અમે રણવીરને ખુશ રાખવા માટે આ વાત છુપાવી રાખી હતી

Published: Feb 07, 2020, 16:43 IST | Mumbai Desk

કાર્તિક આર્યન સાથે રણવીર સિંહે ઓળખાણ કરાવી એ પહેલેથી જ તેને મળી હોવાનું જણાવતાં સારા અલી ખાને કહ્યું...

સારા અલી ખાને એ વાત પરથી પડદો ઉઠાવ્યો છે કે જ્યારે રણવીર સિંહે તેની મુલાકાત કાર્તિક આર્યન સાથે કરાવી આપી હતી એ પહેલેથી જ બન્ને એકબીજાને ઓળખતાં હતાં. સારાએ ‘કેદારનાથ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તે રોહિત શેટ્ટીની ‘સિમ્બા’માં રણવીર સિંહ સાથે જોવા મળી હતી. રણવીરે સારા અને કાર્તિકની ઓળખ કરાવી આપી હતી. એ વિશે સારાએ કહ્યું હતું કે ‘હું અને કાર્તિક આર્યન રણવીર સિંહના માધ્યમથી નહોતાં મળ્યાં. અમે પહેલાં જ એકબીજાને મળી ચૂક્યાં હતાં. જોકે રણવીર સિંહને ખુશ રાખવા માટે એ વાતને અમે તેનાથી છુપાવી રાખી હતી, કારણ કે તે સ્વીટહાર્ટ છે.’

ઇમ્તિયાઝ અલીની ‘લવ આજ કલ 2’માં કાર્તિક અને સારા જોવા મળવાનાં છે. બન્નેના અફેરની અફવાને લઈને સારાએ કહ્યું હતું કે ‘અમારા વિશે જે પણ ચર્ચા થઈ હતી એ તો થતી જ રહેવાની છે. એથી હું એને સાંભળતી નથી અને એને વધુ મહત્ત્વ પણ નથી આપતી. જોકે હું એમ નથી માનતી કે સારા અને કાર્તિક ઇમ્તિયાઝ સરની રોમૅન્ટિક ફિલ્મને લઈને ચર્ચા નહોતાં કરતાં, તેમના અદ્ભુત વિશ્વને કારણે સેટ પર માત્ર ઝોઈ અને વીર હાજર રહેતાં હતાં. તેઓ એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતાં હતાં. દરરોજ અમે સેટ પર અમારી જાતને અને કૅરૅક્ટર્સને વધુ ખોજવાની સાથે જ ઝોઈ અને વીરની કેમિસ્ટ્રીને વધુ સારી રીતે દેખાડવાનો પ્રયાસ કરીએ છીએ. આ ઇમ્તિયાઝ સરનું વિઝન છે અને અમે એનો સારી રીતે અમલ કર્યો છે. સાથે જ સર એ વાતને લઈને પણ સ્પષ્ટ હતા કે તેમને અલગ પ્રકારનાં કૅરૅક્ટર્સ પાસેથી કેવા પ્રકારનું કામ જોઈએ છે. મારા માટે એ જોવાનું ઇન્ટરેસ્ટિંગ રહેશે કે તેમની કેમિસ્ટ્રી કેવો રંગ લાવે છે.’

પોતાની ગર્લફ્રેન્ડને કઝિન કહીને રિલેટિવ્સ સાથે ઓળખાણ કરાવતો હતો કાર્તિક આર્યન

કાર્તિક આર્યન જ્યારે સ્કૂલમાં હતો ત્યારે પોતાની ગર્લફ્રેન્ડને કઝિન તરીકે તેના રિલેટિવ્સ સાથે ઓળખાણ કરાવતો હતો. ઇમ્તિયાઝ અલીની ‘લવ આજકલ 2’માં કાર્તિકની સાથે સારા અલી ખાન જોવા મળવાની છે. આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. સ્કૂલ લાઇફને યાદ કરતાં કાર્તિક આર્યને કહ્યું હતું કે ‘મને આજે પણ યાદ છે હું જ્યારે ૧૬ વર્ષનો હતો, મારી ગર્લફ્રેન્ડ અને હું સ્કૂલમાં એક જ બેન્ચ પર બેસતાં હતાં. અમે હોમવર્ક અને અસાઇનમેન્ટ્સ શૅર કરતાં હતાં. અમે જ્યારે પણ ડેટ પર જતાં તો અમને એક જ ડર સતાવતો હતો કે અમને કોઈ જોઈ ન લે. એથી ગ્વાલિયરમાં જાહેર સ્થળો પર ફરતી વખતે અમે પોતાની જાતને છુપાવવાનો હંમેશાં પ્રયાસ કરતાં હતાં. વૅલેન્ટાઇન્સ ડે પર એક વખત હું મારી ગર્લફ્રેન્ડને રેસ્ટોરાંમાં મળવા ગયો હતો. મારી ફૅમિલી અથવા તો કોઈ રિલેટિવ્સ જોઈ જશે એ વાતનો મને ખૂબ ડર લાગી રહ્યો હતો. અમે સાથે ખૂબ ફરતાં હતાં. જોકે પકડાઈ જવાનો ડર હંમેશાં રહેતો હતો. ઘણી વખત જ્યારે પણ હું પકડાઈ જતો તો મારી ગર્લફ્રેન્ડને કઝિન તરીકે ઓળખાવતો હતો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK