અમે અમારી ફિલ્મોથી આકર્ષિત થઈએ છીએ, રિવૉર્ડ્સથી નહીં : અનુભવ સિંહા

Published: Jul 23, 2020, 21:42 IST | Agencies | Mumbai Desk

અનુભવ સિંહા, સુધીર મિશ્રા, અનુરાગ કશ્યપ, હંસલ મેહતા, વિશાલ ભારદ્વાજ અને સુભાષ કપૂર ખાસ ફ્રેન્ડ્સ છે

અનુભવ સિહા
અનુભવ સિહા

અનુભવ સિંહાએ જણાવ્યું છે કે પોતાની ફિલ્મો દ્વારા તે આકર્ષાય છે ન કે એના રિવૉર્ડ્સથી. અનુભવ સિંહા, સુધીર મિશ્રા, અનુરાગ કશ્યપ, હંસલ મેહતા, વિશાલ ભારદ્વાજ અને સુભાષ કપૂર ખાસ ફ્રેન્ડ્સ છે. લૉકડાઉનને કારણે તેઓ મળી શકતા નથી, પરંતુ કૉલ્સ પર સતત વાતો કરે છે. સાથે જ સોશ્યલ મીડિયામાં પણ એકબીજાના સંપર્કમાં રહે છે. ફ્રેન્ડ્સ સાથેની મુલાકાત વિશે અનુભવ સિંહાએ કહ્યું હતું કે ‘વિશાલ, હંસલ, સુભાષ અને હું રસોઈ બનાવીએ છીએ. હંસલ અને હું સારું જમવાનું બનાવીએ છીએ. અમે બધા ફ્રેન્ડ્સ છીએ. અમે એકબીજાની સ્ક્ર‌િપ્ટ્સ વાંચીએ છીએ. ફર્સ્ટ કટ સાથે બેસીને જોઈએ છીએ. પોતાના વિચારો માંડીએ છીએ અને ગૉસિપ પણ કરીએ છીએ. અમને હવે મનોરંજનનો એક ઉપાય ટ્વિટર પર મળી ગયો છે. ક્યારેક લોકો અમને એમ પણ કહે છે કે તમે લોકો વૉટ્સઍપનું ગ્રુપ કેમ નથી બનાવી લેતા? સુધીરભાઈ મારા સિનિયર છે. હું તેમનું અનુકરણ કરું છું, પરંતુ જો હું તેમને કહું કે આ ખોટું છે તો તેઓ મને સાંભળે પણ છે. તો બીજી તરફ હંસલ અને હું એક જ વયના છીએ. એક દિવસ મેં અનુરાગ કશ્યપને કહ્યું હતું કે હું તારા માટે ફિલ્મ લખવા માગું છું. તો તેણે કહ્યું કે ‘સર પ્લીઝ લખો. સાથે મળીને ફિલ્મ બનાવીએ.’ તે હંમેશાં શાંત રહે છે, પરંતુ જો તમે તેની પાસે જાઓ તો તે હંમેશાં મદદ માટે તૈયાર રહે છે.’
આ તમામ ફ્રેન્ડ્સને કદી પણ એકબીજાની ઈર્ષા નથી થતી. એનું કારણ જણાવતાં અનુભવ સિંહાએ કહ્યું હતું કે ‘એનું કારણ એ છે કે અમે એકબીજાની ફિલ્મોથી આકર્ષાઈએ છીએ, ન કે એના રિવૉર્ડ્સથી. અમારો બધાનો કપરો સમય અને જર્ની અલગ છે. એમાં સફળતા અને નિષ્ફળતા છે. એથી અમે એને વધુ મહત્ત્વ નથી આપતા. અમારા માટે અમે કેવા પ્રકારની ફિલ્મો બનાવીએ છીએ એ જરૂરી છે અને કેવી રીતે એકબીજાને મદદ કરી શકીએ એ. અમે એકબીજાને અપાર માન આપીએ છીએ. આ મારા માટે ગર્વની વાત છે કે મને તેમના જેવા ફ્રેન્ડ્સ મળ્યા છે. તેઓ ટૅલન્ટેડ છે. કદાચ અમે સાથે ફોટો ક્લ‌િક કરી શકીએ અને કદાચ સાથે કામ પણ કરી શકીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK