લોકો તરફથી મળતી પ્રશંસાથી પોતાની જાતને બે દાયકાઓથી અળગી રાખી છે:કરીના

Published: Mar 19, 2020, 18:21 IST | Mumbai Desk

તેનું કહેવું છે કે ૩૦ની ઉંમરમાં પહોંચી ગયેલી સેલિબ્રિટીઝ આજે સ્ક્રિપ્ટને વધુ મહત્ત્વ આપે છે

કરીના કપૂર
કરીના કપૂર

કરીના કપૂર ખાન છેલ્લા બે દાયકાથી પોતાની જાતને લોકો દ્વારા કરવામાં આવતી પ્રશંસાથી દૂર રાખી રહી છે. કરીનાએ ૨૦૦૦માં આવેલી ‘રેફ્યુજી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેનો કરીઅર ગ્રાફ ખરેખર અવર્ણનીય રહ્યો છે. પોતાની અદાકારીથી તેણે કેટલાક અવૉડ‍્‌‌‌ર્સ જીત્યા છે. કેટલીક બ્લૉક-બસ્ટર ફિલ્મો પણ તેણે આપી છે. સૈફ અલી ખાન સાથે લગ્ન અને બાદમાં દીકરા તૈમુરના જન્મ બાદ પણ તેણે સતત ફિલ્મોમાં કામ ચાલુ રાખ્યું છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એક એવી ધારણા છે કે લગ્ન બાદ ઍક્ટ્રેસિસ બૉલીવુડને અલવિદા કહી દે છે. આ વિશે કરીનાએ કહ્યું હતું કે ‘હું ઇન્ડસ્ટ્રીના વિચારોથી અવગત છું. સાથે જ મારી જાતમાં મેં પૂરતા પ્રમાણમાં પરિવર્તન કર્યાં છે. સામાન્ય લોકો આ પ્રેશરને સંભાળી નથી શકતા. ઇન્ડસ્ટ્રીમાં તમારી આસપાસના લોકો તમારા અહ‍્મને સતત પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, જે ખોટું છે. ઇન્સ્ટાગ્રામ પર ૪૦ મિલ્યન ફૉલોઅર્સ હોય અને લોકો ભરપૂર પ્રશંસા કરતા હોય તો એના કારણે મનમાં ખોટી ધારણા ભરાઈ જાય છે. જોકે છેલ્લા બે દાયકાથી આ બધી વસ્તુથી મેં પોતાની જાતને દૂર રાખી છે. આટલાં વર્ષોમાં આ કળામાં હું હવે માહેર થઈ ગઈ છું.’

ટ્રાવેલિંગ, રીડિંગ અને નવા લોકોને મળતાં તે હસબન્ડ સૈફ અલી ખાન પાસેથી શીખી છે. આ માટે તેનો આભાર માનતાં કરીનાએ કહ્યું હતું કે ‘એક ઍક્ટર તરીકે આપણે એક જ ઇન્ડસ્ટ્રીના લોકોને મળીએ છીએ. કઈ નવી ફિલ્મો બની રહી છે એ વિશે ચર્ચા કરીએ છીએ. કયાં બ્રૅન્ડ-એન્ડૉર્સમેન્ટ્સ ગુમાવ્યાં, આગામી ફિલ્મમાં મોટા રોલ માટે કયા ડિરેક્ટરને મળવાનું છે આ બધી વસ્તુઓ ખૂબ કંટાળાજનક હોય છે. મને પરિવર્તન માટે નવી પ્રવૃત્તિ મળી ગઈ છે. ઉદાહરણ તરીકે વિશ્વના જુદા-જુદા લોકો સાથે મુલાકાત કરવી. કામમાંથી બ્રેક લઈને હું ટ્રાવેલિંગ કરું છું, રીડિંગ અને આ ઇન્ડસ્ટ્રીના ન હોય એવા લોકોને મળું છું. આ બધી પ્રવૃત્તિ માટે હું સૈફની આભારી છું.’

કરીનાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે આમિર ખાન સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને કરણ જોહરની ‘તખ્ત’માં જોવા મળવાની છે. બૉલીવુડમાં તેની સાથે જ તેની સમકક્ષ અભિનેત્રીઓએ હટકે ફિલ્મો કરીને જૂની પરંપરાને તોડી નાખી છે. એ સંદર્ભે કરીનાએ કહ્યું હતું કે ‘કંગના રનોટ, વિદ્યા બાલન, પ્રિયંકા ચોપડા જોનસ અને મેં એવી ફિલ્મોની પસંદગી કરી છે જેણે મહિલાઓને અલગ રીતે ફિલ્મોમાં દેખાડી છે. લોકોની માનસિકતામાં પણ બદલાવ આવ્યો છે. જે ઍક્ટર્સ આજે ૩૦ની ઉંમરમાં પહોંચી ગયા છે તેઓ વધુ રિલૅક્સ્ડ છે અને અન્ય બાબતો કરતાં સ્ટોરીને વધુ મહત્ત્વ આપે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK