ગુજરાતી નાટ્યજગતને મોટો ઝટકો, નાટ્ય લેખક ઉત્તમ ગડાનું નિધન

Updated: Jun 06, 2020, 22:13 IST | Shilpa Bhanushali | Mumbai Desk

આઇડિયાઝ અનલિમિટેડ નાટ્ય મંડળીના દિગ્દર્શક મનોજ શાહનો ઉત્તમ ગડા સાથે અનુભવ તેમના જ શબ્દોમાં...

ઉત્તમ ગડા
ઉત્તમ ગડા

જાણીતા નાટ્યલેખક ઉત્તમ ગડાના નિધનના સમાચારથી સમગ્ર નાટ્યજગતને મોટી ખામી સર્જાઇ છે. ઉત્તમ ગડાનું અમેરિકામાં નિધન થયું છે. તેમની સાથેના અનુભવ વિશે ગુજરાતી મિડડે ડૉટ કૉમ સાથે વાત કરતાં આઇડિયાઝ અનલિમિટેડના મનોજ શાહ જણાવે છે કે, "ઉત્તમ ભાઈ પહેલા તો ખૂબ જ સારા માણસ, જીવન વિશે તેમને ખૂબ જ સારો અનુભવ હતો તેઓ જીવનના માણસ હતા, ખૂબ જ અમેઝિંગ હ્યુમન."

ઉત્તમ ગડાની નાટક લખવાની કળા વિશે...
મનોજ શાહ પ્રમાણે ઉત્તમ ગડા પાસે નાટક લખવાનો ક્રાફ્ટ ખૂબ જ સચોટ હતો. તેમને ખ્યાલ હતો કે ગુજરાતી પ્રેક્ષકને શું ગમે છે, તેમણે આ પ્રેક્ષક વર્ગની એ નાળ પારખતા હતા. ઉત્તમ ગડા જ્યારે સ્ક્રીપ્ટ લખે ત્યારે જો કોઇ દિગ્દર્શક પાસે યોગ્ય કારણ ન હોય તો તેઓ પોતાની સ્ક્રીપ્ટમાંથી એક પણ શબ્દ બદલવાની પરવાનગી ન આપે. તેમણે એક સમયે કમર્શિયલ અને ઑલ્ટરનેટિવ બન્ને પ્રકારના નાટકો કર્યા છે. એટલે કે તેમણે એક જ પ્રકારના બીબાઢાળ નાટકો ન લખતાં સતત કંઇક ને કંઇક નવું કરતા રહેવાના પ્રયત્નો કર્યા અને તેઓ સફળ પણ રહ્યા.

અખતરાઓ કર્યા કરો
ઉત્તમ ગડા હંમેશાં કહેતા કે તમે સતત કંઇક અખતરાઓ કર્યા કરો. આમ કરવાથી સતત કંઇક નવું નીપજાવી શકશો. અખતરાઓ કરવાનું કારણ કે તમારે નવી ભાષા ઉપજાવવી હોય, કલામાં કંઇક નવું ઉપાર્જન કરવાનું હોય. તેમના નાટકોના ઉદાહરણ જુઓ તો તમને ખ્યાલ આવે કે કેવી રીતે તેમના નાટકોમાં વિવિધતા જોવા મળે છે. જેમ કે કાર્લમાર્ક્સ ઇન કાલબાદેવી જુઓ કે પછી ઑરેન્જ જ્યૂસ હોય કે વૉટ્સએપ જોઇ લ્યો. આ બધાં નાના નાટકોમાં પણ કેટલી વિવિધતા છે.

મેઇન સ્ટ્રીમ અને ઑલ્ટરનેટિવ વિશેની સમજણ જબરજસ્ત
મનોજ શાહ કહે છે કે ઉત્તમ ગડાને બરાબર ખ્યાલ હતો કે મેઇન સ્ટ્રીમ અને ઑલ્ટરનેટિવ બન્નેની જરૂર છે. લેખક તરીકે તેમનામાં એ સમજણ ખૂબ જ સારી હતી. એક લેખક તરીકે જોવા જાઓ તો ખૂબ જ ઓછાં લેખક હોય છે આ બન્ને પટ પર લખી શકે છે પણ તેઓ લખી શકતા.

આ નાટક લખવાની તાજેતરમાં કરી હતી વાત
મનોજ શાહ સાથે તાજેતરમાં જ તેમણે ઇડિપસ નાટક લખવા માટેની વાત કરી હતી. પોતે અમેરિકાથી અહીં આવીને આઇડિયાઝ અનલિમિટેડ માટે ઇડિપસ નાટક લખવાના હતા અને વૉટ્સએપ નાટક પણ હિન્દીમાં કરવાની ઇચ્છા હતી. જોકે, તેમની આ ઇચ્છા અધુરી રહી ગઈ.

ભજવનારને ધ્યાનમાં રાખીને લખતાં નાટક
કયું પાત્ર કોણ ભજવવાનું છે તેના પ્રમાણે તેઓ નાટક લખતા. નાટકના લેખકની આ એક પ્રકારની આવડત છે જે દરેક નાટ્યલેખકમાં નથી હોતી જે તેમના હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK