વિવેક ચાલ્યો આમિરના રસ્તે

Published: 1st November, 2011 18:57 IST

અત્યારના સ્પર્ધાત્મક સમયમાં દરેક ઍક્ટર પડદા પર પોતાના દેખાવના મુદ્દે બહુ સભાન રહે છે. થોડા સમય પહેલાં આમિર ખાને ‘ગજની’ માટે સુપર કસરતી શરીર બનાવીને પછી ‘થ્રી ઇડિયટ્સ’ માટે આકરી મહેનત કરીને વજન ઘટાડીને ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

 

હવે વિવેક ઑબેરૉયે પણ આમિરના રસ્તે ચાલવાનું પસંદ કર્યું છે. પહેલાં વિવેકે ‘ઝિલા ગાઝિયાબાદ’ માટે ભારે મહેનત કરીને કસરતી અને સ્નાયુબદ્ધ શરીર બનાવ્યું હતું અને હવે પોતાની આગામી ફિલ્મ ‘ગ્યારહ ચાલીસ કી લાસ્ટ મેટ્રો’ માટે વજન ઘટાડીને શરીર ઉતાર્યું છે.

વજન ઉતારવાના વિવેકના આ પ્રયાસો વિશે તેની નજીકની એક વ્યક્તિ કહે છે કે ‘વિવેકે ‘ઝિલા ગાઝિયાબાદ’ માટે સારુંએવું વજન વધારીને કસરતી શરીર બનાવ્યું હતું. જોકે જ્યારે ‘ગ્યારહ ચાલીસ કી લાસ્ટ મેટ્રો’ના ડિરેક્ટર સંજય ખંદુરીએ વિવેકને પોતાની ફિલ્મ માટે આ વજન ઉતારવાનું કહ્યું ત્યારે ‘ઝિલા ગાઝિયાબાદ’ના શૂટિંગ પછી વિવેકે આકરી કસરત કરીને ચારેક કિલો જેટલું વજન ઘટાડી નાખ્યું છે અને તેનો ઇરાદો દસેક કિલો જેટલું વજન ઘટાડવાનો છે. આ વજન ઘટાડવા તેણે ખાસ વર્કઆઉટની સાથોસાથ કાર્ડિયો અને ફ્રી હૅન્ડ એક્સરસાઇઝ કરી હતી તથા સ્ટ્રિક્ટ ડાયટ પ્લાનનું અનુસરણ કર્યું હતું. તેણે આહારમાં પ્રોટીનનું પ્રમાણ ઘટાડી નાખ્યું હતું અને દર બે કલાકે થોડું-થોડું ખાવાનો અભિગમ અપનાવ્યો હતો. તે સવારે અને રાતે જમવામાં પણ શાક, દાળ અને થોડીક રોટલી જ લેતો હતો. આ સમય દરમ્યાન વિવેકે મીઠાઈ ખાવાનું સાવ બંધ કરી દીધું હતું.’

આ મુદ્દે વિવેક સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘એ વાત સાચી છે કે મારું ચાર કિલો વજન ઘટી ગયું છે. હું હવે મારા ડાયટ પર ધ્યાન રાખીને બીજા થોડાક કિલો વજન ઘટાડવાનો છું. આ ફિલ્મ બાદ ‘ક્રિશ’ની સીક્વલ માટે મારે ફરીથી નવી ફિટનેસ મેળવવાની છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK