Total Timepass: પત્નીના ત્રાસથી સંદીપ નાહરે કર્યું સુસાઇડ, વાંચો વધુ

Published: 17th February, 2021 15:13 IST | Agency | Mumbai

બૉલીવુડ સેલેબ્રિટીઝ શેમાં છે બિઝી?

સંદીપ નાહર
સંદીપ નાહર

પત્નીના ત્રાસથી સંદીપ નાહરે કર્યું સુસાઇડ

kanchan

સુસાઇડ-નોટમાં તેણે લખ્યું હતું કે સાસુની ધમકી અને બૉલીવુડના પૉલિટિક્સથી પણ કંટાળી ગયો હતો

બૉલીવુડ ઍક્ટર સંદીપ નાહરે સોમવારે મોડી રાતે તેના ફ્લેટના બેડરૂમમાં પત્નીના ત્રાસ અને બૉલીવુડના પૉલિટિક્સને લઈને સુસાઇડ કર્યું હતું. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેણે ગોરેગામમાં આવેલા તેના ઘરમાં સુસાઇડ કર્યું હતું. સંદીપ નાહરે અક્ષયકુમારની ‘કેસરી’ અને સુશાંત સિંહ રાજપૂત સાથેની ‘એમ.એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’માં કામ કર્યું હતું. તેની પત્ની કંચન અને ફ્રેન્ડ્સ દ્વારા સંદીપને એસ.વી.આર. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને પહોંચતાંની સાથે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મંગળવારે તેના પિતાએ આવીને પોલીસ-સ્ટેશનમાંથી બૉડી મેળવીને અંતિમ સંસ્કાર કર્યા હતા.

સુસાઇડ પહેલાં ફેસબુક પર શૅર કર્યો વિડિયો

સંદીપે સુસાઇડ પહેલાં તેના ફેસબુક અકાઉન્ટ પર વિડિયો શૅર કર્યો હતો જેમાં તેણે તેની પત્ની કંચન શર્માનો ત્રાસ અને બૉલીવુડના પૉલિટિક્સને જવાબદાર ગણાવ્યા હતા. તેમ જ તેણે તેના ફેસબુક અકાઉન્ટ પર સુસાઇડ-નોટ પણ લખી હતી.

વારંવાર સુસાઇડ કરવાની ધમકી આપતી હતી પત્ની સંદીપની પત્ની કંચન શર્માનો નેચર એવો હતો કે તે વાત-વાતમાં તેના પતિને પોતે સુસાઇડ કરી લેશે એવી ધમકી આપતી હતી. તેણે બે વર્ષ પહેલાં સંદીપ સાથે લગ્ન કર્યાં હતાં અને ત્યાર બાદ સંદીપનું જીવન નરક સમું બની ગયું હતું. જોકે સંદીપ તેના જીવન વિશે કોઈ સાથે શૅર નહોતો કરતો એથી દરેકને એવું લાગતું હતું કે તેમનું લગ્નજીવન ખૂબ જ સુખી છે. જોકે કંચને બે વર્ષમાં તેને લગભગ સો વાર સુસાઇડ કરી લેવાની ધમકી આપી હતી. સંદીપનું કહેવું હતું કે તેની લાઇફમાં અગાઉ ઘણા પ્રૉબ્લેમ આવ્યા હતા, પરંતુ એના તેની પાસે સોલ્યુશન હતા. જોકે પત્નીના ત્રાસનો તેની પાસે કોઈ ઇલાજ નહોતો. તેને એવી આશા હતી કે બધું બરાબર
થઈ જશે, પરંતુ કંચનનો ત્રાસ વધતો જતો હતો અને તેણે સુસાઇડનું સ્ટેપ લેવું પડ્યું. તેણે એક વિનંતી કરી હતી કે તેના મૃત્યુ બાદ કંચનને કંઈ કહેવામાં ન આવે, પરંતુ તેનો ઇલાજ જરૂર કરાવવામાં આવે.

ઇમોશન વગરનું બૉલીવુડ

સંદીપે કહ્યું હતું કે તેણે બૉલીવુડમાં ઘણી વાર પૉલિટિક્સનો સામનો કર્યો છે. તેમ જ તેનું માનવું છે કે આ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના લોકો જરા પણ પ્રોફેશનલ નથી. તેને ઘણી વાર ઘણા પ્રોજેક્ટમાંથી ફાઇનલ થયા બાદ પણ કાઢી નાખવામાં આવ્યો હતો. તેનું કહેવું છે કે બૉલીવુડ ખૂબ જ પ્રૅક્ટિકલ છે, પરંતુ એ ઇમોશનના નામે ઝીરો છે.

અન્ય સમસ્યા

કંચનની સાથે તેની મમ્મી પણ સંદીપને ખૂબ જ હેરાન કરતી હતી. કંચનની અગાઉની રિલેશનશિપમાં પણ તે તેના બૉયફ્રેન્ડને સુસાઇડની ધમકી આપતી હતી. તેની સાસુએ તેના એક્સ-બૉયફ્રેન્ડને ખોટી વાતમાં સંડોવીને જેલભેગો કર્યો હતો. તેની સાસુ સંદીપને પણ આવી ધમકી આપતી હતી. લૉકડાઉન હોવા છતાં કંચન તેના પતિને વેકેશન પર લઈ જવા સતત ફોર્સ કરતી હતી. આવી ઘણી સમસ્યાને કારણે સંદીપે આખરે જીવ ગુમાવ્યો.

ranbir-alia

બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂરું કર્યું નાગાર્જુને

નાગાર્જુને હાલમાં જ મુંબઈમાં તેની ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ઍડ્વેન્ચર ડ્રામામાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. આયાન મુખરજી દ્વારા ડિરેક્ટ અને કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રૉય પણ છે. નાગાર્જુન આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં છે. તેમણે પોતાના પાર્ટનું તમામ શૂટિંગ પૂરું કર્યું છે. તેમનું છેલ્લું શેડ્યુલ મુંબઈમાં ચાલી રહ્યું હતું. ફિલ્મના સેટ પરનો ફોટો શૅર કરીને નાગાર્જુને ટ્વીટ કર્યું હતું કે ‘મારી ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર શૂટિંગ પૂરું થયું છે. અમારા અદ્ભુત પર્ફોર્મર્સ રણબીર અને આલિયા સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી હતી. આયાન મુખરજીએ જે અદ્ભુત ફિલ્મ બનાવી છે એને લોકો સમક્ષ રજૂ કરવા માટે ખૂબ જ આતુર છું.’

hrithik

ઇન્ડસ્ટ્રીના મિત્રોમાં ક્રીએટિવિટીનો સંચાર થાય એવી પ્રાર્થના કરતો હૃતિક

હૃતિક રોશને ગઈ કાલે સરસ્વતી પૂજા કરીને લોકોમાં પૉઝિટિવિટી અને આશાનું એક કિરણ ફેલાવવાની કોશિશ કરી હતી. મા સરસ્વતીને નૉલેજ, મ્યુઝિક અને આર્ટની દેવી માનવામાં આવે છે. હૃતિક હાલમાં પૉપ્યુલર ટીવી સિરીઝ ‘ધ નાઇટ મૅનેજર’ના ઇન્ડિયન વર્ઝન માટે તૈયારી કરી રહ્યો છે. સરસ્વતીની પૂજા કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘અમારો સાથ આપવા બદલ આભાર. મુશ્કેલીઓનો સામનો કરીને હું તમારી સામે આશા અને પૉઝિટિવિટી લઈને ઊભો છું. વસંત પંચમીના સુંદર દિવસે મા સરસ્વતી આપણામાં ક્રીએટિવિટીનો સંચાર કરે એવી પ્રાર્થના કરું છું. મારા ઇન્ડસ્ટ્રીના મિત્રો, આર્ટિસ્ટ, ક્રાફ્ટ્સમેન, મ્યુઝિશ્યન, સ્કૉલર્સ, ઇનોવેટર્સ અને દરેક ક્રીએટિવ વ્યક્તિનો વિકાસ થાય એવી શુભેચ્છા પાઠવું છું. હૅપી વસંત પંચમી. નવી શરૂઆત કરી રહ્યો છું.’

neeti-mohan

સોશ્યલ મીડિયામાં પ્રેગ્નન્સીના ગુડ ન્યુઝ આપ્યા સિંગર નીતિ મોહને

સિંગર નીતિ મોહને પોતાની પ્રેગ્નન્સીના ગુડ ન્યુઝ સોશ્યલ મીડિયામાં આપ્યા છે. નીતિએ બે વર્ષ પહેલાં ઍક્ટર નિહાર પંડ્યા સાથે લગ્ન કર્યાં હતાં. બન્નેએ ૨૦૧૯ની ૧૫ ફેબ્રુઆરીએ લગ્ન કરી લીધાં હતાં અને હવે ગઈ કાલે તેમની બીજી ઍનિવર્સરી હોવાથી બેમાંથી ત્રણ થવાના ગુડ ન્યુઝ આપ્યા છે. બન્ને પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે આતુર છે. નીતિએ આ ખુશખબર લોકોને આપવા તેના હસબન્ડ સાથેનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં નીતિના બેબી બમ્પ પર નિહાર કિસ કરી રહ્યો છે. બન્ને દરિયાકિનારે ઊભાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નીતિએ કૅપ્શન આપી હતી કે ‘1+1 = 3. મમ્મી-ડૅડી બનવાનાં છીએ. અમારી સેકન્ડ મૅરેજ-ઍનિવર્સરી નિમિત્તે એની જાહેરાત કરવા માટે આનાથી સારો દિવસ શું હોઈ શકે?’

rhea

સુશાંતની બહેન પ્રિયંકા સામેનો કેસ હાઈ કોર્ટે ચાલુ રાખતાં રિયા ચક્રવર્તીના વકીલને થયો સંતોષ

સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ સામે કરવામાં આવેલી ફરિયાદ સામે કાર્યવાહી ચાલુ રાખવા માટે બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા કહેવામાં આવતાં રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેને સંતોષ થયો છે. મુંબઈ પોલીસ દ્વારા સુંશાતની બીજી બહેન મીતુ સિંહ સામે કરવામાં આવેલી ફરિયાદને હાઈ કોર્ટે ફગાવી દીધી છે. પ્રિયંકા દ્વારા ખોટા મેડિકલ પ્રિસ્ક્રિપ્શનને લઈને તેના વિરુદ્ધ રિયાના વકીલે એફઆઇઆર દાખલ કર્યો હતો. આ ફરિયાદને આગળ વધારવા માટે કોર્ટે ચુકાદો આપતાં સતીશ માનેશિંદેએ કહ્યું હતું કે તેને હવે સંતોષ થયો છે. સુશાંતે ૨૦૨૦ની ૧૪ જૂને સુસાઇડ કર્યું હતું. તેના મૃત્યુને લઈને ચાલી રહેલા કેસની તપાસ હજી પણ ચાલુ છે.

ekta

ધ મૅરિડ વુમન જેવો પ્રોજેક્ટ બનાવવા એકતા કપૂર રાહ જોઈ રહી હતી

એકતા કપૂરનું કહેવું છે કે તે ‘ધ મૅરિડ વુમન’ જેવો પ્રોજેક્ટ બનાવવા માટે રાહ જોઈ રહી હતી. એકતા કપૂર હાલમાં આ શોને રિલીઝ કરવા માટે તૈયાર છે. તેને આ શો ઑનલાઇન પ્લૅટફૉર્મ પર જ બનાવવો હતો. આ વેબ-સિરીઝને મંજુ કપૂરની એ જ નામની બુક પરથી બનાવવામાં આવી છે જેમાં રિદ્ધિ ડોગરા અને મોનિકા ડોગરાએ કામ કર્યું છે. આ શો વિશે પૂછતાં એકતા કપૂરે કહ્યું હતું કે ‘મેં આ બુક વાંચી હતી અને મને એ ગમી હતી. મારે એના પરથી આ શો બનાવવો હતો. હું જ્યારે મંજુજીને મળી ત્યારે મેં વિચાર્યું હતું કે આ બુકને ટેલિવિઝન અથવા તો ફિલ્મ દ્વારા ન્યાય નહીં આપી શકાય. આથી મેં એવા મીડિયમની રાહ જોઈ હતી જેના પર આ પ્રોજેક્ટને ન્યાય આપી શકાય. આ શો ઘણા સમયથી બનવા માટે રાહ જોઈ રહ્યો હતો અને એના માટે ડિજિટલ મીડિયમ શ્રેષ્ઠ પ્લૅટફૉર્મ છે.’

ડિજિટલ પ્લૅટફૉર્મ પર લોકો સમક્ષ વિવિધ સ્ટોરી રજૂ કરવાની જવાબદારી વિશે પૂછતાં એકતા કપૂરે કહ્યું હતું કે ‘દરેક પ્રકારના દર્શકોને આકર્ષિત કરવાનું મને ગમે છે અને માસિસને મનોરંજન પૂરું પાડવામાં મને કોઈ પ્રૉબ્લેમ નથી. હું સમાજને લગતા પ્રોગ્રામ બનાવવાની સાથે ફૅન્ટસી પર આધારિત પ્રોગ્રામ પણ બનાવું છું. આ બન્ને પ્રોગ્રામને એન્જૉય કરનારો વર્ગ છે. ઘણી વાર હું દિલને સ્પર્શી જનારી સ્ટોરી લઈને આવું છું, કારણ કે એ મારા માટે થેરાપ્યુટિક છે. તેમ જ અલગ-અલગ સ્ટોરી કહી શકવા માટે હું સક્ષમ પણ છું. તમે જ્યારે ટેલિવિઝન માટે શો બનાવો છો ત્યારે એ ૨૦ વર્ષ માટે પણ જઈ શકે છે અને ૫૦૦૦ એપિસોડ માટે પણ જઈ શકે છે. આથી એક સમયે તમે કંટાળી જાઓ છો.’

azaan

મારા પિતાની મારી પાસે ખૂબ જ વધુ અપેક્ષા છે : અઝાન સમી

અદનાન સમીના દીકરા અઝાન સમીનું કહેવું છે કે તેના પિતા તેની પાસેથી ખૂબ જ વધુ અપેક્ષા રાખી રહ્યા છે. અઝાને હાલમાં જ તેનું આલબમ ‘મૈં તેરા’ રિલીઝ કર્યું છે. આ આલબમમાં નવ સૉન્ગ છે જેનું ટાઇટલ સૉન્ગ હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. પિતાએ આપેલી સલાહ વિશે પૂછતાં અઝાને કહ્યું હતું કે ‘મારા પેરન્ટ્સ મારા કામને લઈને ખૂબ જ ટીકા કરે છે અને તેમને ઇમ્પ્રેસ કરવા સહેલા નથી. તેમની મારી પાસે ખૂબ જ અપેક્ષાઓ છે અને તેઓ સરળતાથી માને એવા નથી. મને યાદ છે કે મારા પિતાએ મને કહ્યું હતું કે એક દિવસ મારું ગીત એક નાનકડા ગામમાં વાગશે અને તેમને એ ગીતના બોલ સમજ ન પડતા હોવા છતાં તેમના દિલને એ ગીત સ્પર્શે ત્યારે સમજવું કે હું આર્ટિસ્ટ તરીકે સફળ થયો છું. એ હજી સુધી નથી થયું. મેં મારું પહેલું પોસ્ટર શૅર કર્યું ત્યારે મારા પિતાએ કમેન્ટ પણ કરી હતી જે મારા માટે ખૂબ જ મહત્ત્વની છે.’

khatija

ઇનસાઇડ એજ 3માં હૅકર બનશે ખતીજા ઇકબાલ

ખતીજા ઇકબાલને હવે ‘ઇનસાઇડ એજ 3’માં પસંદ કરવામાં આવી છે. ખતીજા પહેલાં ‘રાગિની એમ.એમ.એસ. : રિટર્ન્સ’માં જોવા મળી હતી. તે હવે ક્રિકેટ પર આધારિત શોમાં નાનકડી ભૂમિકામાં જોવા મળશે. આ વિશે ખતીજાએ કહ્યું હતું કે ‘આ એક અદ્ભુત શો છે જેમાં ખૂબ જ જોરદાર કાસ્ટ અને ટીમ છે. એકદમ હાર્ડકોર ફિલ્મ પ્રોફેશનલ્સ સાથે કામ કરવું મારા માટે ગર્વની વાત છે. હું એક રહસ્યમય મહિલાનું પાત્ર ભજવી રહી છું જે બિલ્ડિંગમાં દાખલ થઈ સિસ્ટમને હૅક કરીને ફિક્સિંગની ડીલને શક્ય બનાવશે.’

dwayne

ડ્વેઇન જૉન્સન ચાહકો ઇચ્છશે તો પ્રેસિડન્ટપદ માટે લડશે

હૉલીવુડના સ્ટાર ડ્વેઇન જૉન્સનનું કહેવું છે કે જો તેના ચાહકો ઇચ્છશે તો તે ભવિષ્યમાં અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે લડશે. રેસલિંગમાં ખ્યાતિ મેળવ્યા બાદ ડ્વેઇન જૉન્સને ફિલ્મોમાં ઝંપલાવ્યું હતું. તે ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ’ સિરીઝમાં પણ જોવા મળ્યો હતો. પ્રેસિડન્ટ પદ વિશે પૂછતાં ડ્વેઇને કહ્યું હતું કે ‘લોકો ઇચ્છતા હોય તો ભવિષ્યમાં હું પ્રેસિડન્ટ પદ માટે લડીશ. હું એમાં માનું છું. મારા શબ્દોમાંથી હું પાછી પાની નહીં કરું. આ લોકો પર નિર્ભર કરે છે. આથી હું રાહ જોઈશ અને તેમના અવાજને સાંભળીશ. હું આ માટે તમામ લોકોનો
અવાજ સાંભળીશ.’

tom-cruise

ટૉમ ક્રૂઝની મિશન : ઇમ્પૉસિબલ સિરીઝની બે ફિલ્મનું બૅક-ટુ-બૅક શૂટિંગ થયું કૅન્સલ

હૉલીવુડના ઍક્ટર ટૉમ ક્રૂઝની બે ફિલ્મનું બૅક-ટુ-બૅક શૂટિંગ કૅન્સલ કરવામાં આવ્યું છે. ટૉમ ક્રૂઝે હાલમાં જ આ સિરીઝની સાતમી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે અને આઠમી ફિલ્મનું શૂટિંગ કૅન્સલ કરવામાં આવ્યું છે. પહેલાં સાતમી અને આઠમી એમ બન્ને ફિલ્મનું શૂટિંગ બૅક-ટુ-બૅક કરવાનું પ્લાનિંગ હતું. જોકે કોરોના વાઇરસને કારણે ફિલ્મોનાં તમામ કૅલેન્ડર ઉપર-નીચે થયાં છે. ટૉમ ક્રૂઝની અન્ય ફિલ્મોની રિલીઝને કારણે આઠમી ફિલ્મનું શેડ્યુલ લંબાવવામાં આવ્યું છે. બે જુલાઈએ તેની ‘ટૉપ ગન : મૅવરિક’ રિલીઝ થઈ રહી છે. તે હવે આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હોવાથી આઠમી સિરીઝનું શૂટિંગ લંબાવવામાં આવ્યું છે. ફિલ્મની રિલીઝ બાદ તે ફરી ‘મિશન : ઇમ્પૉસિબલ’નું શૂટિંગ શરૂ કરશે.

બિગ બૉસનું ઘર નિક્કી છોડશે બુધવારની રાતે

કલર્સ ચેનલના રિયલિટી શો ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં હવે પાંચ કન્ટેસ્ટન્ટ ઘરમાં રહ્યા છે ત્યારે એ પાંચમાંથી નિક્કી તંબોલીને હવે બેઘર કરવામાં આવશે. ક્રીએટિવ ટીમે બનાવેલા પ્લાનિંગ મુજબ બુધવારે રાતે નિક્કી તંબોલીનું એલિમિશેન થશે અને એ પણ લેટનાઇટ કરવામાં આવશે. મોડી રાતે એક કન્ટેસ્ટન્ટને ઘરમાંથી બહાર કાઢવાનો શિરસ્તો વર્ષોથી ‘બિગ બૉસ’માં ચાલે છે ત્યારે એ જ શિરસ્તાને કન્ટિન્યુ કરવામાં આવશે. નિક્કી ગુજરાતી છે અને થાણેમાં રહે છે પણ તેણે તામિલ ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તામિલની સુપરહિટ કૉમેડી-હૉરર ફિલ્મ ‘કંચના’માં પણ તે હતી.

નિક્કી તંબોલીની ‘બિગ બૉસ’ના ઘરમાં સૌથી તોછડી કન્ટેસ્ટન્ટ તરીકેની ઇમેજ ઊભી થઈ છે, જે ઇમેજને કારણે તે પૉપ્યુલર પણ થઈ છે.

supriya

તૂતૂમૈંમૈંની ફેમસ જોડી સુપ્રિયા પિલગાંવકર અને મહેશ ઠાકુર ફરી સાથે

૧ માર્ચથી ઇશારા નામની નવી ચૅનલ લૉન્ચ થવાની છે જેના શો જનનીમાં સુપ્રિયા પિલગાંવકર લીડ રોલમાં છે

સુપરહિટ કૉમેડી સિરીઝ ‘તૂતૂમૈંમૈં’ની જોડી સુપ્રિયા પિલગાંવકર અને મહેશ ઠાકુર ફરી ઑન-સ્ક્રીન સાથે જોવા મળશે. ૧ માર્ચથી ‘ઇશારા - ઝિંદગી કા નઝારા’ નામની નવી ચૅનલ લૉન્ચ થવાની છે જેના એક શો ‘જનની’માં સુપ્રિયા પિલગાંવકર લીડ રોલ કરવાની છે. મહેશ ઠાકુર અને સુપ્રિયા પિલગાંવકર અગાઉ સ્ટાર પ્લસના શો ‘સસુરાલ ગેંદા ફૂલ’માં સાથે જોવા મળ્યાં હતાં, પણ એ શોમાં તેમની લીડ કાસ્ટ નહોતી. હૅટ્સ ઑફ પ્રોડક્શન્સ નિર્મિત ‘જનની’માં સવિતા નામની એક સિંગલ મધરની આત્મનિર્ભર બનવાની વાત છે.
‘જનની’ ઉપરાંત અન્ય એક શો ‘હમકદમ’ પણ લૉન્ચ થશે જેની વાર્તા પણ સામાન્ય ફૅમિલી-ડ્રામા કરતાં કંઈક અલગ છે. ‘હમકદમ’માં એવી સાસુ-વહુની વાત છે જે મુશ્કેલીમાં સાથે રહીને એકમેકની તાકાત બને છે. આ શોમાં ‘સંજીવની’, ‘સિંદૂર’, ‘બેસ્ટ ઑફ લક નિક્કી’ ફેમ ગુરદીપ કોહલી અને ભૂમિકા ગુરાંગ મુખ્ય રોલમાં છે. ગુરદીપ કોહલીનું કહેવું છે કે ‘હમકદમ’માં ટિપિકલ સાસુ-વહુની વાર્તા નથી. આ શોમાં બે સામાન્ય મહિલાઓની વાત છે જે અસામાન્ય પરિસ્થિતિમાં મુકાઈ જાય છે.

mallika

રાધા મલ્લિકા સિંહ કરશે ડિજિટલ ડેબ્યુ
રાધાકૃષ્ણ ફેમ મલ્લિકા સિંહ ડિઝની પ્લસ હૉટસ્ટારની સિરીઝ ‘એસ્કેપ લાઇવ’માં જોવા મળશે

સ્ટાર ભારતની પૉપ્યુલર માઇથોલૉજિકલ સિરીઝ ‘રાધાકૃષ્ણ’માં રાધા તરીકે ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી મલ્લિકા સિંહ ‘એસ્કેપ લાઇવ’ વેબ-સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કરવાની છે. ‘એસ્કેપ લાઇવ’ એક ટેક થ્રિલર સિરીઝ છે જેમાં પાંચ એવા સામાન્ય ભારતીયોની વાત છે જે લાઇવ સ્ટ્રીમિંગ ઍપના માધ્યમથી રાતોરાત ફેમસ થઈ જાય છે. આ સિરીઝમાં ‘રંગ દે બસંતી’, ‘ચશ્મે બદ્દૂર’ ફેમ સિદ્ધાર્થ સૂર્યનારાયણ લીડ રોલમાં છે. તો ‘મિર્ઝાપુર’ ફેમ શ્વેતા ત્રિપાઠી, ‘દંગલ’ ફેમ રિત્વિક સાહોરે, આલેખ સંગલ જેવા કલાકારો પણ સિરીઝમાં જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે ‘રાધાકૃષ્ણ’માં મલ્લિકા સિંહ અને સુમેધ મુદગલકરની જોડીને અપાર લોકપ્રિયતા મળી છે. ‘રાધાકૃષ્ણ’ના નિર્માતા સિદ્ધાર્થ કુમાર તિવારી જેમણે ‘મહાભારત’, ‘પોરસ’, ‘રામ સિયા કે લવ કુશ’ જેવા જાણીતા શો બનાવ્યા છે તેઓ ‘એસ્કેપ લાઇવ’ના પ્રોડ્યુસર છે અને ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ‘લાખોં મેં એક’ના ડિરેક્ટર અભિષેક સેનગુપ્તા આ શોને ડિરેક્ટ કરવાના છે. ‘એસ્કેપ લાઇવ’નું શૂટિંગ ગયા વર્ષે ગુજરાતમાં શરૂ થયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK