદાર, સતિશ શાહ અને સ્વરૂપ સંપટની કૉમેડી કેવી રીતે ભૂલાય. આજે પણ પડોશીઓ વચ્ચે બતાડાતી કૉમેડિઝમાં આ શોમાંથી પ્રેરણાનું બીજ લેવાયું જ હોય છે.
હમ લોગ સિરિયલ એ સ્લાઇસ ઑફ લાઇફ પ્રકારની સિરિયલ હતી અને બડકી છૂટકીની વાતો પછી છેલ્લે અશોક કુમાર આવતા સિરિયલનાં તે હપ્તાનું એનાલિસિસ કરતા.
વાગલે કી દૂનિયાને પગલે મિસ્ટર વાગલે એટલે કે અંજન શ્રીવાસ્તવ ઘરે ઘરે પૉપ્યુલર નામ બની ગયું હતું. આમ આદમીની જિંદગી, ઇચ્છાઓની આસપાસ વણાયેલી હતી આ સિરિયલ અને તેનો આધાર હતો આર.કે. લક્ષ્મણનાં કાર્ટૂન્સ.
પ્રિયા તેંડૂલકરનું પાત્ર રજની જે કહે એ સાચું જ હોય એવું માનનારી પેઢી આજે પણ પ્રિયા તેંડૂલકરનાં અભિનયને મમળાવતી હશે. નૈતિકતા અને સત્યની પડખે રહી અવળી વાતોને સવળી કરતી રજની બધાંને જ યાદ હશે.
ફૌજી સિરિયલમાં શાહરૂખ ખાન કોને યાદ નહીં હોય. કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે એ યંગ અને રેસ્ટલેસ એક્ટર કેટકેટલીય પેઢી માટે સુપરસ્ટાર સાબિત થશે.
દેખ ભાઇ દેખ સિરિયલનાં પ્રોડ્યુસર હતા જયા બચ્ચન. શેખર સુમન, ફરિદા જલાલ, નવીન નિશ્ચલ અને ભાવના બલસાવર જેવા કલાકારો આ પારિવારિક કૉમેડીનો હિસ્સો હતા.
આઝાદી પછી બદલાઇ રહેલા ભારતની પૃષ્ઠભૂમિમાં બનેલી સિરિયલ બુનિયાદમાં આલોક નાથ, અનિતા કંવર, કંવલજીત સિંહ વગેરે અભિનય કરતા.
મુંગેરીલાલ કે હસીન સપનેમાં રઘુવીર યાદવ એવું પાત્ર ભજવતા જેની પર બધા જ દાદાગીરી કરતા પણ તે પછી આંખો મિચકારતા જતા સપનામાં અને સપનામાં બધા પર બરાબર બદલો વાળતા.
મૂળ મધુ રાયની ગુજરાતી નવલકથા કિમ્બલ્સ રેવન્સવુડ પરથી બની હતી આ સિરિયલ, મિસ્ટર યોગી, જેમાં અમેરિકા રિટર્ન વાય આઇ પટેલ બાર રાશીની અલગ અલગ છોકરીઓ જૂએ છે લગ્ન કરવાના આશયથી.થોડાં વર્ષો પહેલાં આ જ પુસ્તકને આધારે બની હતી ફિલ્મ વૉટ્સ યોર રાશી?પણ લોકો ફિલ્મ ભૂલી ગયાં છે સિરિયલ બધાંને જ યાદ છે.
નુક્કડ સિરિયલનાં પાત્રો ખોપડી, ગુરુ અને અન્ય તો ક્યારેય ભૂલાય એવાં નથી.વળી ટિચરજી તરીકે રમા વીજ પણ. સામાન્ય માણસની રોજિંદી જિંદગીની વાત કરતી આ સિરિયલ બહુ પૉપ્યુલર હતી.
ઝબાન સંભાલ કે સિરિયલમાં લોકો શિખવાનો પ્રયાસ કરતા હતા અંગ્રેજી અને તેમના શિક્ષક હતા પંકજ કપૂર. આ સિરિયલ અંગ્રેજી શો માઇન્ડ યોર લેંગ્વેજથી પ્રેરિત હતો.
સ્વૉર્ડ ઑફ ટિપુ સુલતાન એક એવો શો હતો જેનું સંગીત આજે પણ કાનમાં ગુંજે છે. સંજય ખાન ટિપુ સુલતાન તરીકે આજે પણ લોકોનાં મનમાં કેદ છે.
વિજય કશ્યપનો તેનાલીરામન અવતાર અને બુદ્ધીથી ભરપૂર વાતો, એ પાત્રની હાજરજવાબી પણ લોકોને મજા કરાવતી.
રઘુવીર યાદવનું મુલ્લા નસરુદ્દિન તરીકે ટેલિવિઝન પર આવવું અને પછી ચબરાકી ભરી કથાઓના હિસ્સા બની લોકોને મનોરંજન કરાવવું પણ ઘણું યાદગાર હતું.
અર્ચના પૂરણ સિંઘ અને જતિન કાણકિયાનો શો શ્રીમાન શ્રીમતી પતિ-પત્નિ વચ્ચેની નોક ઝોંક દર્શાવતો ફેમસ સિટકૉમ શો હતો. સાથે રીમા લાગુ અને રાકેશ બેદી પણ તેનો હિસ્સો હતા.
વિક્રમ ઔર બેતાલનું, તું બોલા ઔર મૈં ચલા વાળું વાક્ય આજે પણ એક્ઝેક્ટ એ જ અવાજમાં લોકોને યાદ હશે. અરુણ ગોવિલ બનતા વિક્રમ અને સજ્જન સિંઘ બેતાળની એક્ટિંગ કરતા.
ચંદ્રકાંતા એ જાદુ, પરી અને રાક્ષસોની વાર્તા હતી. શાહબાઝ ખાન હતા રાજકુમાર વેરેન્દ્ર સિંઘ અને શિખા સ્વરૂપ ચંદ્રકાંતાનું પાત્ર ભજવતી.
માલગુડી ડેઝનું સંગીત આજે ય લોકોને બાળપણની યાદ કરાવી દે તેવું છે. માસ્ટર મંજુનાથ તેમાં નાનકડા સ્વામીના રોલમાં અવિસ્મરણિય પાત્ર ભજવતો. આર.કે નારાયણની વાર્તાઓને આધારે આ શો તૈયાર થયો હતો.
મિર્ઝા ગાલીબ નામ લઇએ તો ગઝલો યાદ આવે એ ખરું પણ સાથે ગાલીબનાં વેશમાં નસિરુદ્દિન શાહ સિવાય ભાગ્યે જ કોઇ ચહેરો દેખાય. જગજીત સિંઘનો અવાજ આ ગઝલકારની કથાને વધારે સંગીતમય બનાવતો.
જસપાલ ભટ્ટીનો ફ્લોપ શો યાદ આવે એટલે એનો બેગ્રાઉન્ડ સ્કોર અને ઓપનિંગ મ્યુઝિક પણ યાદ આવી જાય. આટલી શાર્પ હ્યુમર હવે ભાગ્યે જ જોવા મળે છે જો કે સ્ટેન્ડ અપ કૉમિડયન્સ નહોતા એ જમાનામાં આ રીતનો કટાક્ષ લોકોને બહુ મજા કરાવતો.
અલિફ લૈલા, અરેબિયન નાઇટ્સ પર આધારિત શો હતો જેમાં જાતભાતની પરીકથાઓ કહેવાતી. આ શો બાળકોમાં ઘણો પ્રિય હતો.
ફારુક શેખ અભિનિત શ્રીકાંત સિરિયલ બંગાળી નવલકથા પર આધારીત હતી, લેખક હતા શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય.
લૉકડાઉન દરમિયાન દૂરદર્શન નેશનલ પર જૂના જમાનાનાં કાર્યક્રમો ફરી ચાલૂ કરાયા હતા અને લોએએ તે મન ભરીને માણ્યા. રામાયણ, મહાભારત, ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી અને સર્કસ. નેવુંના દાયકામાં આવતી એવી ઘણી સિરિયલ્સ છે જે આજે પણ એક પેઢીની યાદગીરીમાં જીવંત છે. નજર કરીએ એવી કેટલીક તસવીરો પર જે યાદ કરાવશે આપણને કે કઇ સિરિયલ્સ એ જમાનામાં જીતી લેતી હતી સૌનાં હ્રદય. તસવીરો- યૂ ટ્યૂબ