છ મહિનામાં સુશાંતના હાથમાંથી સાત ફિલ્મો છીનવી લેવામાં આવી હોવાનો આરોપ

Published: 15th June, 2020 19:38 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે લગાડયો આક્ષેપ: ફિલ્મ જગતની નિષ્ઠુરતાએ કલાકારને મારી નાખ્યો, બૉલીવુડે સુશાંત સિંહ રાજપુતને બૉયકૉટ કર્યો હોવાની ચર્ચા

સુશાંત સિંહ રાજપુત, સંજય નિરૂપમ
સુશાંત સિંહ રાજપુત, સંજય નિરૂપમ

અદ્ધભૂત અભિનયથી દરેકના દિલમાં જુદુ સ્થાન બનાવનાર અને ફિલ્મ તેમજ ટીવી ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતે 34 વર્ષની ઉંમરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. અભિનેતાએ શા માટે આવુ પગલું ભર્યું હશે તે વિષે સહુ કોઈ વિચારી રહ્યાં છે. ત્યારે  સંજય નિરુપમે પણ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે, સુશાંત પાસેથી સાત ફિલ્મો છીનવી લેવામાં આવી હતી. ત્યારબાદ બિહારનાં નેતા પપ્પુ યાદવે કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કરી જ ન શકે, હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ.

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ટ્વીટ કરીને બૅલીવુડ પર આક્ષેપ કર્યો છે કે, 'છીછોરે' હિટ થયા બાદ સુશાંત સિંહ રાજપુતે સાત ફિલ્મો સાઈન કરી હતી. પરંતુ છ જ મહિનામાં બધી જ ફિલ્મો હાથમાંથી નીકળી ગઈ, આખરે કેમ? ફિલ્મ જગત નિષ્ઠુરતાના અલગ જ લેવલ પર કામ કરી રહ્યું છે અને આ જ નિષ્ઠુરતાએ કલાકારને મારી નાખ્યો.

બિહારની જનઅધિકાર પાર્ટીના પ્રમુખ પપ્પુ યાદવે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગ્લેમરની દુનિયા ગંદગી, bully માનસિકતા અને વંશીય ભેદભાવને પ્રદર્શિત કરે છે. આવા લોકો પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ. એટલું જ નહીં આ મામલે સીબીઆઈ તપાસની માંગણી કરી હતી અને કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપુની હત્યા કરવામાં આવી છે તે આત્મહત્યા કરી જ ન શકે.

નોંધનીય છે કે કમાલ આર ખાને પણ ફેબ્રુઆરી મહિનામાં એક ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યુ હતુ કે, અમુક પ્રોડક્શન હાઉસે સુશાંત સિંહ રાજપુતને બૉયકૉટ કર્યો છે. માટે હવે સુશાંત ફક્ત ટેલિવિઝન તેમજ વૅબ સિરિઝમાં જ કામ કરી શકશે. ધર્મા પ્રોડક્શન, સાજીદ નડીયાદવાલા, વાય આર એફ, ટી સિરીઝ, સલમાન ખાન પ્રોડક્શન, બાલાજી વગેરે પ્રોડક્શન હાઉસે સુશાંત સિંહ રાજપૂતને બૅન કર્યો છે. આ ટ્વિટ KRK boxoffice ના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી ફેબ્રુઆરીના મહિનામાં કરવામાં આવી હતી. આ મુદ્દા બાદ નેપોટીઝમનો ટૉપિક ફરીથી બહાર આવ્યો હતો. નેપોટીઝમને કારણે લાખો યુવાનો પોતાના સપના પૂરા કરતા ડરે છે.

એટલું જ નહીં અભિનેતાના મામાએ પણ કહ્યું હતું કે, મને નથી લાગતું કે સુશાંત આત્મહત્યા કરી શકે છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરવી જોઈએ. સુશાંતની મોત પાછળ કોઈ કાવતરું લાગી રહ્યું છે અને તેનું મર્ડર પણ થયું હોઈ શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK