બાલ બાલ નહીં બચે!

Published: Nov 02, 2019, 17:40 IST | પાર્થ દવે | મુંબઈ ડેસ્ક

પોર્ટિંગ કાસ્ટ નર્યો શોરબકોર કરે છે. સની સિંહનું પાત્ર કન્ફ્યુઝ્ડ છે અને છેવટ સુધી એમાં એક વાળ જેટલો ફરક નથી પડતો.

ફિલ્મ-રિવ્યુ - ઉજડા ચમન

૨૦૧૭માં આવેલી કન્નડ ફિલ્મની ઑફિશ્યલ રીમેક ‘ઉજડા ચમન’માં સની સિંહના માથા પરના વાળની સાથે ઑથેન્ટિસિટી પણ ગાયબ છે અને તેની ટાલની જેમ બધું જ આર્ટિફિશ્યલ લાગે છે. સપોર્ટિંગ કાસ્ટ નર્યો શોરબકોર કરે છે. સની સિંહનું પાત્ર કન્ફ્યુઝ્ડ છે અને છેવટ સુધી એમાં એક વાળ જેટલો ફરક નથી પડતો.

બે વર્ષ પહેલાં રાજ બી. શેટ્ટી નામના ડિરેક્ટરની ‘ઓન્ડુ મોટ્ટેયા કાથે’ નામની કન્નડ ફિલ્મ આવી હતી જેમાં એક કન્નડ ભાષાના પ્રોફેસરની વાત હતી જેના નાની ઉંમરે વાળ ખરી ગયા હતા. એના કારણે તેને નોકરીમાં તકલીફ પડતી હતી અને છોકરી મળતી નહોતી. આ પ્રોફેસર જનાર્ધનનું પાત્ર ખુદ ડિરેક્ટરે જ ભજવ્યું હતું. આ ફિલ્મની ઑફિશ્યલ રીમેક ડિરેક્ટર અભિષેક પાઠકે હિન્દીમાં ‘ઉજડા ચમન’ના નામે કરી છે, જેમાં ૩૦ વર્ષના ચમન કોહલી નામના હિન્દી ભાષાના પ્રોફેસરની વાત છે. મૂળ ફિલ્મમાં પૃષ્ઠભૂ મૅન્ગલોર હતી, અહીં દિલ્હી છે.
વાર્તા અને બીજી બધી વાત કરીએ એ પહેલાં એક મહત્ત્વની વાત કહી દઉં. જનાર્ધનનું પાત્ર ભજવનાર રાજ બી. શેટ્ટીના માથામાં સાચે ટાલ છે. તેઓ પાછા ડિરેક્ટર એટલે તેમણે સટિક નિરીક્ષણ અને સટલ હ્યુમરનો બખૂબી ઉપયોગ પોતાના પાત્રની ઇર્દગિર્દ કન્નડ ફિલ્મમાં કર્યો છે. તેમણે કન્નડ ભાષા પ્રત્યેનો પ્રેમ પણ દર્શાવ્યો છે. અહીં આ બધું જ માથાના વાળની જેમ ગેરહાજર છે. સાઉથની ફિલ્મને નૉર્થમાં ઢાળતાં અમુક ઇરાદાપૂર્વક સ્કિપ કરાયું છે અને અમુક ચૂકી જવાયું છે.
ચાલો, હવે ડીટેલમાં બાલ કી ખાલ કાઢીએ!
ટૉમ, ડિક ઍન્ડ ‘ચમન’
કહ્યું એમ ૩૦ વર્ષનો પ્રોફેસર ચમન કોહલી (સની સિંહ) દિલ્હીની હંસરાજ કૉલેજમાં ભણાવે છે. વિદ્યાર્થીઓ તેની હંમેશ મસ્તી કરતા રહે છે. તેને ચીડવે છે. તેનો કોઈ ઢંગનો દોસ્ત નથી સિવાય કૉલેજનો પ્યુન રાજ (શારિબ હાશમી). રાજની પારિવારિક લાઇફ સેટ છે એટલે તે છોકરી શોધવા માટેના ઉપાયો ચમનને કહેતો રહે અને ચમન એ અજમાવતો રહે. જેમ કે ભાઈબંધના લગ્નમાં જાય તો ત્યાં કોઈ છોકરીને પટાવવાની કોશિશ કરે કે પછી કૉલેજમાં સાથી-પ્રોફેસર્સ સાથે ફ્લર્ટની ટ્રાય કરે. ચમનનાં માતા-પિતા (અતુલ કુમાર અને ગૃષા કપૂર) ટિપ‌િકલ મિડલ-ક્લાસ માતા-પિતા છે જેઓ કોઈ પણ ભોગે દીકરાને પરણાવવા માગે છે. પિતાને તો એ વર્જિન ન રહી જાય એની ચિંતા વધારે છે! ચમનનો નાનો ભાઈ ગોલ્ડી (ગગન અરોરા) છે. તે પણ મમ્મી-પપ્પા જેવો લાઉડ છે. સ્પેશ્યલ અપીરન્સમાં ગુરુજી તરીકે સૌરભ શુક્લા પણ છે. (તેમણે ‘બાલા’ માટે સારું કામ અનામત રાખ્યું હોય એવું લાગે છે!)
આ બધા વચ્ચે ચમનની પ્રમાણમાં ડિપ્રેસ‌િંગ જિંદગી જઈ રહી છે. તેને લોકો ‘ટૉમ, ડિક ઍન્ડ હેરી’ જેવો કોઈ ઑર્ડિનરી માણસ પણ નથી ગણતા. પ્રોફેસર હોવા છતાં તેની કોઈ ગણતરી નથી. ત્યાં તેને સોશ્યલ મીડિયાઍપ ‘ટિન્ડર’ દ્વારા અપ્સરા બત્રા (માનવી ગાગરુ) મળે છે. શું હવે ચમનની લાઇફ ચમકશે? એ જોવા સહન કરો પોણાબે કલાક સુધી ચમનની આસપાસનાં પાત્રોની ચપડ-ચપડ!
સપાટ સ્ક્રિપ્ટ અને લાઉડ ડિરેક્શન!
સૌથી પહેલાં તો આજે માથામાં વાળ સાવ ન હોય કે પછી ઉંમરના પ્રમાણે ‘સમાજે ધાર્યા છે’ એના કરતાં ઓછા હોય એ કોઈ મહાપ્રશ્ન નથી. આજે લોકો માથું એકદમ ક્લીન કરાવીને કે પછી હેર-ટ્રાન્સપ્લાન્ટ કરાવીને ફરે છે. અને ચાલો, માની લઈએ કે આ વર્ષો પુરાણી આપણી તકલીફ છે, બૉલ્ડ લુકના કારણે મસ્તી થતી રહે છે તો એ કોઈ મહા ડિપ્રેસિંગ ઓવર-ડ્રામેટિક રીતે રજૂ કરવાની જરૂર નથી. અહીં લોચો એ થયો છે. રાઇટર ડેનિસ સિંહ અને ડિરેક્ટર પાઠક અહીં ઓવર-સેન્સિટિવ થઈ ગયા હોય એવું લાગે છે. જેમ કે ચમન વિગ પહેરીને કૉલેજ જાય છે. મજા નથી આવતી તો બાથરૂમમાં જઈને વિગ કાઢે છે. તેનો વિડિયો કૉલેજમાં વાઇરલ થાય છે અને લોકો હસ-હસ કરે છે. આખી ફિલ્મ દરમ્યાન કૉલેજના મૅચ્યોર યુવાનો ખાલી આવું જ કરવા આવતા હોય એવા દર્શાવ્યા છે! બીજું, અહીં સૌથી પહેલાં વાત કરી એ મૂળ ફિલ્મનું હાર્દ જ ગાયબ છે. કન્નડ ફિલ્મ ‘ઓન્ડુ મોટ્ટેયા કાથે’નો અર્થ થાય ‘સ્ટોરી ઑફ એગહેડ’. એગહેડના બે અર્થ થાય: સ્માર્ટ પર્સન, હોશિયાર. અને બીજો થાય ટકલો. અહીં મેકર્સ ખુદ જ ‘ઉજડો ચમન’ કહીને મસ્તી કરવાના મૂડમાં છે.
ઓકે. સેલ્ફ-અવેર સ્ટાઇલ છે એમ માની લઈએ. તો પણ ચમનનું પાત્ર કન્ફ્યુઝિંગ છે. તેને પોતાને જાતજાતના પૂર્વગ્રહો છે. તેનાં લગ્ન નથી થતાં કેમ કે તેના માથે વાળ નથી અને એક છોકરી તેને પસંદ કરે છે તેને તેની કથિત ‘શારીરિક અધૂરાશ’ના કારણે પોતે ના પાડી દે છે. બીજો અને સૌથી મોટો માઇનસ પૉઇન્ટ છે લાઉડનેસ. મેકર્સને જાણે ખબર જ છે કે અહીં દર્શકોનું હસવાને બદલે ખસવું થશે માટે ઠૂંસીઠૂંસીને લાઉડ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ભર્યું છે. ચમનનાં માતા-પિતા પણ એટલાં જ દિલ્હીનાં મિડલ-ક્લાસ ઓવર-એક્સાઇટેડ લાઉડ છે! બન્ને કાબેલ અદાકારોને શરૂઆતમાં જોવા ગમે છે, પણ પછી વેડફાઈ ગયાની ફીલ આવે છે. સની સિંહની આ પહેલી સોલો ફિલ્મ છે, પણ તેનું અહીં જાણે ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’નું માત્ર ટાલિયું વર્ઝન છે! ખિન્ન અને ઉદાસ ચહેરો અને શાંત આંખોઃ આખી ફિલ્મ દરમ્યાન તેના ચહેરા પર આ જ ભાવ રહે છે. માનવી ગાગરુની ઍક્ટિંગ સારી છે, પણ તે આવે છે ઠેઠ ઇન્ટરવલ ટાણે. શારિબ હાશમીનો સબપ્લૉટ પ્રેડિક્ટેબલ છે.
માથું ઓળાય કે નહીં?
બૉડીશેમિંગ-શારીરિક અધૂરાશ કોઈ મહાપ્રશ્ન નથી. એનાથી ડરવાનું કે રડવાનું નથી, લડવાનું છે. એ વારસાગત પણ હોઈ શકે. સ્વીકાર કરો અને જલસા કરો. ‘ઉજડા ચમન’ આટલોક મેસેજ આપવામાં માત્ર બે કલાક હોવા છતાંય સખત હાંફી જાય છે. દર્શકો દોઢ કલાકમાં હાંફી જાય છે. એટલે મેસેજનો સમય આવે છે ત્યાં સુધી શક્તિ નથી રહેતી રાજી થવાની!
છૂટક કૉમિક સીન્સ અને સિચુએશન્સ અવશ્ય છે. અમુક ડાયલૉગ્સમાં પણ હસવું છે, પણ કહ્યું એમ પાત્રો અને પાત્રોના ડાયલૉગ્સ મોટા ભાગે ઉભડક ને છીછરા લખાયા છે. જેમ કે ચમનને લગ્ન કરવાં છે, કેમ કે તેને સેક્સ કરવું છે અને વાળ ન હોવાથી તેને કોઈ છોકરી નથી મળતી અને એના કારણે તે ઘેર આવતી કામવાળીના ક્લીવેજ જોયા કરે છે! રાઇટર-ડિરેક્ટરે ત્યાં પાછો કૉમિક ડાયલૉગ મૂક્યો છે. મૂળ ફિલ્મમાં આ નથી અને અહીં પણ વિષય અલગ હોઈ ‘ગ્રેટ ગ્રૅન્ડ મસ્તી’વેડા કરવાની જરૂર નહોતી.
છેલ્લું કટિંગ : મૂળ ફિલ્મની વાર્તા અને માંહ્યલો બન્ને મજબૂત હતાં. અહીં લૉસ્ટ ઇન ટ્રાન્સલેશનના કારણે ઑથેન્ટિસ‌િટી અને સહજતા ગાયબ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK