Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > મૂવી રિવ્યુ > આર્ટિકલ્સ > ફિલ્મ-રિવ્યુ - સૈરા નરસિંહા રેડ્ડી - દેશભક્તની કાલ્પનિક કહાની

ફિલ્મ-રિવ્યુ - સૈરા નરસિંહા રેડ્ડી - દેશભક્તની કાલ્પનિક કહાની

04 October, 2019 12:45 PM IST | મુંબઈ
હર્ષ દેસાઈ

ફિલ્મ-રિવ્યુ - સૈરા નરસિંહા રેડ્ડી - દેશભક્તની કાલ્પનિક કહાની

ફિલ્મ-રિવ્યુ - સૈરા નરસિંહા રેડ્ડી

ફિલ્મ-રિવ્યુ - સૈરા નરસિંહા રેડ્ડી


દેશભક્તિ પર જ્યારે પણ કોઈ ફિલ્મ બને ત્યારે એના પર સૌની નજર હોય છે. બૉલીવુડમાં આવી ફિલ્મો હિટ થવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જોકે શુક્રવારે રિલીઝ થયેલી સાઉથની ફિલ્મ ‘સૈરા નરસિંહા રેડ્ડી’ પૅન ઇન્ડિયામાં ડબ કરીને રિલીઝ કરવામાં આવી છે. સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી અને અમિતાભ બચ્ચન સહિત ઘણા અદ્ભુત ઍક્ટર્સને આ ફિલ્મમાં પસંદ કરવામાં આવ્યા છે. સુદીપ કિચ્ચા, જગપતિ બાબુ, વિજય સેતુપતિ, રવિ કિશન, તમન્ના અને નયનતારાએ આમાં કામ કર્યું છે. અનુષ્કા શેટ્ટીએ આ ફિલ્મમાં નાનકડી ભૂમિકા પણ ભજવી છે.

ઉયલવાડા નરસિંહા રેડ્ડીના જીવન પરથી પ્રેરણા લઈને ‘સૈરા નરસિંહા રેડ્ડી’ બનાવવામાં આવી છે. જાહેરમાં ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરી સિનેમૅટિક લિબર્ટી દ્વારા એક કાલ્પનિક સ્ટોરી રજૂ કરવામાં આવી છે. આ લડાઈ ભારતની પહેલી સ્વતંત્રતા માટેની લડાઈ છે. જોકે આપણને સ્કૂલમાં એમ જ કહેવામાં આવ્યું હતું કે ભારતની પહેલી ક્રાન્તિ ૧૮૫૭ની ૧૦ મેએ થઈ હતી. ફિલ્મની શરૂઆત આ સમયથી જ થાય છે જેમાં રાણી લક્ષ્મીબાઈ તેના સાથીઓને પ્રેરણા આપવા અને તેમની અંદર મરી ગયેલા જોશને ફરી જગાડવા માટે નરસિંહા રેડ્ડીની સ્ટોરી કહે છે. ૧૮૫૭નાં દસ વર્ષ પહેલાં એટલે કે ૧૮૪૭માં નરસિંહા રેડ્ડીએ બ્રિટિશરો સામે જંગ છેડ્યો હતો. જોકે ફિલ્મની સ્ટોરી એનાથી પણ ભૂતકાળમાં જ્યારે નરસિંહા રેડ્ડીનો જન્મ થયો હતો ત્યારથી થાય છે. રાણી લક્ષ્મીબાઈ તેના ૨૦,૦૦૦માંથી બચી ગયેલા સો સૈનિકોને આ સ્ટોરી કહે છે ત્યારે એક સવાલ થાય છે કે લક્ષ્મીબાઈને તેમનો જન્મ પણ કેવી રીતે થયો એ માહિતી ક્યાંથી મળી હશે? જોકે સ્ટોરી આગળ વધે છે. રેનાડુના પાલેગાર કહેવાતા તમામ ઍક્ટર્સની ઓળખ આપવામાં આવે છે. સુદીપ કિચ્ચા, ચિરંજીવી, જગપતિ બાબુ, મુકેશ રિશી અને રવિ કિશન દરેક પાલેગાર હોય છે. તેમની પાસેથી બ્રિટિશરોએ સત્તા છીનવી લીધી હોય છે, પરંતુ ચિરંજીવી તેમની સામે હાર નથી માનતો અને તે જંગ છેડે છે. આ જંગ માટે તેને બાળપણથી તેના ગુરુ એટલે કે અમિતાભ બચ્ચને તૈયાર કર્યો હોય છે.



ફિલ્મની સ્ટોરી પહેલા પાર્ટમાં ખૂબ જ ખેંચવામાં આવી છે. ચિરંજીવી અને તમન્ના વચ્ચેનું પ્રેમ પ્રકરણ થોડુ બોરિંગ લાગે છે. ચિરંજીવી આ ફિલ્મમાં ચિરંજીવી નહીં, પરંતુ સ્વયં નરસિંહા રેડ્ડી હોય એવું લાગે છે. ૬૪ વર્ષની ઉંમરે પણ તેમણે જે મારફાડ અને સ્ટન્ટ કર્યાં છે એ ખૂબ જ અદ્ભુત છે. તેમની સાથે બિગ બીએ પણ તેમના પાત્રને સંર્પૂણ ન્યાય આપ્યો છે. સુદીપ કિચ્ચા એક ઈર્ષાળુ, પરંતુ દેશ અને ન્યાય માટે હંમેશાં આગળ રહેનાર વ્યક્તિના પાત્રમાં અવ્વલ છે. જગપતિ બાબુ અને વિજય સેતુપતિએ પણ તેમના પાત્રને ખૂબ જ ગંભીરતાથી ભજવ્યાં છે અને એને ન્યાય આપ્યો છે. રવિ કિશન હંમેશાંની જેમ તેના છળકપટમાં એક નંબર છે. નરસિંહા રેડ્ડીની પત્નીના પાત્રમાં નયનતારાએ નાની પરંતુ મહત્વની ભૂમિકા ભજવી છે. તમન્નાએ એક નર્તકીનું પાત્ર ભજવ્યું છે જે વિવિધ જગ્યાએ ફરી તેના નૃત્ય દ્વારા લોકોમાં દેશભક્તિ જગાડવાનું કામ કરે છે. સેકન્ડ હાફના એક દૃશ્યમાં તમન્ના પોતાની જાતને નરસિંહા રેડ્ડી માટે અને એના કરતાં પણ વધુ દેશ માટે સમર્પિત કરે છે એ દૃશ્યને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે.


ફિલ્મમાં કમ્પ્યુટર જનરેટેડ ઇમેજિનરીનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલાંક દૃશ્યો જોઈને ઍનિમેશન ફિલ્મ ચાલી રહી હોય એવું લાગે છે. ખાસ કરીને અમિતાભ બચ્ચનના ગુરુકુળનાં દૃશ્યો. પરીઓની કહાનીમાં જે રીતે નદીની બાજુમાં એક ઘર હોય અને ત્યાં તમામ પ્રાણીઓ રમતાં હોય એવું દૃશ્ય દેખાડવામાં આવ્યું છે. ફિલ્મમાં ઇન્ટરવલની જગ્યાએ લખવામાં આવ્યું છે કે વૉર જસ્ટ બિગિન... નાઓ. સેકન્ડ હાફમાં ફક્ત લડાઈ, લડાઈ અને લડાઈ છે. જોકે આ ફાઇટને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે. વિઝ્યુઅલ ઇફેક્ટથી લઈને દરેક ઍક્ટરને કેટલો સ્ક્રીન-ટાઇમ આપવો વગેરે બાબતો પર ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે.

૧૮૪૭ના સમયને ધ્યાનમાં રાખીને કૉસ્ચ્યુમથી લઈને લોકેશન અને યુદ્ધ માટે કેવાં શસ્ત્રોનો ઉપયોગ કરવો એ માટે પણ ખૂબ જ તકેદારી રાખવામાં આવી હતી. એક ઇન્ટરવ્યુમાં ચિરંજીવીએ કહ્યું હતું કે છેલ્લી લડાઈ માટે તેમના દીકરા એટલે કે પ્રોડ્યુસર રામ ચરણે અંદાજે ૭૫થી ૮૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ ખર્ચ કર્યા હતા. જોકે એ ખર્ચેલા પૈસા આ ફિલ્મમાં દેખાઈ આવે છે.


ઍક્ટિંગ અને ઍક્શન તો મજેદાર છે, પરંતુ ડિરેક્શનમાં ખામી છે. રામ ચરણની ફિલ્મ ‘ધ્રુવા’ના ડિરેક્ટર સુરેન્દર રેડ્ડીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. તેમની સ્ટોરી ટેલિંગમાં ઘણી ખામીઓ છે. ઘણી વાર દૃશ્યોની સાથે-સાથે સ્ટોરી પણ જમ્પ કરતી હોય એવું લાગે છે. તેમના સ્ટોરી ટેલિંગમાં પ્રૉબ્લેમ છે, પરંતુ મેગાસ્ટારના પાવરને કારણે સ્ટોરી ફરી ટ્રૅક પર આવી જાય છે. ફિલ્મનો પહેલો હાફ જોતાં લાગે છે કે મૅરથૉન ચાલી રહી છે. જોકે બીજો હાફ સો મીટરની દોડ જેવો લાગે છે જે એની સ્પીડ અને ફાઇટને લઈને ખૂબ જ જલદી પૂરો થઈ ગયો હોય એવું લાગે છે.

આ પણ વાંચો : Sunny Leone ને ખુશ કરવા કરોડોની કાર ભેટ આપે છે પતિ ડેનિયલ વેબર

ફિલ્મમાં ‘સૈરા નરસિંહા રેડ્ડી’ ટાઇટલ સૉન્ગનો સમાવેશ લોકોમાં દેશભક્તિ જગાડવા માટે તમન્ના કરતી હોય છે. આ સાથે જ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મને અનુરૂપ અને ખૂબ જ સારું આપવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2019 12:45 PM IST | મુંબઈ | હર્ષ દેસાઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK