Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > મૂવી રિવ્યુ > આર્ટિકલ્સ > પુરુષપ્રધાન સોસાયટીને જોરદાર થપ્પડ

પુરુષપ્રધાન સોસાયટીને જોરદાર થપ્પડ

28 February, 2020 12:54 PM IST | Mumbai Desk
Harsh Desai | harsh.desai@mid-day.com

પુરુષપ્રધાન સોસાયટીને જોરદાર થપ્પડ

પુરુષપ્રધાન સોસાયટીને જોરદાર થપ્પડ


બૉલીવુડમાં સોશ્યલ ઇશ્યુ પરથી ઘણી ફિલ્મો બની રહી છે અને કેટલીક ફિલ્મો એવી છે જેને હળવી રીતે રજૂ કરવામાં આવે છે તો કેટલીકને મનોરંજક રીતે રજૂ કરવામાં આવે છે. અનુભવ સિંહા ‘મુલ્ક’ અને ‘આર્ટિકલ 15’ બાદ ફરી એક વાર હાર્ડહિટિંગ મૂવી લઈને આવ્યા છે. આ ફિલ્મનું નામ છે ‘થપ્પડ’. તાપસી પન્નુ સહિત આ ફિલ્મમાં ઘણાં સારાં-સારાં પાત્રો છે. જોકે મુખ્ય પાત્ર તાપસીનું છે.

ફિલ્મની સ્ટોરી
તાપસીએ અમ્રિતાનું પાત્ર ભજવ્યું છે. તે એક હાઉસવાઇફ હોય છે અને તેના પતિ વિક્રમ (પવેલ ગુલાટી)ના સપનાને પોતાનું સપનું બનાવી દે છે. એક દિવસ વિક્રમની પાર્ટીમાં તેના બૉસ સાથે ઝઘડો થાય છે અને તે અમ્રિતાને તમાચો મારી દે છે. તેમની પર્ફેક્ટ ચાલતી લાઇફમાં આ એક તમાચો તોફાન લાવે છે અને અમ્રિતા એ સહન નથી કરી શકતી. તેને અચાનક તેની લાઇફમાં શું થઈ રહ્યું છે એનો અહેસાસ થાય છે અને આ તમાચો તે સ્વીકારી નથી શકતી. ત્યાર બાદ શું થાય છે એના પર આ ફિલ્મ છે.



સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
અનુભવ સિંહાએ આ ફિલ્મની સ્ટોરી મૃણ્મયી લાગુ સાથે મળીને લખી છે. ફિલ્મની સ્ટોરી એટલી સુંદર રીતે લખવામાં આવી છે કે એક મિનિટ માટે પણ તમને ખુરશી પરથી ઊઠવાનું મન નહીં થાય. ૧૪૧ મિનિટ લાંબી હોવા છતાં એની સ્ટોરી, એની ઍક્ટિંગ અને ડિરેક્શન તમને સીટ પર જકડી રાખે છે. તેઓ દિલ્હીમાં રહેતાં હોય છે અને તેમણે હાઈ પ્રોફાઇલથી લઈને મિડલ-ક્લાસ અને ગરીબ ઘરની તમામ મહિલાઓની પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે વણી લીધી છે. દીકરી, ગર્લફ્રેન્ડ, પત્ની, મમ્મી અને સાસુ દરેકની લાઇફમાં શું પરિસ્થિતિઓ આવે છે અને તેમણે કેવી ચૅલેન્જનો સામનો કરવો પડે છે એ દરેકને અનુભવ સિંહાએ એકદમ સરસ રીતે સ્ક્રીન પર રજૂ કર્યું છે. અનુભવ સિંહાએ ખૂબ જ સંભાળીને સ્ક્રીનપ્લે લખ્યો છે અને એમાં એક પણ દૃશ્ય નકામું નથી લાગતું. તેમ જ તેમણે તેમના ડિરેક્શન દ્વારા મહિલાઓની નાની-નાની ખુશીને પણ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે. હાઈ પ્રોફાઇલ મહિલા વકીલ કેવી રીતે પોતાના ઘરમાં ઘૂટન મહેસૂસ કરે છે અને તે કારમાંથી પોતાને ચહેરો બહાર કાઢતી વખતે હવાને કારણે તેને કેવી ખુશી મળે છે અને ઘરકામ કરતી એક મહિલા તેના ઘરે જતી વખતે બાળકો ક્રિકેટ રમતાં હોય ત્યારે તેમને બૉલ આપતી વખતે કેવી ખુશી મળે છે એને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. અનુભવ સિંહાના ડિરેક્શનમાં કોઈ ખામી નથી, પરંતુ તેમણે ફિલ્મમાં પાત્રોને લઈને નાની-નાની ઘણી ભૂલો કરી છે. એમ છતાં પુરુષપ્રધાન સોસાયટીની અસર કેવી છે એ દેખાડવામાં તેઓ સફળ થયા છે.


ઍક્ટિંગ
તાપસી પન્નુએ અમ્રિતાના પાત્રને ખૂબ જ સારી રીતે ન્યાય આપ્યો છે. આ ફિલ્મ તેના વગર શક્ય નહોતી એમ કહેવું ખોટું નથી. તેની ઍક્ટિંગ અને તેની ડાયલૉગ-ડિલિવરીને કારણે ફિલ્મ ખૂબ જ ઇફેક્ટિવ બની છે. સ્ટોરી અને ડિરેક્શન જેટલાં પાવરફુલ હતાં એટલી જ ધારદાર તાપસી પણ હતી. વિક્રમના પાત્રમાં પવેલ ગુલાટીએ પણ સારું કામ કર્યું છે. આ સિવાય કુમુદ મિશ્રા, રત્ના પાઠક શાહ અને તન્વી આઝમી સહિત દરેક વ્યક્તિએ ખૂબ જ જોરદાર કામ કર્યું છે.

પ્લસ પૉઇન્ટ
ફિલ્મમાં મહિલાને સારી અને પુરુષોને ખરાબ દેખાડવાનો આગ્રહ રાખવામાં નથી આવ્યો. ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ છે સેલ્ફ-રિસ્પેક્ટ. તાપસીને તેના પતિએ લાઇફમાં એક જ તમાચો માર્યો હતો એમ છતાં ફિલ્મમાં ડોમેસ્ટિક વાયલન્સ પર વધુ ભાર આપવામાં નથી આવ્યો. તાપસી જ્યારે લીગલ કાર્યવાહીમાં પડે છે ત્યારે પણ તે ડોમેસ્ટિક વાયલન્સને વધુ મહત્ત્વ નથી આપતી અને એટલું જ કહે છે કે તેણે એક તમાચો જ માર્યો છે, પરંતુ તે નહીં મારી શકે. તે જ્યારે ડિવૉર્સનો કેસ ફાઇલ કરે છે ત્યારે પણ સિક્યૉરિટી તરીકે તેના પતિ પાસે એક રૂપિયો નથી માગ્યો. આથી તેને હંમેશાં તેના સેલ્ફ-રિસ્પેક્ટ માટે જ લડતી દેખાડવામાં આવી છે અને આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે. સ્ટોરીની શરૂઆત તમાચો મારવાથી થાય છે, પરંતુ એ ધીમે-ધીમે સેલ્ફ-રિસ્પેક્ટ પર શિફ્ટ થાય છે અને દરેક પાત્રને પોતાના સેલ્ફ-રિસ્પેક્ટ માટે લડતું દેખાડવામાં આવ્યું છે. તેમ જ વિક્રમે તમાચો માર્યો હોય એમ છતાં તે ફિલ્મના અંત સુધી એક પણ વાર અમ્રિતાને સૉરી નથી કહેતો અને તેને એ વાતનો અહેસાસ સુધ્ધાં નથી થતો કે તેના એક તમાચાએ તેની ફૅમિલીને કેવી રીતે તહસનહસ કરી નાખી. તે ફક્ત સોસાયટી શું કહેશે? પોતે શું છે? પોતે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એના પર જ ધ્યાન આપે છે. લાસ્ટમાં તાપસી પોતે ડ્રાઇવ કરીને જાય છે. તે જ્યારે લગ્નજીવનમાં ખુશી હતી ત્યારે કાર ચલાવતાં શીખવા ઇચ્છતી હોય છે, પરંતુ તે જ્યારે અલગ થાય છે ત્યારે કાર ચલાવતી જોવા મળે છે. જોકે તેને કાર શીખતી દેખાડવામાં નથી આવી, પરંતુ અહીં સમજી લેવું કે તેણે આ સમય દરમ્યાન કાર ચલાવતાં શીખી લીધી હતી. અહીં તેને હાર માનતી નહીં, પરંતુ તેની ઇચ્છાઓને પૂરી કરતી દેખાડવામાં આવી છે. તેમ જ દરેક દૃશ્ય અને ડાયલૉગ સાથે બૅકગ્રાઉન્ડ સ્કોર ખૂબ જ સારો આપવામાં આવ્યો છે.


માઇનસ પૉઇન્ટ
અનુભવ સિંહાએ જ્યારે વિક્રમનું પાત્ર સેલ્ફ સેન્ટર્ડ દેખાડ્યું છે અને સોસાયટી તેના વિશે કેવી વાતો કરશે એ વિશે વિચારતું દેખાડ્યું છે ત્યારે તેઓ દિયા મિર્ઝાના પાત્રને એક્સપ્લોર કરવાનું ભૂલી ગયા છે. ફિલ્મમાં દિયાના પતિનું મૃત્યુ થયું હોય છે અને તે તેની દીકરી સાથે રહે છે. તેની દીકરી તેની મમ્મીનાં ફરી લગ્ન કરવા માટે પુરુષની શોધ કરી રહી હોય છે, પરંતુ તે સિંગલ જ ખુશ હોય છે. એક એવી સ્ત્રી જે તેની લાઇફમાં ખુશ હોય અને તે લક્ઝુરિયસ કાર ચલાવતી હોય અને તેની લાઇફમાં કોઈ મુસીબત ન હોય અને તેના વિશે સોસાયટી ગમે એમ વાત ન કરતી હોય એ માની શકાય ખરું? એક ડાયલૉગમાં દિયાની કારને જોઈને વિક્રમ બોલે છે કે યે કરતી ક્યા હૈ? આ ડાયરેક્ટ એક મહિલાની ઇન્ટિગ્રિટી પર હુમલો હતો. જોકે અમ્રિતા તરત કહે છે કે મહેનત કરે છે. એક હાઈ-પ્રોફાઇલ સોસાયટીની વ્યક્તિ તેના પાડોશી વિશે આવો સવાલ કરી શકતી હોય તો અન્ય માણસો પણ કરતા હોય એ સ્વાભાવિક છે. એમ છતાં તેની દિયા પર કોઈ અસર ન પડે એ માનવું થોડું મુશ્કેલ છે. તેમ જ ફિલ્મમાં કોને કેવા સંસ્કાર આપવામાં આવ્યા છે એની વાત કરવામાં આવી છે. તાપસીને તેના પપ્પાએ જીવનમાં એક પણ વાર તમાચો નથી માર્યો હોતો અને તેને હંમેશાં સારા સંસ્કાર આપવામાં આવે છે. જોકે તેનો ભાઈ જ એક દૃશ્યમાં તેની ગર્લફ્રેન્ડનો હાથ પકડીને તેને ઘરમાંથી જતા રહેવા માટે કહે છે. આ દૃશ્યમાં તેના પપ્પા તેને સૉરી બોલવા કહે છે. જોકે સવાલ એ છે કે એક દીકરી અને એક દીકરાને હંમેશાં સરખા સંસ્કાર આપવામાં આવ્યા તો દીકરાએ આવું કેમ કર્યું? અને કર્યું તો એનું કારણ દેખાડવામાં અનુભવ સિંહા નિષ્ફળ રહ્યો છે.

આખરી સલામ
અમુક ફિલ્મો એવી હોય છે જે મનોરંજન માટે જોવામાં આવતી હોય છે. જોકે અમુક ફિલ્મો એવી હોય છે જેમાંથી આપણને ખરેખર શીખવા મળે છે. ‘થપ્પડ’ દ્વારા અનુભવ સિંહા અને તાપસી પન્નુએ સોસાયટીને એક જોરદાર તમાચો માર્યો છે અને એના પરથી આપણે એ શીખવું જોઈએ કે મહિલાઓનો રિસ્પેક્ટ કેવી રીતે કરવો.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2020 12:54 PM IST | Mumbai Desk | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK