નિયમિત વૈષ્ણોદેવી જતા અક્ષયનો હવે ક્યારેય ત્યાં ન જવાનો નિર્ધાર

Published: 25th September, 2012 05:20 IST

લેટેસ્ટ ફિલ્મ ‘ઓહ માય ગૉડ’ના તેના રોલને કારણે તેની ધાર્મિક માન્યતાઓમાં પરિવર્તન આવતાં લીધો આ નિર્ણયઅક્ષયકુમાર આમ તો ભારે ધાર્મિક પ્રકૃતિનો ગણાય છે. તેના ઘરે તમામ ધાર્મિક પ્રસંગોની ઉલ્લાસપૂર્વક ઉજવણી થાય છે અને સાથોસાથ તે અત્યારસુધી નિયમિત જમ્મુ-કાશ્મીરમાં આવેલા વૈષ્ણોદેવીનાં દર્શન માટે જતો હતો. જોકે હવે અક્ષયે ત્યાં ક્યારેય ન જવાનો નિર્ધાર કર્યો છે. અક્ષય કહે છે, મારી લેટેસ્ટ ફિલ્મ ‘ઓહ માય ગૉડ’માં મેં ભજવેલા ભગવાનના રોલને લીધે મારી ધાર્મિક માન્યતાઓમાં પરિવર્તન આવતાં મેં આ નિર્ણય લીધો છે.

આ નિર્ણય વિશે વાત કરતાં અક્ષય કહે છે, ‘હું દરેક વ્યક્તિને તેની મંદિરની વ્યાખ્યા પૂછવા માગું છું. આ શબ્દોનો સાચો અર્થ છે મનનો આધાર એટલે કે ભગવાન આપણી અંદર રહેલો છે. હું જ્યારે ‘ઓહ માય ગૉડ’ જે નાટક ‘કાનજી વિરુદ્ધ કાનજી’ પરથી બની છે એ જોઈ રહ્યો હતો ત્યારે આખા નાટક દરમ્યાન હસતો રહ્યો હતો પણ એનો અંત આવ્યો ત્યારે મને બહુ આંચકો લાગ્યો હતો. એ પછી મારી વિચારસરણીમાં ફેરફાર આવ્યો.’

પોતાની વિચારસરણીમાં આવેલા પરિવર્તન વિશે વાત કરતાં અક્ષય કહે છે, ‘મને એહસાસ થયો કે હું જ્યારે કોઈ ધાર્મિક જગ્યાની મુલાકાતે જાઉં છું ત્યારે એ ટ્રિપ પાછળ ચારથી પાંચ લાખ રૂપિયા ખર્ચાઈ જાય છે. હું ફસ્ર્ટ ક્લાસમાં પ્રવાસ કરું છું, પૂરતી સિક્યૉરિટી-વ્યવસ્થા રાખું છું, ફાઇવસ્ટારમાં રહું છું અને ડોનેશન માટે મોટી રકમ આપું છું. હવે હું આ એક ટ્રિપ પાછળ થતો તમામ ખર્ચ પરેલ હૉસ્પિટલમાં કૅન્સરના દરદીઓને આપું છું. આ ફિલ્મ બનાવીને મેં દર્શકોને ભગવાનનો સાચો મતલબ સમજાવાનો નાનોસરખો પ્રયાસ કરી જોયો છે. હું આજે આ મામલે સંપૂર્ણપણે બદલાઈ ગયો છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK