બેબી બચ્ચન ૧૧-૧૧-૧૧ના પધારશે? : ૧૫૦ કરોડ રૂપિયાનો સટ્ટો

Published: 9th November, 2011 20:16 IST

અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચનના બાળક સાથે માત્ર એ જ કુટુંબનું જીવન બદલાશે એવું નથી. સાથે-સાથે ઘણા લોકોનું ભવિષ્ય પણ આ બાળક સાથે દાવ પર લાગ્યું છે. જ્યારથી અમિતાભ બચ્ચને સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર ઍશની પ્રેગ્નન્સી જાહેર કરી છે ત્યારથી દીકરો કે દીકરી અને ડિલિવરીની તારીખ માટે ઘણી અટકળો શરૂ થઈ હતી અને એની પાછળ મોટો સટ્ટો પણ ખેલાવાનો શરૂ થઈ ગયો છે.

 

આ સાથે જ જેમ સમય નજીક આવતો જાય છે એમ ૧૧-૧૧-૧૧ની તારીખને બુકીઓ દ્વારા ફેવરિટ ગણવામાં આવી રહી છે અને ખબરો અનુસાર કુલ ૧૫૦ કરોડ રૂપિયાનો સટ્ટો ઍશની ડિલિવરીની તારીખ પર લગાવવામાં આવ્યો છે.

મુંબઈના એક બુકીએ આ વિષય પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે ‘નવેમ્બર ૯થી ૧૪ વચ્ચે ડિલિવરી માટે ઘણો જુગાર રમવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૧૫૦ કરોડ રૂપિયાની તો બેટ્સ આવી ગઈ છે અને સમયની સાથે એમાં વધારો પણ થશે. બુકીઓમાં નવેમ્બર ૧૧ હૉટ-ફેવરિટ છે. બીજી ફેવરિટ તારીખ ચિલ્ડ્રન્સ ડે એટલે કે ૧૪ નવેમ્બર છે.’

એક અંકશાસ્ત્રના જાણકારે આ બાબતે કહ્યું હતું કે ‘જો બાળકનો જન્મ ૧૧ તારીખે થાય તો એનો બર્થ-નંબર બે હશે. ફિલ્મજગતના ઘણા મોટા સુપરસ્ટારનો આ બર્થ-નંબર છે. એમાં અમિતાભ બચ્ચન (૧૧ ઑક્ટોબર), દિલીપકુમાર (૧૧ ડિસેમ્બર), શાહરુખ ખાન (૨ નવેમ્બર), અજય દેવગન (૨ એપ્રિલ), સંજય દત્ત (૨૯ જુલાઈ) અને રાજેશ ખન્ના (૨૯ ડિસેમ્બર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેનો ચંદ્ર પણ ઘણો તેજ હશે અને એક કલાકાર માટે એ સૌથી મોટો પ્લસ-પૉઇન્ટ ગણવામાં આવે છે.’

થોડા દિવસ પહેલાં અફવાઓ ચગી હતી કે ૧૧ નવેમ્બરે ઍશનું સિઝેરિયન કરાવવામાં આવશે, પણ અભિષેકે આ વાતને સંપૂર્ણપણે ખોટી ગણાવી હતી.

સ્પેશ્યલ પ્લાન રદ

એવું પણ કહેવામાં આવે છે કે અભિષેક અને ઐશ્વર્યાએ પહેલાં પ્લાન કર્યો હતો કે તેઓ ડિલિવરી લંડનમાં કરાવશે. જોકે ત્યાર પછી ઍશની તબિયતમાં કોઈ પ્રકારનું જોખમ ન લેવાનું હોવાથી તેમણે મુંબઈમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK