બદલાતા જતા સમય સાથે તાલ મિલાવી રહી છે શ્રીદેવી

Published: 26th September, 2012 05:13 IST

મિડિયા સમક્ષ શરમાળ હોવાની છાપ પાછળ મૂકીને પોતાની કમબૅક ફિલ્મના પ્રમોશન માટે રોજ આપે છે દસ-દસ ઇન્ટરવ્યુશ્રીદેવીની બૉલીવુડમાં છેલ્લી ફિલ્મ રિલીઝ થયાને પંદર વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને આ સમયગાળામાં બૉલીવુડની કામ કરવાની સ્ટાઇલમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પહેલાં ફિલ્મની રિલીઝ વખતે પ્રમોશનને ખાસ મહત્વ નહોતું આપવામાં આવતું, પણ હવે ફિલ્મના પ્રમોશન પર જ એના પ્રારંભિક દેખાવનો ઘણોખરો આધાર રહે છે. આ સંજોગોમાં એક સમયે મિડિયાથી અંતર રાખતી અને મિડિયાશાઇની ઇમેજ ધરાવતી શ્રીદેવીએ પણ પોતાની આ ઇમેજને પડતી મૂકી બદલાતા સમય સાથે તાલ મિલાવીને પોતાની કમબૅક ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ માટે ભરપૂર પ્રમોશન કરવાનું શરૂ કરી દીધું છે. તે આ પ્રમોશન માટે કોઈ ફરિયાદ કર્યા વગર એક દિવસના દસ-દસ ઇન્ટરવ્યુ આપી રહી છે.

શ્રીદેવીના આ અભિગમ વિશે ફિલ્મની ડિરેક્ટર ગૌરી શિંદે કહે છે, ‘શ્રીદેવી રોજ આઠથી દસ ઇન્ટરવ્યુ આપે છે. તે થાકી જાય છે, પણ પ્રમોશનની આખી પ્રક્રિયાની મજા માણી રહી છે. તે લાંબા સમય પછી મિડિયા સાથે આટલી વ્યાપક રીતે વાત કરી રહી છે. હું ખુશ છું કે મારી ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મમાં શ્રીદેવી જેવી સ્ટાર કામ કરી રહી છે. મને આનાથી મોટું પ્લૅટફૉર્મ ન મળ્યું હોત.’

પોતાના અનુભવ વિશે વાત કરતાં શ્રીદેવી કહે છે, ‘અત્યારના સમયની માર્કેટિંગ સ્ટ્રૅટેજી અને પ્રમોશન અમારા સમય કરતાં સાવ અલગ છે. નેવુંના દાયકામાં પણ રિલીઝ વખતે અમારી બહુ ગણતરીના પત્રકારો સાથે જ વાત થતી હતી. આજે તો ઢગલાબંધ લોકો સાથે વાત કરવી પડે છે, કારણ કે પ્રમોશનનું મહત્વ બહુ વધી ગયું છે.’

શ્રીદેવી પોતાની કમબૅક ફિલ્મની રિલીઝ વખતે પોતાની ઇમેજ વિશે પણ બહુ સભાન છે અને દરેક ઇન્ટરવ્યુને અલગ રીતે હૅન્ડલ કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરે છે. મળતી માહિતી પ્રમાણે શ્રીદેવી અલગ-અલગ પબ્લિકેશન કે પછી ચૅનલને ઇન્ટરવ્યુ આપતી વખતે દરેક વખતે ડ્રેસ ચેન્જ કરીને અલગ લુક આપવાનો પ્રયાસ કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK